દિગ્ગજ ઉદ્યોગપતિ Mukesh Ambani પરિવારને કોણ સુપર સિક્યોરિટી પૂરી પાડે છે?
મુંબઈ: એશિયાના સૌથી અમીર પરિવારમાં હાલ ભારે ઉલ્લાસથી લગ્નનો માહોલ જામ્યો છે. આ લગ્નમાં ભારત સહિત દુનિયાભરના અમીર લોકો હાજરી આપી રહ્યા છે. આજે એટલે કે 12મી જુલાઈએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે આ પરિવાર અને તેમની વિશાળ સંપત્તિને કોણ સુરક્ષા આપશે. આવો આજે અમે તમને આ વિશે વિગતવાર જણાવીએ.
ભારતના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ એટલે કે રિલાયન્સની સંપત્તિ આખા દેશમાં ફેલાયેલી છે. આ ગ્રુપની ભારતના ઘણા રાજ્યોમાં કંપનીઓ છે. આ કંપનીઓમાં હજારો-લાખો લોકો કામ કરે છે. અને આથી જ આ કંપનીઓની સુરક્ષા પણ ખૂબ જ મહત્વની બની રહે છે અને તેની જવાબદારી કોઈ સામાન્ય માણસને ન આપી શકાય. આ જ કારણ છે કે રિલાયન્સની તમામ મિલકતોની સુરક્ષાની જવાબદારી ભારતીય સેનાના નિવૃત્ત સૈનિકોના મજબૂત ખભા પર છે.
આ પણ વાંચો : Anant Ambani-Radhika Merchant Wedding: સેલેબ્સ અને મહાનુભાવોનો Kumbhmela
ગ્લોબલ કોર્પોરેટ સિક્યુરિટી રિલાયન્સની કંપની છે. અને ત્યાંથી જ અંબાણી પરિવાર તેમની મિલકતોની સુરક્ષા માટે નિવૃત્ત આર્મી કર્મચારીઓની ભરતી કરે છે. ભારતના એક ખાનગી સમાચારપત્રના અહેવાલ અનુસાર, થોડા વર્ષો પહેલા મુકેશ અંબાણીએ લગભગ 16000 નિવૃત આર્મી કર્મચારીઓની ભરતી કરી હતી. આજે પણ આ જ સૈનિકો રિલાયન્સની સંપત્તિનું રક્ષણ કરે છે. આ સૈનિકો એટલી ખંતથી સુરક્ષામાં રોકાયેલા છે કે તેમની હાજરીમાં એક પક્ષી પણ રિલાયન્સની કોઈ મિલકતમાં ઉડી શકતું નથી.
જોકે એવું નથી કે રિલાયન્સની આ ગ્લોબલ કોર્પોરેટ સિક્યોરિટીમાં માત્ર રિટાયર્ડ આર્મી કર્મચારીઓ જ જઈ શકે છે. જો તમે પણ આ એજન્સીમાં નોકરી મેળવવા માંગો છો, તો તમે GCSની સત્તાવાર વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો છો. પરંતુ હા અહીં નોકરી મેળવવી એટલી સરળ નથી. અહીં પણ તમારી ભરતી એ જ રીતે કરવામાં આવશે જેવી રીતે સેનામાં થાય છે. એટલે કે અહીં ભરતી માટે તમારે માનસિક, શારીરિક અને ઇન્ટરવ્યુ જેવી પરીક્ષાઓ પાસ કરવી પડશે.
વર્ષ 2023માં ભારતના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણીને સરકાર દ્વારા Z Plus સુરક્ષા આપવામાં આવી હતી. Z+ એ ભારતમાં સુરક્ષાની સર્વોચ્ચ શ્રેણીમાં આવે છે. 10 થી વધુ NSG કમાન્ડો, ઘણા પોલીસ કર્મચારીઓ અને CRPFના ઘણા જવાનો પણ તેમાં સામેલ છે. મુકેશ અંબાણીને આ સુરક્ષા ભારતની સાથે વિદેશમાં પણ મળી છે. એટલે કે જો મુકેશ અંબાણી ભારતની બહાર ક્યાંય પણ જશે તો આ સુરક્ષાકર્મીઓ ત્યાં પણ તેમની સાથે રહેશે.