જો ભદ્રાના સમયે ભાઈને રાખડી બાંધવી હોય તો શું કરશો?

રક્ષાબંધનનો તહેવાર 19 ઑગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભદ્રા કાળ છે જે સવારે 5.52 થી શરૂ થઈને બપોરે 1.32 વાગ્યા સુધી રહેશે ભદ્રાના સમય દરમિયાન ભાઈને રાખડી બાંધવાનું અશુભ માનવામાં આવે છે. રાખડી બાંધવા માટે ભદ્રા પછીનો સમય યોગ્ય માનવામાં આવે છે, તેથી રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1.32 કલાક પછીથી શરૂ થશે જે 4.21 મિનિટ સુધી રહેશે આ ઉપરાંત પ્રદોષકાળ દરમ્યાન પણ રાખડી બાંધવાનું શુભ માનવામાં આવતું નથી. તેથી રાખડી બાંધવાનો સમય સાંજે 6.56 થી 9:08 સુધીનો રહેશે. જો કોઈ બહેનને ભદ્રાકાળમાં ભાઈને રાખડી બાંધવી હોય તો તેણે શું ઉપાય કરવા જોઈએ, એની આપણે માહિતી જાણીશું.
હિન્દુ ધર્મમાં ભદ્રા કાળમાં રાખડી બાંધવાની મનાઈ ફરમાવવામાં આવી છે, પણ જો કદાચ મજબૂરીને લીધે કોઈ બહેને ભદ્રા કાળમાં જ તેના ભાઈને રાખડી બાંધવી પડે તો તે કેટલાક ઉપાય અપનાવી શકે છે. ભદ્રા કાળ દરમિયાન ભાઈને રાખડી બાંધતી વખતે બહેનોએ વ્રત રાખવાનું રહેશે અને તેણે ભદ્રાના બાર નામોનું સ્મરણ કરવું પડશે. ભદ્રાના બાર નામ છે ભૈરવી, મહાકાલી, અસુરક્ષયકારી, ધન્ય, દધમુખી, ભદ્રા, મહામાદી, કુલપુત્રિકા, મહારુદ્ર ,ખરાણા, વિષ્ટિ અને કાલરાત્રિ આપણા ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ભદ્રા સૂર્યદેવની પુત્રી છે અને શનિદેવની બહેન છે. ભદ્રાનો સ્વભાવ ખૂબ જ કઠોર છે અને તે જીવનમાં અશાંતિનું કારણ બને છે. તેને સમયની ગણતરીમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેમના કઠોર સ્વભાવને કારણે જ એમ કહેવામાં આવ્યું છે કે કોઈપણ શુભ કાર્ય કરવા હોય તો ભદ્ર પહેલા કે પછી કરવા જોઈએ અને એની આડે આ ઉતરવું જોઇએ.
ભદ્રાનો સમય અશુભ માનવામાં આવે છે અને આ સમયમાં કોઈપણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. એવી કથા છે કે જ્યારે ભદ્રાનો જન્મ થયો ત્યારે તેણે ભારે ઉત્પાત મચાવ્યો હતો. જ્યાં પૂજાપાઠ અને ધાર્મિક શુભ પ્રવૃત્તિઓ થઈ રહી હતી ત્યાં જઈને તે અવરોધો ઉભા કરતી હતી, તેથી તેને પાતાળ લોકમાં મોકલી આપવામાં આવી હતી, જેથી પૃથ્વી પર કોઈપણ વ્યક્તિ અવરોધ વિના પૂજા અને ધાર્મિક વિધિઓ કરી શકે, પરંતુ ભદ્રા અમુક સમય માટે પૃથ્વી પર આવતી રહે છે અને આ સમય અશુભ માનવામાં આવે છે.