Long Weekendમાં ફરવા માટે આ રહ્યા Best Destinations…
આ વર્ષે 26મી જાન્યુઆરીના ભારત 75મા ગણતંત્ર દિવસની ઊજવણી કરી રહ્યું છે. 26મી જાન્યુઆરી, 1950ના ભારતા સંવિધાનને અમલમાં મૂકવામાં આવ્યો હતો. પૂરા ભારતમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવશે. 26મી જાન્યુઆરીના દર વર્ષે કર્તવ્ય પથ પર ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને દરેક ભારતીય નાગરિક માટે 26મી જાન્યુઆરીનો દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ વખતે 26મી જાન્યુઆરી શુક્રવારે આવી રહી છે એટલે લોકોને એક લોન્ગ વીક-એન્ડ મળી રહ્યો છે, જો તમે પણ લોન્ગ વીક-એન્ડમાં કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારી રહ્યા છો અમે અહીં તમારા માટે કેટલાક બેસ્ટ પ્લેસીસના ઓપ્શન લઈને આવ્યા છીએ.
દિલ્હીઃ
જો તમે ગણતંત્ર દિવસે દિલ્હીમાં યોજાનારા ભવ્ય કાર્યક્રમનો આનંદ ઉઠાવવા માંગો છો તો દિલ્હી એક બેસ્ટ ઓપ્શન છે. આ દિવસે રાષ્ટ્રપતિ ભવનના ગેટથી શરૂ થઈને કર્તવ્ય પથ પરથી ઈન્ડિયા ગેટ સુધી પરેડનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભારતની સંસ્કૃતિ, સામાજિક માનસિકતા અને વારસાની ઝાંખી જોવા મળે છે. આ સિવાય લશ્કરની નવથી બાર અલગ અલગ રેજિમેન્ટ પોતાના બેન્ડની સાથે માર્ચ પાસ્ટ કરે છે.
જલિયાંવાલા બાગઃ
જલિયાંવાલા બાગ પણ 26મી જાન્યુઆરીના ફરવા માટે એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. જલિયાંવાલા બાગ એ જ જગ્યા છે જ્યાં માસૂમ લોકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવવામાં આવી હતી. આ જગ્યા શહીદીનું સૌથી મોટું પ્રતિક છે. અહીંથી તમે વાઘા-અટારી બોર્ડરની મુલાકાત પણ લઈ શકો છે. અહીં પરેડ સિવાય રિટ્રીટ સમારોહ પણ જોઈ શકાય છે.
સાબરમતી આશ્રમઃ
જો તમે ગુજરાતની આસપાસમાં રહો છો તો અમદાવાદમાં આવેલું સાબરમતી આશ્રમ પણ એક બેસ્ટ ઓપ્શન ફરવા માટે. સ્વતંત્રતાના આંદોલન દરમિયાન મહાત્મા ગાંધીજીના જીવનની એક ઝલક જોવા મળે છે અહીં. ગણતંત્ર દિવસને અનુલક્ષીને અહીં વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. આ સિવાય તમે અહીં ધ્વજારોહણના સમારોહમાં પણ ભાગ લઈ શકો છો.
કારગિલ વોર મેમોરિયલઃ
ગણતંત્ર દિવસની ઊજવણી કરવા માટે તમે લદાખમાં આવેલા કારગિલ વોર મેમોરિયલની મુલાકાત પણ લઈ શકો છો. 1999માં થયેલાં કારગિલ યુદ્ધમાં પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. આ યુદ્ધમાં શહાદત વહોરી લેનારા ભારતના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે કારગિલ વોર મેમોરિયલ બનાવવામાં આવ્યું હતું.