તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

સેકન્ડ ઈનિંગ્સ માટે તૈયાર છોને?

ગૌરવ મશરૂવાલા

એક દિવસીય ક્રિકેટમાં સેકન્ડ ઈનિંગ્સ નિર્ણાયક હોય છે. મેચમાં જે ટીમ પછીથી રમવા આવે એ જો પોતાની વિકેટ બચાવીને રાખે અને પહેલી ટીમ કરતાં વધારે રન કરે તો વિજયી નીવડે છે.જો તે વિકેટ બચાવી શકે નહીં તો હારી જાય.

કોઈ પણ રમતમાં જેનો સ્કોર વધારે એ ટીમ જીતી કહેવાય છે. ક્રિકેટમાં સેકન્ડ ઈનિંગ્સમાં રમવા આવનારે પહેલી ટીમ કરતાં વધારે સ્કોર કરવાનો હોય છે. જીવનની સેકન્ડ ઈનિંગ્સ એટલે કે નિવૃત્તિકાળમાં પણ વધારે સ્કોરનું મહત્ત્વ છે. પૈસાનો સ્કોર એટલો હોવો જોઈએ કે જીવનની ગાડી ચાલે ત્યાં સુધી ટકી રહે. મૃત્યુ સુધી ક્યારેય પૈસા ઓછા પડવા જોઈએ નહીં. સેકન્ડ ઈનિંગ્સમાં વિકેટ પણ બચાવવાની હોય છે. ત્રણે સ્ટમ્પ અકબંધ રહેવા જોઈએ. નિવૃત્તિના ત્રણ સ્ટમ્પમાંથી એક છે પ્રવાહિતા, બીજું છે વૃદ્ધિ અને ત્રીજું છે નિયમિતપણે મળતી આવક. આમાંથી એક પણ સ્ટમ્પ પડ્યો તો વિકેટ ગઈ!

જોકે, આપણી સેકન્ડ ઈનિંગ્સમાં આ ત્રણે સ્ટમ્પ સ્વતંત્ર છે…તાકીદના સમયે કામ આવે એ માટે નાણાંની પ્રવાહિતા જરૂરી છે. એ પરિસ્થિતિ બીમારીની સારવાર કે બીજા અણધાર્યા ખર્ચની પણ હોઈ શકે છે.

આપણી આવરદા આપણા બાપ-દાદા કરતાં વધારે છે. આથી આપણી પાસે એટલું ધન હોવું જોઈએ કે ‘ફુગાવો’ નામનો રાક્ષસ ખાઈ જાય પછી પણ તેમાંથી આપણા માટે નિવૃત્તિકાળમાં કંઈક બચે. આથી આપણે સંપત્તિની સતત વૃદ્ધિ થતી રહે એ જોવું પડે છે. આ ઉપરાંત આપણને રોજિંદા ખર્ચ કાઢવા માટે નિયમિત આવકની જરૂર હોય છે.

આ ત્રણેય સ્ટમ્પ સ્વતંત્ર છે એવું કહેવા પાછળ પણ કારણ છે. ધારો કે આપણી નિવૃત્તિ માટેનું સંપૂર્ણ ભંડોળ સેવિંગ્સ બેન્ક અકાઉન્ટમાં રહેવા દઈએ તો પ્રવાહિતા મળે, પણ વૃદ્ધિ ન મળે. જો ફક્ત ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેવા ઈક્વિટીલક્ષી સાધનોમાં રહેવા દઈએ તો વૃદ્ધિ થશે, પરંતુ ઈક્વિટી ચંચળ હોવાથી નિયમિત આવક ન પણ મળી શકે. ભંડોળ સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ કે પોસ્ટ ઑફિસની માસિક આવક યોજનામાં મૂકી દઈએ તો નિયમિત આવક મળે, પણ વૃદ્ધિ ન મળે. તેમાંય પ્રવાહિતી તો ઓછી જ કહેવાય, કારણ કે તમે મુદત પહેલા રકમ ઉપાડવા જાઓ તો વ્યાજ કપાઈને આવે. નાણાકીય ક્ષેત્રમાં વણલખ્યો નિયમ એ છે કે ઘરના છ મહિનાના ખર્ચ જેટલી રકમ તાકીદની સ્થિતિને પહોંચી વળવા માટે તરત મળી રહે એ રીતે અલગ રાખી મૂકવી. તેમાંથી એક સપ્તાહનો ઘરખર્ચ ચાલે એટલી રકમ ઘરમાં રોકડ સ્વરૂપે હોવી જોઈએ અને બાકીની રકમ સેવિંગ્સ અકાઉન્ટમાં હોવી જોઈએ, જે ફિકસ્ડ ડિપોઝિટ સાથે લિંક કરેલી હોય. એટીએમની સુવિધા વાપરતા આવડવું જોઈએ. ભંડોળનું રોકાણ એવી રીતે કરવું કે પછીના ચાર કે પાંચ વર્ષના નિયમિત ખર્ચ પૂરા કરી શકાય. આ રકમ કેટલી હોવી જોઈએ એ ગણવા માટે પોતાને મળી રહેલા પેન્શન, ગ્રેજ્યુટી વગેરે નિયમિત આવકને ધ્યાનમાં રાખવી. નિયમિત આવક માટે સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ, પોસ્ટ ઑફિસની માસિક આવક યોજના, વગેરેનો ઉપયોગ કરવો.

મ્યુચ્યુઅલ ફંડમાં પણ માસિક આવક યોજના હોય છે, પરંતુ તેનું વળતર બજારની સ્થિતિ સાથે સંકળાયેલું હોવાથી તેની કોઈ ગેરંટી નથી હોતી. વીમા કંપનીઓના ઍન્યુઈટી પ્રોડકટ્સ પણ એક વિકલ્પ છે, પરંતુ એ પ્રોડક્ટને લગતો ખર્ચ પહેલા જ દિવસથી વાજબી હોવો જોઈએ.

નિવૃત્તિકાળના ભંડોળની વૃદ્ધિ માટે ઈક્વિટી આધારિત સાધનોનો વિચાર કરવો. જો તમે પોતે શૅરબજારમાં રોકાણ કરવામાં માહેર હો તો જ જાતે ઈક્વિટીમાં રોકાણ કરવું અન્યથા ઈક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરવી. તાકીદની સ્થિતિ તથા નિયમિત આવકની જોગવાઈ કરી લીધા બાદ બચેલી રકમ વૃદ્ધિ માટે ઈક્વિટીમાં રોકવી.

જેમ એક દિવસીય મેચમાં બીજો ચાન્સ મળતો નથી. બેટિંગ અને બોલિંગ ફક્ત એકવાર જ કરવા મળે છે. નિવૃત્તિમાં પણ બીજો ચાન્સ મળતો નથી. નારાયણ પાસે જવાનો દિવસ આવે તેની પહેલાં જ નગદ નારાયણ ખૂટી પડે તો વિકેટ પડી જ સમજો. સો પ્લાન એન્ડ પ્લે વેલ!

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button