મેટિનીસ્પેશિયલ ફિચર્સ

રતન ટાટાની બાયોપિક બનવી જ જોઈએ…

વિશેષ -હેમા શાસ્ત્રી

લેજન્ડરી ઉદ્યોગપતિ રતન નવલ ટાટાના પ્રેરણાદાયી જીવન પરથી ચિત્રપટ બનવું જ જોઈએ અને એ દિશામાં એક પગલું પણ માંડવામાં આવ્યું છે.

રતન નવલ ટાટા…
ટાટા ઉદ્યોગ સમૂહના મહારથી તો ખરા જ, પણ જાહેરજીવનનું એક એવું વ્યક્તિત્વ જેનું અંગત તેમજ વ્યવસાયિક જીવન અનેક લોકો માટે પ્રેરણાદાયી સાબિત થઈ શકે. મહારાષ્ટ્ર સરકારે એમને ‘ભારતરત્ન’થી નવાજવાની વિનંતી કરી છે અને કેન્દ્ર સરકાર એ વિશે નિર્ણય ક્યારે લેશે એની રાહ જોવી રહી. દરમિયાન આવા વિરલ વ્યક્તિત્વના જીવન અને કવન પરથી બાયોપિક બનવી જોઈએ એવો વિચાર વહેતો થયો છે. ‘ઝી મીડિયા’ તરફથી મિસ્ટર ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા બાયોપિક બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. સાથે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતા નેટિઝનોએ યુવાન અને પ્રૌઢ રતન ટાટાના રોલ માટે કયા કલાકારની વરણી કરવી એ વિશે પોતપોતાના અભિપ્રાય વહેતા મૂક્યા છે. કોઈએ યંગ ટાટા માટે જીમ સરભ (પદ્માવત- ગંગુબાઈ કાઠિયાવાડી ઈત્યાદિ)નું નામ સૂચવ્યું છે તો પ્રૌઢ ટાટા માટે નસીરુદીન શાહ અને બમન ઈરાનીના નામ પણ સજેસ્ટ કરવામાં આવ્યાં છે. જોકે, આ બંને કલાકાર કરતાં પ્રૌઢ રતન ટાટાના રોલ માટે રણવીર સિંહ અથવા રિતિક રોશનની વરણી બહેતર રહેશે એવી પણ દલીલ થઈ શકે છે. આ પસંદગી માટે એક કારણ એ અપાય છે કે રણવીર અને રિતિકના ચહેરા મોહરા રતન ટાટાની નિકટના છે. બીજું કારણ એ કે બંને હીરો બાયોપિકમાં (રણવીર ’૮૩ અને રિતિક ‘સુપર ૩૦’) પોતાનું હુન્નર દેખાડી ઉજળા સાબિત થયા છે. આ ઉપરાંત પંકજ ત્રિપાઠીના નામનો પણ વિચાર કરી શકાય, જેમણે આપણા દિવંગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિક ‘મૈં અટલ હૂં’માં વાજપેયીનો રોલ કર્યો હતો.

બાયોપિક બનાવતી વખતે એનું ડિરેક્શન પણ કોઈ અનુભવી મેકરને સોંપવાનો આગ્રહ રાખવામાં આવે છે. દમદાર બાયોપિક ડિરેક્ટર તરીકે કેતન મહેતા, શેખર કપૂર, રાજકુમાર સંતોષી, રાકેશ ઓમપ્રકાશ મેહરા, વિકાસ બહલ, સંજય લીલા ભણસાલી વગેરે મજબૂત દાવેદાર કહી શકાય. રતન ટાટાના જીવનમાં એટલી બધી વૈવિધ્યપૂર્ણ અને નાટ્યાત્મક ઘટનાઓ બની છે કે ન પૂછો વાત.

સૌપ્રથમ વાત કરીએ ૧૯૯૧ની. ટાટા ગ્રૂપના સર્વેસર્વા ૮૧ વર્ષના જેઆરડી ટાટાએ ચેરમેન તરીકે ૫૩ વર્ષના રતન ટાટાની પસંદગી કરી. પસંદગીનું કારણ પૂછવામાં આવતા જેઆરડીએ જવાબ આપ્યો કે ‘હી હેઝ અ મોડર્ન માઈન્ડ’ – એની વિચારસરણી આધુનિક છે. આ આધુનિક વિચારસરણીને કારણે જ ટાટા ગ્રૂપ આંતરરાષ્ટ્રીય સ્તરે પાંખ ફેલાવી ઉડ્ડયન કરી શક્યું છે. ફિલ્મની પટકથાનો આ ગર્ભ બની શકે. રતન ટાટાનું અંગત જીવન પણ નાટ્યાત્મક પ્રસંગોથી છલકાય છે. ‘ક્યારેય સ્વદેશ પાછો નહીં ફરું’ એવા દ્રઢ નિર્ધાર સાથે અમેરિકા ગયેલા રતન ટાટા એમનો ઉછેર કરનારાં દાદી નવાજબાઈ માંદા પડ્યાં અને એમણે ‘ડીકરા, પાછો આવી જા’ એવો મેસેજ મોકલ્યો અને અમેરિકન ડ્રીમનું ફીંડલું વાળી રતન ટાટાએ સ્વદેશાગમન કર્યું. આજીવન અપરિણીત રહેલા મિસ્ટર ટાટાએ ખુદ ભૂતકાળમાં કહ્યું હતું કે ચાર વાર મેરેજ થતાં થતાં રહી ગયાં. ટૂ વ્હિલર ચલાવનારાઓને પરવડે અને ’મારે પણ એક કાર હોય’ એવું સપનું સાકાર થાય એ માટે ‘નેનો’ કાર પ્રોજેક્ટ કેવી રીતે અવતર્યો અને કેમ નિષ્ફળ ગયો તેમજ જરૂરિયાતમંદને આર્થિક મદદ નહીં પણ આર્થિક રીતે પગભર કરવાની સતત કોશિશ, એકવીસમી સદીના યંગસ્ટર્સ સાથે કનેક્ટેડ રહેવા માટે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન, શ્ર્વાન માટે અફાટ પ્રેમ – લાગણી, તબીબી ક્ષેત્રમાં સંશોધન માટે વ્યવસ્થા… રતન ટાટાના જીવનના એવા અનેક અદ્ભુત પહેલું – પ્રસંગ છે જે રસાળ પટકથા માટે ‘એક જુઓ અને એક ભૂલો’ બરાબર છે.

