RBIએ 35 ટન સોનુ કેમ વેંચી દીધું? સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને રિઝર્વ બેંકે કરી સ્પષ્ટતા…

છેલ્લાં કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર એક રિપોર્ટ વાઈરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પોતાના ભંડારમાંથી 35 ટન સોનું વેચી દેવામાં આવ્યું છે. જોકે, હવે આરબીઆઈ દ્વારા આ દાવા પર પ્રતિક્રિયા આપવામાં આવી છે. આવો જોઈએ આરબીઆઈએ આ વિશે શું કહ્યું છે…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા પર 35 ટન સોનુ વેચી દેવાના વાઈરલ થઈ રહેલાં દાવાને રદીયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે નાગરિકોએ આવી પાયાવિહોણી અફવાઓ પર ધ્યાન આપવું નહીં અને તેઓ વેરિફાઈડ અને સત્તાવાર સ્રોત દ્વારા આપવામાં આવેલી માહિતી પર જ વિશ્વાસ કરે.
આ સિવાય પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી ફેક્ટ ચેક)ના ફેક્ટ ચેક યુનિટ દ્વારા પોતાના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર આ વિશે ખુલાસો કરતી પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે આરબીઆઈ દ્વારા હાલમાં સોનુ વેચવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ રિપોર્ટ સદંતર બનાવટી છે. આવી કોઈ પણ માહિતી પર નાગરિકોએ વિશ્વાસ કરવો નહીં.
પીઆઈબી દ્વારા પણ નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી ભ્રામક માન્યતાઓ પર ભરોસો કરવાને બદલે બેંકની ઓફિશિયલ ચેનલ પર જ ભરોસો નહીં કરવાની અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પષ્ટીકરણ એવા સમયે સામે આવ્યું છે જ્યારે વૈશ્વિક સ્તરે સોનામાં કેન્દ્રિય બેંકની રસ ચરમ પર છે. ઉભરતી અર્થવ્યવસ્થા અને એમાં પણ તાસ કરીને ભારત અને ચીન અમેરિકન ડોલર પરની નિર્ભરતાને ઘટાડવા માટે સતત પોતાનો ગોલ્ડ રિઝર્વ વધારી રહ્યા છે. 2022માં પશ્ચિમી દેશો દ્વારા રશિયાની વિદેશી મુદ્રા સંપત્તિને ફ્રીઝ કરવાની ઘટના બાદ આ ટ્રેન્ડ વધારે ઝડપી બન્યો છે.
આરબીઆઈના તાજા આંકડાઓ અનુસાર 31મી ઓક્ટોબર, 2025ના છેલ્લાં અઠવાડિયામાં ગોલ્ડ રિઝર્વની કુલ વેલ્યુ 101.72 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી ગઈ હતી. આ આંકડો માત્ર સોનાની કિંમતમાં ઉછાળો દર્શાવવાની સાથે સાથે આરબીઆઈની ખરીદીની રણનીતિની સફળતાને પણ હાઈલાઈટ કરે છે.
આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? જેથી તેઓ આવી કોઈ પણ ખોટી માહિતીનો ભોગ ના બને. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.



