મેટિનીસ્પેશિયલ ફિચર્સ

સાત્વિકમ્ શિવમ્ : ફ્રીઝનું પાણી બરફ બને એમ મનમાં રહી જતા ક્રોધને વેર બની જતા વાર ન લાગે…

  • અરવિંદ વેકરિયા

મહુવામાં માત્ર એક શો માટે કેટલા ઉધામા કર્યા? ત્રણ-ત્રણ રિપ્લેસમેન્ટ… જાણે બીજું નાટક તૈયાર કરી નાખ્યું ન હોય !

અભયભાઈ હંમેશાં મારી પડખે ઊભા રહ્યા હોય અને જયારે વાત એમની આબરૂની હોય અને હું નાં પાડું તો ‘સંબંધ’ને બીજું શું નામ આપવાનું? હશે, થોડી દોડા-દોડી, ટેન્શન અને શો સારો જશે કે નહિ એ દહેશત…પણ સમય છે, અમુક સમયમાંથી પસાર થવાનું હોય છે અને અમુક સમયને પસાર થવા દેવાનો હોય છે. સમય તો લગભગ પસાર થઈ જ ગયો, પણ… નાટક ગિરનાર ફિલ્મ થિયેટરમાં ભજવાતું હતું. સેટ લાગેલો પણ જે રીતે લાગવો જોઈએ એ રીતે નહિ. ફિલ્મનું થિયેટર એટલે વધુ પડતું લાંબું લાગે. લાઈટ બટનની પાછળ જોઈએ એટલી જગ્યા ન મળે. બે-ચાર મુવમેન્ટ પછી બધું એડજસ્ટ થતું જતું હતું. લગભગ નાટકની નાવડી કિનારે લાંગરવાની તૈયારીમાં હતી ત્યાં ઉપાધિ આવી.

નાટકના અંતિમ દ્રશ્યમાં એવો સીન આવે છે કે એક ગુંડો ઘરમાં આવી મુખ્ય કલાકારને (મને) ઘેનની દવા સુંઘાડી બેભાન કરી સાથે લાવેલ રસ્સીથી બાંધી દે છે. પત્ની અંદરની રૂમમાંથી બહાર આવી આ દ્રશ્ય જોઇને ચીસ પાડી ઊઠે છે. ગુંડો રામપુરી ચાકુ કાઢી પત્નીનું પાત્ર ભજવતી (જેમિની ત્રિવેદી) ને પકડમાં લઈ રૂમમાં ખેંચી જાય છે, ચોરીના ઈરાદે. પેલી છટકવાના હવાતિયા મારે છે. ગુંડો (જે રોલ રાજેન્દ્ર શુકલ ભજવતો હતો) એ સ્ત્રી પાત્રની સાડી ખેંચતા ચાકુ એક બાજુ ફેંકી દે છે. પછી બળાત્કાર કરવાની કોશિશ કરે છે. વાર્તા એટલી સટીક હતી કે આખું ઓડિયેન્સ સ્તબ્ધ બની જોઈ રહ્યું હતું. ઝપાઝપીમાં પેલું ચાકુ સ્ત્રી પાત્રના હાથમાં આવી જાય છે. પત્ની ચાકુ ગુંડાના પેટમાં ઘુસાડી દે છે. ઓડિયેન્સમાં સન્નાટો. ત્યાં અચાનક મોટા અવાજની કોમેન્ટ આવે છે : ‘લે..લેતો જા.. મફતમાં મજા કરવા જાવ તો આવું જ થાય.’
મજા તો એ આવી કે મરવા માટે રાજેન્દ્ર શુકલ પડતો હતો ત્યાં કોમેન્ટ સાંભળી અડધો ઊભો થઈ ગયો. બેભાન અવસ્થામાં મારા મોઢા પર મલકાટ આવી ગયો. પ્રભુની કૃપા કે આ કોમેન્ટ સાથે બાકીના પ્રેક્ષકો જોડાયા નહિ. અમારા નિર્માણ-નિયામક ધનવંત શાહ તરત એ બીભત્સ કોમેન્ટની દિશામાં દોડ્યા અને પ્રેમથી કહ્યું, ‘જે વ્યક્તિએ અવાજ કર્યો હોય એમને કહેવાનું કે તમારે નાટક ન જોવું હોય તો બહાર નીકળી જાવ, બાકીના પ્રેક્ષકોને ડિસ્ટર્બ ન કરો, જે શાંતિથી જોઈ રહ્યાં છે ’ આટલું કહી એ બહાર આવી ગયા. નાટકનો થોડો ભાગ બાકી હતો. નાટકના આટલા પ્રયોગો થયા પણ આવી કોઈ કોમેન્ટ આજ સુધી આવી નહોતી.

