…ને દુબઈમાં રહેતો આ ભારતીય પળવારમાં કરોડપતિ બની ગયો
આમ તો મહેનતની કમાણી જ ખરી કમણી હોય છે આથી નસીબ પર ભરોસો રાખી બેસી ન જવાય, પણ દુબઈમાં રહેતા એક ભારતીયને નસીબે રાતોરાત કરોડપતિ બનાવી દીધો છે. દુબઈમાં તેને લોટરી લાગી અને એ પણ એક બે ત્રણ નહીં, પરંતુ 45 કરોડની. અહીંના સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર છેલ્લા એક સપ્તાહ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE)ના વિવિધ શહેરોમાં રહેતા ઓછામાં ઓછા પાંચ ભારતીયોના લાખોપતિ કે કરોડોપતિ બનવાના સપના સાકાર થયા છે. આ લોકો કાં તો સાપ્તાહિક ડ્રોમાં ઈનામ જીત્યા છે અથવા તેમની લોટરી લાગી છે.
આ વ્યક્તિઓમાંથી એક કંટ્રોલ રૂમનો ‘ઓપરેટર’ છે જેણે 45 કરોડ રૂપિયાની લોટરી જીતી છે. બુધવારે 154મા ડ્રોની જાહેરાત કરવામાં આવી હતી અને તે મુજબ ઓઇલ અને ગેસ કંપનીના કંટ્રોલ રૂમ ઓપરેટર તરીકે કામ કરતા શ્રીજુએ ‘મહજૂજ શનિવાર મિલિયન્સ’માં લગભગ 45 કરોડ રૂપિયા જીત્યા છે. કેરળના રહેવાસી 39 વર્ષીય શ્રીજુ છેલ્લા 11 વર્ષથી ફુજૈરાહમાં રહે છે અને કામ કરે છે. જ્યારે તેને ડ્રો જીતવાના સમાચાર મળ્યા ત્યારે તે કામ પર હતો.
જેમ જ શ્રીજુને ખબર પડી કે તેણે 45 કરોડ રૂપિયાની લોટરી લાગી છે ત્યારે તેને સ્વાભાવિક રીતે પોતાના નસીબ પર વિશ્વાસ બેસતો ન હતો. સ્થાનિક અખબારી અહેવાલ અનુસાર તેણે કહ્યું કે મારી કારમાં બેસવા જ જતો હતો જ્યારે મેં મારું માહજુજ એકાઉન્ટ ચેક કર્યું અને મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. જ્યારે મેં મારી જીત જોઈ ત્યારે મને ખબર ન પડી કે શું કરવું. જોકે તેમ છતા મેં માન્યું નહીં અને લોટરી ઓપરેટરના કૉલની રાહ જોવાનું પસંદ કર્યું. શ્રીજુ છ વર્ષના જોડિયા બાળકોના પિતા છે અને દરેકનું સપનું હોય તેમ તેનું પણ એક ઘરનું ઘર લેવાનું સપનું છે. તે હવે કોઈપણ લૉન લીધા વિના આ સપનુંપૂરું કરવા માગે છે. અહીં રહેતા મધ્યમવર્ગીય ભારતીયો મોટા પ્રમાણમાં લોટરી ખરીદે છે, જોકે લાગે તો નસીબદારને જ.