સાવિત્રી જિંદાલ દેશના સૌથી અમીર લોકોની યાદીમાં આ ઉદ્યોગપતિને પાછળ રાખીને પાંચમા સ્થાને પહોંચી ગયા…
ભારતમાં જ્યારે પણ અમીરોનું નામ આવે કે તરત જ બધાને અંબાણીને અદાણી નામ જ યાદ આવે અને તે સ્વાભાવિક પણ છે કારણકે ભારતમાં સૌથી અમીર ગણાતા લોકોમાં તે ટોચના સ્થાને છે. ત્યારે ક્યારેય વિચાર્યું છે કે ભારતની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ કેટલી અમીર છે. તો ચાલો તમને જણાવી દઉં કે હવે સાવિત્રી જિંદાલે સંપત્તિના મામલામાં વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીને પણ પાછળ પાડી દીધા છે. અને તે સાતમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર જિંદાલ ગ્રૂપના ચેરમેન સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 25 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં તેમની સંપત્તિમાં ઘણો વધારો થયો છે. ત્યારે આ જ સમયગાળા દરમિયાન અઝીમ પ્રેમજીની સંપત્તિમાં 42 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
સાવિત્રી જિંદાલનો જન્મ 20 માર્ચ 1950ના રોજ આસામના તિનસુકિયામાં થયો હતો. તેમણે 1970માં જિંદાલ ગ્રુપના સ્થાપક ઓમપ્રકાશ જિંદાલ સાથે લગ્ન કર્યા અને તેમને નવ બાળકો છે. જ્યારે તે 55 વર્ષના હતા ત્યારે તેના પતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. પતિના અવસાન પછી તેમણે આખો બિઝનેસ સંભાળી લીધો. નોંધનીય છે કે ઓમ પ્રકાશ જિંદાલ હરિયાણા સરકારમાં પ્રધાન પણ હતા.
વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી એક સમયે ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં નંબર વન પર હતા. પરંતુ છેલ્લા વર્ષોમાં તેની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં કંપનીના શેરમાં 42 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જેની સીધી અસર પ્રેમજીની સંપત્તિ પર પણ પડી અને તેના કારણે તેઓ દેશના અમીરોની યાદીમાં છઠ્ઠા સ્થાને આવી ગયા છે.
આ રહી ભારતના દસ અમીરોનું લિસ્ટ
- મુકેશ અંબાણી
- ગૌતમ અદાણી
- શાપૂર પલોનજી મિસ્ત્રી
- શિવ નાદર
- સાવિત્રી દેવી જિંદાલ
- અઝીમ પ્રેમજી
- દિલીપ શાંતિલાલ સંઘવી
- રાધાકિશન દામાણી
- લક્ષ્મી મિત્તલ
- કુમાર મંગલમ બિરલા