Santa Clausના લાલ-સફેદ કપડાં છે આ જાણીતી કોલ્ડ ડ્રિન્ક બનાવતી કંપનીની દેન?

ક્રિસમસની ઉજવણી દુનિયાભરમાં શરૂ થઈ ગઈ છે. ક્રિસમસ કે નાતાલનું નામ લઈએ એટલે આંખો સામે તરવરી ઉઠે બે જ વસ્તુઓ એક સુંદર શણગારેલું ક્રિસમસ ટ્રી અને બીજું એટલે લાલચટ્ટાક કપડા, સફેદ બગલાં જેવી દાઢી અને ગોળમટોળ ચહેરાવાળા સાંતાક્લોઝ. મોટા પેટવાળા સાંતાદાદા માટે એવું કહેવાય છે કે તેઓ નાતાલ દરમિયાન પોતાની બગ્ગીમાં ઘણી બધી ભેટ-સોગાદ લઈને આવે છે અને બાળકોમાં વહેંચે છે, પરંતુ શું ક્યારેય વિચાર્યું છે ખરું કે સાંતા હંમેશા લાલ કલરના કપડામાં જ કેમ જોવા મળે છે, ક્યારેય તેઓ લીલા-પીળા કે સફેદ કપડામાં નથી જોવા મળતા? સાંતાદાદાના આ લાલ કપડાં એ એક જાણીતી કોલ્ડ ડ્રિંક બ્રાન્ડની દેન છે. ચોંકી ગયા ને? ચાલો તમને આ પાછળની સ્ટોરી જણાવીએ.
તમને જાણીને નવાઈ લાગશે કે સાંતા ક્લોઝના કપડાંનું કનેક્શન કોલ્ડ ડ્રિંકની જાણીતી બ્રાન્ડ કોકો કોલા સાથે જોડાયેલું છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સાંતા ક્લોઝ હંમેશા લાલ કપડાંમાં જ જોવા મળે છે એની પાછળ કોકા કોલા કંપનીની માર્કેટિંગ સ્ટ્રેટેજીનો મોટો હાથ છે.
આ પણ વાંચો : ક્રિસમસ સેલિબ્રેશનઃ આલિયાની લાડલી રાહા જોવા મળી ક્યુટ અંદાજમાં, ફ્લાઈંગ કિસ આપી
1930માં જ્યારે કંપનીની માર્કેટિંગ હેન્ડલ કરતી એજન્સી ડી. આર્ચી એડવર્ટાઈઝમેન્ટ એજન્સીએ પોતાની એડ માટે એક માણસને સાંતા ક્લોઝના લાલ કપડાં પહેરેલો દેખાડ્યો હતો. એવું કહેવાય છે કે એ વખતે કંપનીનો હિસ્સો રહેલાં આર્ચી લીને વધુ કંઈક પ્રભાવશાળી અને જેન્યુઈન જોઈતું હતું. આ માટે તેમણે એક આર્ટીસ્ટ હેડન સનબ્લોમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. 1823માં ક્લેમેન્ટ માર્ક મૂરે એ વિઝિટ ફ્રોમ સેન્ટ નિકોલસ ટાઈટલ સાથે એક કવિતા લખી હતી. જ્યારે સનબ્લોમને કામ સોંપવામાં આવ્યું ત્યારે તેમણે આ કવિતાના આધારે જ લાલ કલરના કપડાંવાળા સાંતાની કલ્પના કરી હતી.
જોકે, સનબ્લોમથી પણ પહેલાં 1862માં પોલિટિકલ કાર્ટુનિસ્ટ થોમસ નાસ્ટે સાંતાનું એક ચિત્ર તૈયાર કર્યું હતું. પરંતુ તે સનબ્લોમ જેટલું પ્રભાવશાળી ના હોવાને કારણે સનબ્લોમના લાલ કપડાંવાળા સાંતાદાદા લોકોની નજરમાં ઝડપથી વસી ગયા.
આ સાથે એવું પણ કહેવાય છે કે લાલ કલરનો સંબંધ ખુશી અને પ્રેમ સાથે છે અને તેને જિસસ ક્રાઈસ્ટના લોહીનું પ્રતિક પણ માનવામાં આવે છે. આ કારણે પણ સાંતા ક્લોઝ હંમેશાથી લાલચટ્ટાક કપડાંમાં જોવા મળે છે. છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ માહિતી? તમે પણ તમારા મિત્રો સાથે આ માહિતી ચોક્કસ શેર કરજો અને એમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ ચોક્કસ કરજો હં ને?