પુરુષલાડકીસ્પેશિયલ ફિચર્સ

ઉત્તરાવસ્થાને ય ઉત્તમાવસ્થા બનાવી શકાય…

નીલા સંઘવી

વૃદ્ધાવસ્થામાં પરવશતા ભળે ત્યારે બહુ જ મુસીબત થઈ જાય છે.ઉંમર વધે પણ જો તંદુરસ્તી સારી હોય તો બહુ મુશ્કેલી થતી નથી, પણ સ્વાસ્થ્ય કથળે તો પછી નરસિંહ મહેતાએ ગાયું છે તેમ : ‘ઉંબરા તો ડુંગરા થયા ને પાદર થયા પરદેશ’ જેવી હાલત થાય.

આજે વૃદ્ધ અને પરવશ થયેલી વ્યક્તિ ગઈકાલ સુધી રાજા જેવી હતી. ઑફિસમાં એનો વટ પડતો. એકવાર બેલ વગાડે કે પ્યુન હાજર. એનો પડ્યો બોલ ઝિલાય. સ્ત્રી વૃદ્ધ અને પરવશ થાય એ પહેલાં ઘરમાં એનો દબદબો હોય. એ ઘરની રાણી હોય. એની ઈચ્છા પ્રમાણે જ ઘરનું રજવાડુ ચાલે. આખું ઘર એની આસપાસ ફરતું હોય. એક દિવસ માંદી પડે કે બહાર ગઈ હોય તો સૌનું ટાઈમટેબલ ખોરવાઈ જાય ને ઘરમાં અંધાધૂંધી મચી જાય. હવે એ ઘરમાં હોય કે ન હોય કોઈને ફરક પડતો નથી. પુરુષ તો ઑફિસમાંથી રિટાયર્ડ થાય તે પરિવારના સભ્યોને ગમતું નથી. આખો દિવસ ઘરમાં રહે તો કલાકે કલાકે એને ચા પીવી હોય. ઑફિસમાં પણ ચા પીતા જ હતા અને પ્યુન હોંશે હોંશે લાવી પણ દેતો હતો અહીં ઘરમાં તો આવી રીતે પુત્રવધૂને કહેતા પણ સંકોચ થાય. પોતે જિંદગીમાં હાથે ચા બનાવી નથી તેથી આવડતી ન હોય. પત્ની હતી ત્યાં સુધી તો વાંધો ન હોતો આવ્યો, પણ પત્નીના ગયા પછી તો સાવ પરવશતા છે. કોને કહેવું?

વૃદ્ધાવસ્થામાં પતિ-પત્ની બંને હોય ત્યાં સુધી વાંધો નથી આવતો. બંને પરસ્પરને સાચવી લે છે, પરંતુ જ્યારે બેમાંથી એક સ્વર્ગે સિધાવે છે ત્યારે જીવિત રહેલી વ્યક્તિ બહુ જ એકલતા મહેસૂસ
કરે છે.

હું આ લેખમાળા માટે વિભિન્ન વૃદ્ધાશ્રમમાં ફરતી રહેતી. એમાંથી એકમાં મારે સુધીરભાઈ સાથે મુલાકાત થઈ.૬૬-૬૭ની ઉંમર એમ તો એ કડેધડે હતા. ઑફિસમાં મોટી પોસ્ટ પર હતા. ૬૦ વર્ષે રિટાયર્ડ થયા ત્યારે તો હજુ એમનાં પત્ની પણ હયાત હતાં .

પત્ની તો સુધીરભાઈનું બહુ ધ્યાન રાખતા. એમને પેન્શન પણ સારું આવતું હતું. સંયુક્ત કુટુંબ હતું. બે પુત્ર એમની પત્ની અને બંનેના બે-બે બાળક દસ જણનો પરિવાર. હર્યુંભર્યું ઘર હતું. કિલ્લો કરતા સમય પસાર થતો હતો, પણ આ સુખ કુદરતને મંજૂર ન હતું. પત્નીએ ટૂંકી માંદગીમાં જ ચિરવિદાય લીધી.

