તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

વિશેષ : ગર્ભવતી મહિલાઓ પર તોળાય છે ઝીકા વાયરસનું જોખમ

-નિધી શુકલ

ઝીકા વાયરસ હાલમાં ફાટી નીકળતાં સૌથી વધુ જોખમ ગર્ભવતી મહિલાઓ અને તેમનાં ગર્ભ પર તોળાય છે. ડૉ. નમિતા ભામલેરાવે તેની ૧૮ મહિનાની પ્રેગ્નન્ટ મહિલાની સ્ટડીઝ કરી હતી. પૂનાના બાનેરમાં આ ગાયનૅકોલોજિસ્ટની ક્લિનીક આવેલી છે. સોનોગ્રાફીના માધ્યમથી ગર્ભમાં રહેલા બાળકના હાર્ટ, દિમાગ, હાડકા, કરોડરજ્જુ ચહેરો, કિડની અને અન્ય અવયવોના વિકાસ પર ડૉક્ટરે નજર રાખી હતી. એમાં તેમને આ વાઇરસનાં કોઈ ચિહનો નહોતાં દેખાયાં. આમ છતાં તેમણે સોનોગ્રાફરે માર્ક કરેલા ભાગમાં ફરીથી તપાસ કરી હતી અને એમાં કોઈ ચિંતા જેવું તેમને નહોતું જણાયું.

એથી ડૉક્ટરની ચેમ્બરમાં બેઠેલી ૩૭ વર્ષની એ પ્રેગ્નન્ટ મહિલાએ બાદમાં રાહતનો શ્ર્વાસ લીધો હતો, કેમ કે ઍડિસ ઇજિપ્તી મચ્છર દ્વારા ફેલાતા આ ઝીકા વાયરસનો ચેપ તેને ત્રણ અઠવાડિયા પહેલા લાગ્યો હતો. જોકે વહેલામાં વહેલા બે અઠવાડિયામાં જ એનાં લક્ષણો દેખાવા માંડે છે. એ જ વખતે તે ડૉ. ભાલેરાવની ક્લિનીક પહોંચી ગઈ હતી. એ વિશે ડૉ. નમિતાએ કહ્યું હતું કે ‘તે મહિલા જ્યારે પહેલી વખત પ્રેગ્નન્ટ થઈ ત્યારે તેને મિસકૅરૅજ થયું હતું અને હવે બીજી વખત તેણે ઇન-વિટ્રો-ફર્ટિલાઇઝેશન (આઇવીએફ)પ્રક્રિયાથી ગર્ભ ધારણ કર્યું છે. હાલમાં તે જ્યાં રહે છે ત્યાં ઝીકા વાયરસનોે ફેલાવો થયો છે અને એને કારણે તે ખૂબ ચિંતિત થઈ ગઈ હતી. તેને હલકો તાવ આવ્યો હતો સાથે જ ૧૫મા અઠવાડિયાની પ્રેગ્નન્સીમાં તેને ખંજવાળની રેશીઝ આવવા માંડી હતી. તેને એ વાતનો મનમાં ડર પેસી ગયો હતો કે ગર્ભમાં રહેલા બાળક પર અને ગર્ભ પર પણ એની માઠી અસર પડશે. તે આતુરતાથી સોનોગ્રાફીના રિપૉર્ટની રાહ જોઈ રહી હતી.’ જે વિસ્તારમાં તે મહિલા રહેતી હતી ત્યાં પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. મોટા ભાગની સોસાયટીના પાર્કિંગમાં, ઑફિસોમાં અને સાથે જ સ્મશાનભૂમિમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. એને કારણે મચ્છરોના ઉપદ્રવ માટે અનુકૂળ વાતાવરણ મળી રહ્યું હતું. એથી મચ્છરોથી પોતાને બચાવવા પણ અઘરું બની ગયું હતું. પૂનામાં ૧૧૨માંથી ૫૧ કેસ પ્રેગ્નન્ટ મહિલાઓના નોંધાયા હતાં.

ઝીકા વાયરસ પ્રેગ્નન્ટ
મહિલાઓ પર શું અસર કરે છે?

મચ્છરોના કરડવાથી ઝીકા વાઇરસની શરૂઆત થાય છે. એને કારણે ગર્ભમાં વિકસિત થતા બાળક પર એની અસર પડે છે, કેમ કે તે માતાના લોહીમાંથી ગર્ભ સુધી પહોંચે છે. એના કારણે નર્વસ સિસ્ટમને નુકસાન થાય છે, બ્રેઇનના નર્વસ ટીશ્યુ પર અસર કરે છે.

બાળકનું માથું પણ આકારમાં નાનું થઈ જાય છે. દિમાગના વિકાસને એ રૂંધે છે. સાંભળવામાં તકલીફ થાય છે, જોવામાં તકલીફ થાય છે અને સ્નાયુના હલનચલનમાં મુશ્કેલી સર્જાય છે. મહિલાને મિસકૅરૅજ થાય છે કાં તો સમય પહેલા ડિલીવરી થઈ જાય છે.

ઝીકા વાયરસના ફેલાવાના સૌથી વધુ કેસ પૂનામાં નોંધવામાં આવ્યા છે. ડૉ. નમિતાએ કહ્યું હતું કે ‘૧૮મા અઠવાડિયાના સ્કૅનથી મારા પેશન્ટના આત્મવિશ્ર્વાસમાં વધારો થયો હતો, પરંતુ તેની હેલ્થ પર સતત નજર રાખવાની રહેશે. આ વાયરસનું જેને સંક્રમણ લાગ્યું હોય તે પ્રેગ્નન્ટ મહિલાને દર ત્રીજા અથવા ચોથા અઠવાડિયે અલ્ટ્રાસાઉન્ડ કરવાની જરૂર હોય છે. બે થી ૨૯મા અઠવાડિયા દરમ્યાન એ ઇન્ફેક્શનની અસર દેખાવા માંડે છે. તેને પૌષ્ટિક આહારની સાથે સ્વાસ્થ્યને સંબંધિત પણ સાવચેતી રાખવાની હોય છે.’

