પાન,ગુટકાના ડાઘ છે રેલવે માટે આફત, સાફ કરવામાં ખર્ચાઇ જાય છે કરોડો રૂપિયા

આપણે જ્યારે રેલવે સ્ટેશન પરથી જતા હોઈએ છીએ ત્યારે સ્ટેશનના ખૂણા લાલ રંગમાં રંગાયેલા નજરે પડે છે. ઘણી વખત તો ટ્રેનના બહારના ભાગમાં પણ લાલ રંગના ડાઘ જોવા મળે છે સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર અને ટ્રેનમાં લોકો ગુટકા ખાઈને કે પાન-તમાકુ ખાઇને થુંકતા હોય છે અને તેની સફાઈ માટે રેલ્વે દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અંગે લોકોને સતત જાગૃત કરવામાં આવે છે. સરકાર પણ લોકોને તેમની આસપાસની જગ્યા રાખવા માટે અપીલ કરતી રહે છે, પરંતુ લાગે છે કે આ બધી અપીલો બહેરા કાને જ અથડાય છે. લોકો શહેરો અને રેલવે સ્ટેશનમાં અને તેમની આસપાસના વિસ્તારોમાં ગંદકી ફેલાવવાનું છોડતા નથી. આનાથી સરકાર માટે અને રેલવે તંત્ર માટે પણ ઘણી મોટી મુશ્કેલીઓ ઊભી થાય છે.
સરકારના આટાલા પ્રયત્નો બાદ પણ આજે પણ જાહેર સ્થળોને પાન તમાકુ ગુટખા ખાઈને થુંકવું એ સામાન્ય બાબત બની ગઈ છે. રેલવે સ્ટેશન અને ટ્રેનોમા ગુટખાના ડાઘા દેખાવા ઘણી સામાન્ય વાત છે અને શું તમે જાણો છો કે આ ડાઘા મતથી છુટકારો મેળવવા માટે રેલવે દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે!
નોંધનીય છે કે ભારતીય રેલવે વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે સિસ્ટમ છે. ભારતીય રેલવેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. રેલવે દ્વારા મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. ભારતીય રેલવે પણ હવે સ્વચ્છતા માટે ઘણી સજાગ બની ગઈ છે. રેલવે ગુટખાના ડાઘ સાફ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.
સિગરેટ કે દારૂ પીધા પછી તમે રેલવેમાં પ્રવાસ કરી શકતા નથી, પણ તમે ગુટકા કે પાન ખાઈને ટ્રેનમાં પ્રવાસ કરી શકો છો જેને કારણે તમને રેલવેમાં એવા ઘણા મુસાફરો જોવા મળે છે જેઓ મોઢામાં પાન કે ગુટખા ચાવતા ફરતા હોય છે. આવા લોકો તેમને મન થાય ત્યાં થુંકે છે અને તેમની મુસાફરી પૂરી કરીને નીકળી જાય છે, પરંતુ તેઓ જે ગુટખા થુંકે છે તેના ડાઘ તે ટ્રેન અને રેલવે સ્ટેશન પર રહી જાય છે જેને સાફ કરવાની જવાબદારી રેલવે પર આવી પડે છે.
વર્ષ 2021માં ભારતીય રેલવે દ્વારા આ ગુટખાના ડાઘથી છુટકારો મેળવવા માટે આપવામાં આવેલી રકમનો આંકડો જોઈને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. રેલવે સ્ટેશનો અને ટ્રેનો પરના ગુટકાના ડાઘ દૂર કરવા માટે રેલવેએ લગભગ 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત સરકાર સ્વચ્છતા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવે છે જેમાં લોકોને જાહેરાત થકી સ્વચ્છતા રાખવા માટે જણાવવામાં આવે છે. આવી જાહેરાતો પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
ટ્રેન અને સ્ટેશન પરિસર ગંદુ ન હોવું જોઈએ. આ માટે રેલવે નાગપુર ખાતેની એક સ્ટાર્ટઅપ કંપની ઈજીપિસ્ટ સાથે કરાર કર્યો છે. આ કંપની બાયોડીગ્રેડેબલ પાઉચ બનાવે છે. આ પાઉચની મદદથી મુસાફરો ડાઘ વગર ગમે ત્યાં થૂંકી શકે છે. આ બાયોડિગ્રેડેબલ પાઉચ નો 15 થી 20 વખત ઉપયોગ કરી શકાય છે. તે થુંકને ઘન પદાર્થમાં ફેરવી કાઢે છે. એકવાર સંપૂર્ણપણે ઉપયોગ થઈ જાય ત્યાર બાદ તેને જમીનમાં દાટી આવે છે જે સંપૂર્ણપણે ડિગ્રેડ થઈ જાય છે.