પત્નીના ગયા પછી ઘરના વાતાવરણમાં ફરક પડી ગયો. સુધીરભાઈને બહુ જ એકલતા લાગવા માંડી. બંને દીકરા કામ પર ચાલ્યા જાય. બાળકો સ્કૂલ અને ટયુશનમાં બિઝી થઈ જાય. બંને વહુ પોતાના રૂમમાં ભરાઈ જાય.

સુધીરભાઈને કલાકે કલાકે ચા પીવાની આદત. પત્ની કરી આપતી હતી. હવે કાંઈ પુત્રવધૂને ઘડી ઘડી કહેવાય નહીં. સુધીરભાઈએ પોતાની ચા પીવાની આદત ઓછી કરી નાખી. એમણે નક્કી કર્યું કે હવે સવાર એકવાર અને બપોરના ત્રણ વાગ્યે એકવાર એમ દિવસમાં બે વાર જ ચા પીવાની. સવારે તો દીકરાઓ માટે ચા બનતી તેની સાથે સુધીરભાઈને ચા મળી જતી, પણ બપોરનું ઠેકાણું ન પડતું. વહુઓ પોતાના રૂમમાં સૂઈ ગઈ હોય કે ટીવી જોતી હોય એટલે ધીમે ધીમે બપોરની ચા પણ બંધ થઈ ગઈ. વર્ષો જૂની ટેવ હોવાને કારણે સુધીરભાઈને અકળામણ થતી, પણ શું કરી શકે?

એકાદવાર પોતે જાતે ચા કરવાનો પ્રયત્ન કર્યો પણ ચા ઊભરાઈ ગઈ અને ગેસ ખરાબ થઈ ગયો એ જોઈને મોટી વહુએ બહુ ગુસ્સો કર્યો. સુધીરભાઈએ વહુનું આવું રૂપ પહેલીવાર જોયું. એ સમસમીને બેસી રહ્યા. પોતાના પેન્શનમાંથી મોટી રકમ એ ઘરમાં આપતા હતા, છતાંયે એમના ખાવાપીવાનું ધ્યાન રાખવામાં આવતું ન હતું. જાણે પોતે બોજ હોય તેવું વર્તન એમની સાથે થવા લાગ્યું. સારી કમાણી હોવાને કારણે સુધીરભાઈએ હંમેશાં સારું જ ખાધું-પીધું હતું. પત્ની પણ અન્નપૂર્ણા જેવા હતા તેથી સુધીરભાઈને ભાવતી વાનગીઓ બનાવીને જમાડવામાં જ એમને આનંદ મળતો. હવે તો રાત્રે પિત્ઝા, પાસ્તા, પાઉંભાજી જેવી વાનગીઓ રાતના જમવામાં બનતી , જે સુધીરભાઈને જરાય ન ભાવતી. એક દિવસ એમણે નાની વહુને કહ્યું : બેટા, તમે અવનવી વાનગીઓ બનાવો છો તે ભલે બનાવો. બાળકોને એવું જ ભાવે છે તો તમે બધાં પ્રેમથી ખાવ, પણ મારા માટે થોડી ખીચડી બનાવી દેશો તો હું દહીં અને ખીચડી ખાઈ લઈશ. મને આવું બધું નથી ભાવતું. ’

પત્યું …નાની વહુ છણકો કરતા બોલી :
જુઓ પપ્પા હવે મમ્મી નથી રહ્યાં તેથી તમારે બહુ નાચનખરાં નહીં કરવાના. મમ્મી તમને બધું કરી દેતા હતા. અમારી પાસે ટાઈમ નથી. જે બને તે ખાઈ લેવાનું. બહુ નખરા નહીં કરવાના.! ’