જે મહિલાઓ તેની પ્રેગ્નન્સીના પહેલા ટ્રીમેસ્ટરમાં હોય તેમને વધુ સાવધાની રાખવાની જરૂર હોય છે. પ્રેગ્નન્સી દરમ્યાન વાયરલ ઇન્ફેક્શન થતાં બાળક જન્મજાત ઝીકાનાં લક્ષણો સાથે જન્મે છે. ધ ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસીનમાં પબ્લિશ સ્ટડી મુજબ આવાં બાળકોમાં શરૂઆતનાં ત્રણ વર્ષમાં અવસાન થવાની શક્યતા અન્ય બાળકો જે આવાં લક્ષણો વગર જન્મ્યા છે એની સરખામણીએ ૧૧ ગણા વધુ હોય છે.

તાજેતરમાં થયેલી સ્ટડી પ્રમાણે ગર્ભમાં ઇન્ફેક્શનની શક્યતા ૧થી ૧૩ ટકાની વચ્ચે હોય છે. જો પ્રેગ્નન્ટ મહિલા પહેલા ત્રણ મહિનામાં આ વાયરસના સંપર્કમાં આવે તો ગર્ભ પર બીજા કાં તો ત્રીજા ટ્રીમેસ્ટરમાં અસર થવાની શકયતા ઘટી જાય છે, પરંતુ હજી સુધી એના પર રિસર્ચ કરવાની બાકી છે.

વયસ્કોમાં તો એ તાવ અલગ પ્રકારનો હોય છે
બાનેરથી ૧૦ કિલોમીટર દૂર ભંડારકર રોડ પર ડૉ. અમીત દ્રવિડની ક્લિનીક આવેલી છે. શુક્રવારના બપોરના ૩ વાગી રહ્યા છે, પરંતુ તેઓ હજી પણ પેશન્ટ્સને તપાસી રહ્યા છે. કેટલાક દર્દીઓ કર્ણાટકના બેલગામથી આવ્યા હતાં. રાહ જોતા પેશન્ટ્સનું લિસ્ટ ડૉક્ટરનાં ડેસ્ક પર છે, ડૉક્ટર લેપટોપ પર દર્દીઓના હેલ્થની હિસ્ટ્રી તપાસી રહ્યા હતા. એ જ વખતે મોટી ઉંમરની મહિલા અતિશય તાવ સાથે પ્રવેશી હતી. એ વખતે તેમની સાથે આવેલા તેમના દીકરા સુનીલે કહ્યું કે, ‘અમે માંડવીના ખડકવાસલાની નજીક આવેલા બુદ્રુક ગામમાંથી આવ્યા છીએ. તેની પીઠ અને ઘૂંટણમાં અતિશય પીડા ઊપડી છે. તેને માથામાં દુખાવો અને ભારે તાવ છે જે ઊતરી નથી રહ્યો. ગામના અન્ય લોકોને પણ તાવ છે.’

ડૉ. દ્રવિડે તેમને તપાસ્યા અને લાલ તથા પર્પલ સ્પૉટ્સ જોઈને ખાતરી થઈ કે આ ઝીકા વાયરસનો કેસ નથી. મહિલાને સાંધામાં જે પ્રકારે દુખાવો થતો હતો એના પરથી તેમને ચિકનગુનિયા હોવાનું અનુમાન ડૉક્ટરે લગાવ્યું હતું. પેશન્ટને દવાની સલાહ આપતી વેળાએ ડૉ. દ્રવિડે કહ્યું કે, ‘જો કોઈપણ દર્દીને તાવ, ઠંડી, શરીરમાં દુખાવો, આંખોમાં દર્દ અને આ ઋતુમાં ઊલ્ટીઓ આવવાની તકલીફ ઊભી થાય તો તેમણે તરત મચ્છરોથી ફેલાતા રોગની ચકાસણી કરવાની સાથે ઝીકા વાયરસ, ડૅંગ્યુ અને ચિકનગુનિયાની પણ તપાસ કરાવી લેવી જોઈએ. જોકે એના ટેસ્ટ માટે ૫ હજાર રૂપિયા ખર્ચ થતો હોવાથી અને સરકારી હૉસ્પિટલમાં એ ફ્રી ન હોવાથી કેટલાય પેશન્ટ્સ એ ટેસ્ટ નથી કરાવતાં. એથી અમે બ્લડ ટેસ્ટ્સ દ્વારા એ રોગની તપાસ કરીએ છીએ.’ ૮૦ ટકા પેશન્ટ્સમાં આ બીમારી અસિમ્પટોમેટિક છે. મોટાભાગના દર્દીઓમાં એનાં લક્ષણો હલકાં હોય છે અને ક્ધજક્ટિવાઇટીસની શક્યતા હોય છે. જોકે એ બાદમાં સ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે છે.

મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ વાતાવરણ
ભારે ભીડવાળો વિસ્તાર, શહેરોમાં ક્ધસ્ટ્રક્શન સાઇટ્સ અને ભારે વરસાદને કારણે જમા થયેલા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ એમાં ફાટી નીકળે છે. છીછરા પાણીમાં પણ આ મચ્છરો ફૂલેફાલે છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…