ઘરમાં કે ઓફિસમાં જો RO water jug વાપરતા હોય તો આ સમાચાર વાંચી લેજો

માત્ર ઓફિસોમાં જ નહીં, ઘણા ઘરોમાં પણ આરઓ (Reverse Osmosis RO) વૉટરજગ મંગાવી લેવામા આવે છે અને તેનું પાણી જ પીવામાં અને રસોઈમાં વપરાય છે. ઘણા સમયથી અમુક સંશોધનો એમ કહે છે કે આરઓ પ્લાન્ટથી બનતા પાણીમાંથી મિનરલ્સ અને વિટામિન બી-12 બહાર નીકળી જતા હોવાથી પાણી પીવા માટે યોગ્ય નથી તેમ પણ કહેવામાં આવતું હતું. જોકે આજે અમારે જે વાત કરવાની છે તે આર ઓ વોટરની નહીં પણ વૉટર પ્લાન્ટની કરવાની છે.
અમદાવાદ મહાનગરપાલિકાએ તાજેતરમાં જ એક બે નહીં પણ 74 જેટલા આર ઓ વૉટર પ્લાન્ટ્સને સિલ કર્યા છે અને 900 લિટર જેટલું પાણી ઢોળી નાખ્યું છે કારણ કે તે પાણી પીવાલાયક નથી.
પાલિકાની ટીમને ધ્યાનમાં આવ્યું છે કે આ પાણીમાં ક્લોરિન લેવલ ઓછું હોય છે અને વૉટર સપ્લાઈમાં પણ પ્રદૂષણનું પ્રમાણ જોવા મળ્યું છે. પાલિકાએ આરઓ પ્લાન્ટ્સમાં સઘન પરિક્ષણ કર્યું હતું. જેમાં હાઈજેનિક કન્ડિશનમાં કામ થાય છે કે નહીં, પ્યુરિફિકેશન યોગ્ય રીતે થાય છે કે નહીં, વગેરે પર ધ્યાન રાખવામાં આવ્યું હતું. પાલિકાની આ રેડમાં દક્ષિણ અમદાવાદમાં આવેલા આરઓ પ્લાન્ટમાં વધારે ગંદકી જોવા મળે છે. કુલ 74 પ્લાન્ટ્સ સિલ કરવામાં આવ્યા છે. આ બધા મોટા જગ એટલે કે 20 લિટરની બોટલ બનાવતા પ્લાન્ટ્સ છે. અમદાવાદની મોટાભાગની ઓફિસોમાં અને ઘણા ઘર, હોસ્ટેલ, પીજી વગેરેમાં આ પાણી જ પીવાઈ છે. સસ્તું અને સરળ રીતે મળી જતું હોવાથી લોકો પસંદ કરે છે, પરંતુ જો પાણી જ દુષિત હોય તો બીમારી ફેલાતા વાર લાગતી નથી, આથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
સૌથી સારુ પાણી પાલિકાના નળમાંથી આવતું હોય છે. તેને ઘરે જ ઉકાળી, તેમાં ફટકડી ફેરવી દેવાથી આ પાણી પીવાયોગ્ય બની જાય છે. આથી ડોક્ટરો અને નિષ્ણાતો બને તો ઘરનું જ પાણી પીવાની સલાહ આપે છે. જોકે સતત દોડતી જિંદગીમાં માણસ માટે પૂરતું પાણી ઘરેથી લઈ જવું શક્ય નથી, ત્યારે બજારમાં મળતા પાણી પીવાયોગ્ય છે કે નહીં તેનું સતત ચેકિંગ સ્થાનિક એજન્સી કરતી રહે તે સલાહભર્યું છે.
આપણ વાંચો: આજે મોંઘુ લાગતું સોનું હજું તો આટલું મોંઘુ થશે? રોકાણકારોની નજર 16-17 સપ્ટેમ્બરની ફેડરલની બેઠક પર