વહુનો જવાબ સાંભળીને અવાક સુધીરભાઈ તો રડવા જેવા થઈ ગયા… પત્ની હતાં ત્યારે રાતના ચીકુ મિલ્ક શેક, સ્ટ્રોબેરી કે સીતાફળ કે મેન્ગો મિલ્સ શેક અચૂક બનતો. જે સિઝન હોય તેના મિલ્ક શેક રાત્રે પીવાની સુધીરભાઈને આદત. હવે મિલ્ક શેક તો જવા દો. કોઈ ફ્રૂટ પણ જોવા
મળતું નથી. ફ્રૂટ તો ઘરમાં આવતા જ હશે,
પણ સુધીરભાઈને આપવાની દરકાર કોઈ કરતું
નથી અને પોતાની મેળે ફ્રીજમાંથી લેવા જતા
એ ડરે છે, ક્યાંક વહુઓ ભડકે ને અપમાન કરી નાખે.

સુધીરભાઈ સાંજના વોક માટે ગાર્ડનમાં જાય ત્યારે બધા સમવયસ્કો પોતાની રામકહાણી સંભળાવતા હોય. વિનોદભાઈ સાથે સુધીરભાઈને સારી મિત્રતા. સુધીરભાઈએ પોતાની વાત વિનોદભાઈને કરી. વિનોદભાઈએ કહ્યું : ‘સુધીરભાઈ, તમે તો સાધનસંપન્ન છો. આવી અવગણના શા માટે સહન કરો છો? તમારું પેન્શન તો એ લોકો લઈ લે છે. એના કરતાં હું તમને એક સરસ વૃદ્ધાશ્રમ સજેસ્ટ કરું છું. તમને પોતાનો રૂમ એટેચ્ડ બાથરૂમ સાથેનો મળશે.. પૈસા ભરવા પડે પણ તમારી બધી સગવડ સચવાઈ જાય અને એ પણ ડિગ્નિટી સાથે-તમારા માન -સ્વમાન સચવાય ને કોઈ તમારી સામે મોઢું ન બગાડે. સવારના ચા-નાસ્તો પછી દૂધ-ફ્રૂટ, બપોરના જમવાનું, સાંજની ચા, રાતનું જમણ અને સૂતા વખતે દૂધ. વળી તમે એકલા હો, તમારી પાસે પૈસા છે. સિઝનના જે ફ્રૂટ કે જે વસ્તુ ખાવાનું મન થાય તે લઈ આવી શકો અથવા કોઈ પાસે મંગાવી શકો. વળી તમને સમવયસ્ક મિત્રો મળે એમની સાથે વાતચીત કરી શકો, કેરમ-ચેસ જેવી રમત રમી શકો, ગાઈ શકો – નાચી શકો બધું તમારી મનમરજી મુજબ કરી શકો….’

વિનોદભાઈની વાત તો સુધીરભાઈને ગમી, પણ દીકરાઓને નહીં ગમે તેથી વિચારમાં પડી ગયા. સુધીરભાઈના મનમાં શું ચાલે છે તે વિનોદભાઈ સમજી ગયા. કહે :
‘દીકરા-વહુઓનો વિચાર નહીં કરવાનો. એમને જે લાગવું હોય તે લાગે. તમારી અવગણના કરતી વખતે એમને બાપના સ્વાભિમાનીનો ખ્યાલ આવે છે? નહીં ને? તો પછી તમે શાંતિથી તમારી રીતે જીવો. ’
વિનોદભાઈની ઓળખાણથી સુધીરભાઈ આજે વૃદ્ધાશ્રમમાં રહે છે ને ખુશ છે. સુધીરભાઈ કહે :
‘મને અહીં બહુ જ ગમે છે. ઘરમાં જાણે નિરાશ્રિત હોઉં એવું મને લાગતું હતું અહીં હું સ્વમાનપૂર્વક જીવું છું. મારી પાસે મારા પૈસા છે, હું શા માટે સંતાનોથી ડરી ડરીને જીવું?! ’

સુધીરભાઈની જેમ ઘણાં સરસ વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધો પોતાની મરજીથી સારું જીવન જીવી રહ્યા છે-ગર્વ સાથે!

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker