શહેરી જીવનનો થાક કે પછી મોજ લેવાની ઈચ્છા? ભારતમાં કેમ લોકોને વહેલું નિવૃત્ત થવું છે

તમારા ઘર-પરિવાર કે પરિચિતોમાં એવા કેટલાય વડીલો હશે જેમને કામ કરવાની કોઈ જરૂર નથી, છતાં તેઓ ઘરે બેસવા નથી માગતા. પોતાનો ધંધો હોય કે કોઈ નોકરી, જો તેમનાથી કામ થતું હોય તો તેઓ કરે જ છે. 60 વર્ષે નિવૃત્ત થયા બાદ પણ તેમને કામ કરવું છે, પ્રવૃત્ત રહેવું છે.
એકવાર ઘરે બેસી જશું તો મગજ બેર મારી જશે, તેમ તેઓ કહેતા હશે. ભારતીયો આમ પણ અન્ય વિકસિત રાજ્યો કરતા મોડા નિવૃત્ત થાય છે, તેમ માનવામાં આવે છે. આનું એક કારણ તો પૈસા કમાવવાની જરૂરત હોય છે અને નિવૃત્તિ બાદ પણ કામ કરતા રહેવું પડતું હોય છે. જોકે હવે આ ચિત્ર થોડું બદલાયું છે.
આપણ વાંચો: આ દેશોની વર્કિંગ પોલિસી છે ગજબની, અઠવાડિયામાં આટલા દિવસ જ કરવું પડે છે કામ…
હવે ભારતીયો પણ વહેલા નિવૃત્ત થવા માગે છે, તેમ એક અહેવાલ જણાવે છે. આ વહેલા નિવૃત્તિના કારણો શું હોઈ શકે તે મામલે અલગ અલગ મંતવ્ય છે. એક તરફ યુવાનો વહેલા કામે લાગી જાય છે. મોટાભાગે મેટ્રો શહેર કે નાના શહેરોમાં પણ કામ અને અન્ય જવાબદારીઓ લેવી અઘરી છે.
નોકરીઓમાં જોખમ અને ધંધા પણ અઘરા થતા હોવાથી ઘણી હતાશા અને ભાગદોડમાં તેઓ જીવે છે. આથી તેમને જો આર્થિક રીતે સદ્ધર થવાતું હોય તો ગમે તેમ કરી થવું છે અને પછી આરામથી જીવનને માણવું છે. બીજી બાજુ નિવૃત્તિ પછીનું જીવન અઘરું અને પડકારજનક હોવાથી પહેલેથી જ નિયોજન કરવાનું જરૂરી છે, તે લોકો સમજી ગયા છે.
પરિવારો નાના થયા હોવાથી બચત થતી હોય તેટલી કરી આગળના સમય માટે પૈસા સાચવી રાખવા જોઈએ, તેમ લોકો માનતા થયા છે. જોકે હજુ નિવૃત્તિ, વસિયત વગેરે વિશે શિક્ષિત અને સમૃદ્ધ વર્ગ જાગૃત બન્યો છે, જ્યારે મધ્યમવર્ગમાં ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે.
આપણ વાંચો: 10,000 રૂપિયાનું ઈનામ જિતવું છે? કરવું પડશે આ એક નાનકડું કામ…
IRIS ઈન્ડેક્સ શું કહે છે
ઈન્ડિયા રિટાયરમેન્ટ ઈન્ડેક્સ સ્ટડી અનુસાર દેશના લોકો હવે વહેલા નિવૃત્ત થવા તરફ જઈ રહ્યા છે. આ ઈન્ડેક્સમાં સામાન્ય એવો ફરક ભલે દેખાતો હોય, પણ આ એક નવા ટ્રેન્ડ તરફ ઈશારો કરે છે, તેમ નિષ્ણાતો જણાવે છે. આજના સમયમાં લોકો પૈસાનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. આ સાથે માનસિક અને શારીરિક આરોગ્ય તરફ જાગૃત થયા છે.
આજકાલ લોકો 35 વર્ષની ઉંમરમાં જ નિવૃત્તિ ક્યારે લેવી અને તે માટે તૈયારી શું શું કરવી તેની જાણકારી રાખે છે અને તે પ્રમાણે આગળનું આયોજન કરતા થઈ ગયા છે. જોકે તેમ છતા હજુ ભારતીયોમાં આ વિશે જાણકારીનો અભાવ છે, સાથે તેઓ ઘણી બધી જવાબદારીઓથી ઘેરાયેલા હોવાથી નિવૃત્તિ વિશે વિચાર કરતા નથી.
જોકે એક સમયે આપણો IRIS ઈન્ડેક્સ 44 હતો જે હવે 48 છે. ચાર ટકાનો વધારો પણ નોંધપાત્ર સંકેત છે, તેમ માનવામાં આવે છે. તાજેતરના IRIS 5.0 રિપોર્ટ મુજબ, સમગ્ર ભારતમાં નિવૃત્તિ તૈયારીમાં સુધારો થઈ રહ્યો છે. દેશનો સ્કોર 48 પર પહોંચી ગયો છે, જે IRIS 2.0 કરતા ચાર પોઈન્ટ વધારે છે.
આરોગ્ય બબાતે જાગૃતિમાં અગાઉ ઈન્ડેક્સમાં 41 પોઈન્ટ હતા, હવે 46 પર પહોંચ્યા છે. મોટી ઉંમરે પણ સ્વસ્થ રહીએ અને જો બીમાર પડીએ તો આર્થિક પ્રશ્નોન નડે તેવી તૈયારી, ઈન્સ્યોરન્સ વગેરે માટે ઘણી જાગૃતિ વધી છે, તેમ અહેવાલ કહે છે.
મહિલાઓ પુરુષો કરતા વધારે જાગૃત
નિવૃત્તિ માટેની તૈયારીમાં મહિલાઓ પુરુષો કરતા વધારે ઉત્સુક છે. જોકે તેઓ જોખમી રોકાણ કરવામા પાછી પડે છે. તેઓ આરોગ્યને લઈ પુરુષો કરતા વધારે સતર્ક બની રહી છે. મહિલાઓને પૈસા સાથે કોઈની કંપની મળી રહે તે પણ ગમે છે.
તેઓ આ મામલે ચિંતિત રહે છે કે નિવૃત થયા બાદ એકલા ન પડી જવાય. જેઓ ગૃહિણી છે તેઓ પણ પતિની આવકમાંથી એટલા બચે કે વૃદ્ધત્વમાં સમસ્યા ન આવે તેવી તૈયારી કરતી થઈ ગઈ છે. તેમની માટે નિવૃત્તિના આયોજનમાં પૈસા સાથે ઈમોશનલ સપોર્ટ રહે તે જરૂરી છે.
આ જ રીતે મેટ્રો શહેરોમાં વધારે સારી રીતે નિવૃત્તિ માટેના પ્લાનિંગ થઈ રહ્યા છે. કોરોના મહામારી બાદ લોકો સ્વાસ્થ્ય અને બીમારીના ઈલાજના ખર્ચ આ બન્ને બાબતે જાગૃત બન્યા છે.
ઉત્તર પ્રદેશમાં પહેલા કરતા ઘણી જાગૃતિ જોવા મળી રહી છે. અહીંના લોકો સ્વાસ્થ્યના મામલે જાગૃત છે. તો બીજી બાજુ પશ્ચિમ ભારતમાં શેર માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી આર્થિક આયોજન પર ભાર મૂકવામાં આવે છે, સાથે ઈન્સ્યોરન્સ લેવાની પણ પેટર્ન છે. દક્ષિણ ભારતના લોકો આરોગ્ય અને પૈસા બન્ને વચ્ચે સંતુલનમાં માને છે અને નિવૃ્ત્તિ માટે પ્લાનિંગ કરી રહ્યા છે, તેમ અહેવાલ જણાવે છે.



