હવે ભારતીય બેટર્સની ખરી કસોટી, પુણે ટેસ્ટમાં મળ્યો આટલા રનનો લક્ષ્યાંક…

પુણે: અહીં ભારતને આજે ન્યૂ ઝીલેન્ડે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે જીતવા માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઘરઆંગણે સાવજ કહેવાતા ભારતીય બૅટર્સની હવે આકરી તેમ જ આખરી કસોટી થશે.
આખરી કસોટી એ માટે કે જો ન્યૂ ઝીલેન્ડ આ ટેસ્ટ પણ જીતી જશે તો ભારતની ધરતી પર બંને દેશ વચ્ચેના ૬૯ વર્ષના ઇતિહાસમાં એનો સૌપ્રથમ સિરીઝ-વિજય કહેવાશે.
પહેલા દાવમાં 103 રનની સરસાઇ લેનાર કિવીઓની ટીમ આજે બીજા દાવમાં 255 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. એમાં કેપ્ટન ટોમ લેથમના 86 રન, ગ્લેન ફિલિપ્સના અણનમ 48 અને વિકેટકીપર ટોમ બ્લન્ડેલના 41 રન હતા.
પ્રથમ દાવમાં ન્યૂ ઝીલેન્ડની સાત વિકેટ લેનાર સ્પિનર વોશિંગ્ટન સુંદરે બીજા દાવમાં ચાર વિકેટ લીધી હતી. ત્રણ વિકેટ રવીન્દ્ર જાડેજાએ તેમ જ બે વિકેટ આર. અશ્વિને મેળવી હતી. વિલિયમ ઑ’રુર્કે 10મિ વિકેટના રૂપમાં વોશિંગ્ટન સુંદર અને જાડેજાના હાથે રનઆઉટ થયો હતો.
એ સાથે, આ મૅચમાં ન્યૂ ઝીલેન્ડની 20માંથી 19 વિકેટ ભારતીય સ્પિનર્સે લીધી છે. પહેલા દાવમાં ન્યૂ ઝીલેન્ડના 259 રન હતા, જ્યારે ભારતીય ટીમ ફક્ત 156 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.