આ રીતે શ્રાદ્ધ કરી પિતૃઓને કરો પ્રસન્ન, ધનમાં વૃદ્ધિ થશે..
સનાતન ધર્મ અનુસાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજોને યાદ કરીને અને કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ કરીને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ તેમના પૂર્વજો પ્રત્યે અલગ અલગ રીતે આદર અને પ્રેમ વ્યક્ત કરતો હોય છે. શ્રાદ્ધપક્ષ અથવા પિતૃપક્ષ 17 સપ્ટેમ્બર, મંગળવારથી શરૂ થઈ રહ્યો છે, જે 2 ઓક્ટોબર, સર્વપિતૃ અમાવસ્યા સુધી ચાલશે. શ્રાદ્ધ કરતા પહેલા પૂર્વજોની પુણ્યતિથી જાણવી જરૂરી છે. જે લોકો પોતાના પૂર્વજોની મૃત્યુની તિથી જાણતા નથી, તેમણે ફિકર કરવાની જરૂર નથી. તેઓ તેમનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કરી શકે છે. પિતૃ પક્ષ દરમિયાન, ઘણા લોકો તીર્થસ્થળો પર શ્રાદ્ધ અને તર્પણ કરે છે. પરંતુ જો તમે તીર્થ સ્થાનો પર નથી જઈ શકતા તો તમે ઘરે પણ શ્રાદ્ધ કરી શકો છો.
એમ માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો તેમના પ્રિયજનોને આશીર્વાદ આપવા પૂર્વજોની દુનિયામાંથી પૃથ્વી પર આવે છે. ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે પોતાના મૃત પૂર્વજો પ્રત્યે આદરભાવ સાથે કરવામાં આવેલ કાર્યને શ્રાદ્ધ કહેવામાં આવે છે. જેના કારણે પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પરિણામે ભૌતિક સુખ-સુવિધાઓ માટે કરવામાં આવતા પ્રયત્નો સાર્થક થવા લાગે છે. આપણે ઘરમાં સરળ રીતે શ્રાદ્ધ કરવાની વિધિ જાણીએ.
ઘરમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે સૌથી પહેલા સવારે ઉઠીને સ્નાનાદિ કાર્યક્રમ પતાવો. ત્યાર બાદ સ્વચ્છ કપડાં પહેરી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી પૂર્વજો માટે ભોજન તૈયાર કરો. ત્યાર બાદ આ ભોજન પાંચ જીવ (ગાય, શ્વાન, કાગડો, કીડી, દેવતાઓ) માટે અગ કાઢો. ત્યાર બાદ પિતૃઓની પૂજા કરો. પૂર્વજના ફોટા સામે દિવો અગરબત્તી કરો. તેમને ગાયનું દૂધ, ઘી, ખીર, ચોખા, મગની દાળ, અડદ, સફેદ ફૂલ અર્પણ કરો. ત્યાર બાદ યથાશક્તિ દાન કરો. ( એને સિધુ આપવું કહેવાય છે) તમે બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકો છો, આનાથી પિતૃઓની આત્મા ને શાંતિ મળશે. ત્યાર બાદ પાંચ જીવો માટે તૈયાર કરીને અલગ રાખેલો ભોજનનો ભાગ તેમને દરેક જીવોને ખવડાવી દો. પૂર્વજો પાસે સુખ, શાંતિ, સમૃદ્ધિની કામના કરો. તમે આવી સાદી રીતથી પણ શ્રાદ્ધ કરી શકો છો અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મેળવી શકો છો.