એક તો નવું ગામ..પરંતુ અમુકના સ્વભાવને તમે લગામ લગાવી ન શકો. સુંદરતાની કમીને સારો સ્વભાવ પૂરો કરી શકે પણ સ્વભાવની કમીને સુંદરતા ક્યારેય પૂરો ન કરી શકે.
નાટક તાળીઓનાં ગડગડાટ સાથે પૂરું થયું.અમે બધા ગ્રીન-રૂમમાં! (માત્ર ચાદરો વડે બનાવેલ ખોખું સમજો) વાતો કરતાં બેઠા હતા. ત્યાં એક ત્રાડ પડી..

પેલા માયકાંગલાને બા’ર બોલાવો એનો ઈશારો ધનવંત શાહ માટે હતો, જે એકવડિયા બાંધાના હતા. એમણે ‘કોમેન્ટ’ માટે શાંત રહેવા કહેલું એટલે મને થયું કે આ એ જ હશે. હું બહાર નીકળ્યો તો દંગ રહી ગયો. ચાર જણા હાથમાં ‘ધારિયા’ લઈને ધસી આવેલા. મને બહાર આવેલો જોઈ એક બોલ્યો, ‘તમે હેના બા’ર આવ્યા? ઓલા સુકલકડીને મોકલો. મહુવાના દરબારને ઈ છછુંદર કાઈ કહી હેનો જાઈ’ પૂરા કાઠિયાવાડી લહેકામાં એણે ફૂંફાડો માર્યો.

હવે તો વાણિયાબુદ્ધિ વાપર્યા વિના બીજો કોઈ ઈલાજ નહોતો. ક્રોધથી કે દરબારની સામે થવાથી ધીંગાણું મચી જાય એવા પૂરતા સંજોગો હતાં. એ લોકો પાછા ધારિયા સાથે સજ્જ હતા. ક્રોધ કરવો પાલવે એમ નહોતો. ફીઝમાં રહી જતું પાણી બરફ બની જાય છે એમ મનમાં રહી જતો ક્રોધ વેર બની જતા વાર નથી લાગતી. અને વેર પોસાય એમ નહોતું.

મેં કહ્યું : ‘જુઓ દરબાર..તમે કાઠિયાવાડી અને હું પણ કાઠિયાવાડી. પહેલા ભેગા મળી ચા પી લઈએ પછી હું એકવડિયાને તમારી સામે ધરી દઉં છું, હું તમારામાંનો જ એક છું… ભાવનગરમાં ભણેલ તમારો આ ભાઈ જેની જવાબદારી છે મારી આખી ટીમને હેમખેમ એમના ઘરે પહોંચાડવાની. તલગાજરડા જઈ મોરારી બાપુના દર્શન કરી આશીર્વાદ પણ લેવા છે. બસ! ગુસ્સો બાજુ પર મુકો.’ ત્યાં ચા આવી ગઈ અને ધનવંત શાહ જ લઈ આવ્યા. આ જ હતો ઈ ‘ઘેલસાગરીનો’ મેં શાંત પાડતા સમજાવ્યું કે, બાપુ, એ એની ફરજનો ભાગ હતો. એણે પ્રેમથી જ કહ્યું હતું ને? તો’ય તમને ખરાબ લાગ્યું હોય તો હું દંડવત કરી તમારી માફી માગું છું. મને ખાત્રી છે કે મારી વાતું તમે હમજી હકશો.’

ખબર નહિ કે મારી ભાષાથી કે મારી વાતથી એમનો ગુસ્સો ઓછો થયો. સાથે ચા (કહુંબો) પીધી. ધનવંત શાહને પણ ભેટ્યાં. મને રાહત થઇ. દરબાર ઉપરથી કહે, ‘બાપુ પાહે જાવું હોય તો અમારી ગાડી સે. ભાંડરાઉ હારે જાહું.’

જોકે બીજા દિવસે સમય ફાળવવાની શક્યતા નહોતી એટલે એમનો આભાર માની છુટા પડ્યાં.
મને થયું મોટી ‘ઘાત’ માથેથી ગઈ. અભયભાઈની ઈજ્જત સચવાય રહી. મારે અભયભાઈ સાથેના સંબંધ ઠેઠ સુધી રહ્યાં.

સંબંધોનું સોલ્યુશન ‘રિપેર’ કરતાં શીખો, ‘રિપ્લેસ’ કરતા નહિ.


‘મેહુલ’ તો વિસ્તર્યો છે ધરાથી ગગન સુધી, ઓઢાડશો એને કફન ક્યાં સુધી.


ડબ્બલ રિચાર્જ

પતિની લઘુ-કથા…
હું તો જ્યાં હતો ત્યાં ને ત્યાં.. મારા લગ્ન ‘લતા’ સાથે થયા એ પહેલા ‘એકલતા’ સતાવતી હતી હવે
‘લતા’ સતાવે છે…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button