ટૂંકમાં અહીં પટકથા – સ્ક્રીનપ્લે માટે ભરપૂર સામગ્રી છે. ચીવટથી પટકથા તૈયાર કરી શકે એવા ઘણા અનુભવી તેમજ તરવરિયા કલમકારોની ફોજ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હાજર છે. આ બાયોપિકનું ટાઈટલ શું હોઈ શકે? ‘આપરું અણમોલ રતન’. શું કહેવું છે?

એક રસપ્રદ જાણકારી એ છે કે ૨૦૨૨માં રતન ટાટા પર બાયોપિક બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન થયાં હતાં. સુધા કોંગરા નામની મહિલા દિગ્દર્શક રતન ટાટા પર બાયોપિક માટે પ્લાનિંગ કરી રહી છે તેમજ આર. માધવન કે અભિષેક બચ્ચન ટાટાનો રોલ કરશે એવી અટકળો વહેતી થઈ હતી. જોકે, વાત કંઈ આગલ વધી નહીં અને અંતે દિગ્દર્શિકાએ જ ચોખવટ કરી દીધી કે ‘મને રતન ટાટા માટે ખૂબ આદર છે, પણ આ ક્ષણે એમની બાયોપિક બનાવવાની મારી કોઈ યોજના નથી.’ આ ખુલાસામાં ’આ ક્ષણે’ મહત્ત્વના શબ્દો છે અને રતન ટાટાના અવસાન પછી આ પોસ્ટ ફરી વહેતી થઈ છે.

બમન ઈરાની – રતન ટાટા
‘એક મિનિટ ગેમ’ શૉના સંચાલક તરીકે શરૂઆત કર્યા પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉમંગ કુમારે ‘મેરી કોમ’ બાયોપિક બનાવી નામના મેળવી હતી. ૨૦૧૯માં ઉમંગ કુમારે ‘પીએમ નરેન્દ્ર મોદી’ નામની બાયોપિક બનાવી હતી. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદી તરીકે વિવેક ઓબેરોય હતો. પશ્ર્ચિમ બંગાળના સિંગુરમાં નિષ્ફળતા બાદ સાણંદમાં ‘નેનો કાર’ના ઉત્પાદન માટે નરેન્દ્ર મોદીએ રતન ટાટાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ફિલ્મમાં રતન ટાટાનું પાત્ર પણ હતું જે બમન ઈરાનીએ ભજવ્યું હતું. કદાચ બમન પારસી હોવાથી એની પસંદગી કરવામાં આવી હોવાની શક્યતા નકારી ન શકાય. અલબત્ત, ફિલ્મમાં બમન ઈરાનીને રતન ટાટાનું વ્યક્તિત્વ અને એમની બોલવાની છટા સુપેરે નિભાવવામાં સફળતા મળી હતી.

સિમી ગરેવાલના ‘રાંદેવુ’ ટોક શૉમાં રતન ટાટાએ હિન્દી ફિલ્મોમાં હિંસાનો અતિરેક હોવાનું જણાવી કોમેન્ટ કરી હતી કે ‘હિન્દી ફિલ્મોમાં જેટલો કેચઅપ ઢોળાયેલો જોવા મળે છે એ મુંબઈની બધી રેસ્ટોરાંમાં વાપરવામાં આવતા કેચઅપ કરતાં વધારે છે.’ એમનો નિર્દેશ ફિલ્મોમાં હિંસાને કારણે વહેતા લોહી તરફ હતો. હિન્દી ફિલ્મો માટે ખાસ પ્રીતિ નહીં ધરાવતા રતન ટાટાએ ફિલ્મ નિર્માણમાં હાથ અજમાવી જોયો હતો. ૧૯૯૬ની હોલીવૂડ ફિલ્મ ‘ફિયર’ પરથી પ્રેરણા લઈ ‘ટાટા બીએસએસ’ બેનર હેઠળ બનેલી ‘ઐતબાર’ (૨૦૦૪)ને વ્યાવસાયિક સફળતા નહોતી મળી. ફિલ્મ નિર્માણમાં એમનો આ પહેલો અને છેલ્લો પ્રયાસ સાબિત થયો. ટેલિવિઝન પર કેટલીક હિન્દી ફિલ્મો જોવાને કારણે પોતાનું હિન્દી સુધર્યું હોવાની કબૂલાત એમણે સિમી ગરેવાલના ઈન્ટરવ્યૂમાં કરી હતી ખરી. જોકે, એમના નિકટવર્તી અને યંગ દોસ્ત એવા શાંતનુ નાયડુએ એક ઈન્ટરવ્યૂમાં મિસ્ટર ટાટાને હોલીવૂડ એક્શન ફિલ્મો પસંદ હોવાનું જણાવી એમને પસંદ એવી બે ફિલ્મના નામ પણ આપ્યાં હતાં: ‘ધ અધર ગાય્ઝ’ (૨૦૧૦) અને ’ધ લોન રેંજર’ (૨૦૧૩).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker