તમે જેને દેસી માનો છો એ ફૂડ હકીકતમાં તો છે વિદેશી, નામ વાંચીને આંખો થઈ જશે પહોળી…

ભારત એ વિવિધતામાં એકતાં છે અને એટલી જ વિવિધતા અહીંની ખાણી-પીણીમાં જોવા મળે છે. પછી વાત મસાલેદાર, ચટાકેદાર વાનગીઓની હોય કે પછી મીઠા, ઠંડા ઠંડા ડેઝર્ટની વાત હોય… ભારતના દરેક શહેરમાં તમને કોઈને કોઈ ફેમસ ફૂડ કે ટ્રેડિશનલ ડિશ મળી જ જશે કે જે ત્યાંની ઓળખ સમાન બની છે. પરંતુ શું તમને ખબર છે કે કેટલાક એવા ફૂડ છે કે જેને આપણે દેશી માનીએ છીએ, પણ હકીકત એનાથી એકદમ અલગ છે. એમાંથી કેટલાક ફૂડ તો તમે પણ ખૂબ જ સ્વાદ લઈ-લઈને ખાતા હશો, પરંતુ તે વિદેશી છે એની જાણ તમને નહીં હોય…
જી હા, સાંભળવામાં ભલે તમને થોડું વિચિત્ર લાગશે, પણ આ હકીકત છે. આ દેસી ફૂડમાં જલેબીથી લઈને સમોસા સહિતના વિવિધ વ્યંજનોનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ કયા છે આ ફૂડ્સ અને જાણીએ કે તે કઈ રીતે ભારતમાં આવ્યા અને અહીંના જ થઈને રહી ગયા…
જલેબી

ભારતના કોઈ પણ શહેર કે ગલીના નાકે મળી જતી આ મીઠી, ગરમાગરમ અને ક્રિસ્પી જલેબી દશેરા પર ખાવાની પરંપરા છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ જલેબી મૂળ ભારતની નથી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ જલેબી મિડલ ઈસ્ટથી આવી છે અને અહીં તેને જલાબિયા કે જલુબિયાના નામથી ઓળખવામાં આવી હતી. ધીરે ધીરે તે જલેબી બની ગઈ છે.
ગુલાબ જાંબુ

મિઠાઈની વાત થઈ રહી હોય અને એમાં ગુલાબ જાંબુનું નામ ના આવે તો કઈ રીતે ચાલે? ગુલાબ જાંબુ દરેક વ્યક્તિની મનપસંદ સ્વીટ છે, પણ આ મિઠાઈ પર્શિયાથી આવી છે જેને લુકમા તે અલ કદીના નામથી જાણતી હતી. પર્શિયાથી આ મિઠાઈ આપણા ભારતમાં આવી અને આજે લોકોના દિલો પર રાજ કરી રહી છે.
પાવ-ભાજી

જી હા, તમને અને મને ગમતી પાવ-ભાજી પણ આપણું દેશી ફૂડ નથી. મુંબઈમાં વડા પાંઉ અને પાવ ભાજી સૌથી ફેમસ છે. તમને જાણીને નવાઈ લાગશે કે પાવ-ભાજી સંપૂર્ણપણે ઈન્ડિયન ફૂડ નથી. મૂળ પોર્ટુગીઝની છે આ ડિશ. જ્યાં મેશ કરેલાં શાક સાથે પાવ ખાવામાં આવે અને ભારતમાં આ સુંદર ચટાકેદાર ડિશ પાવ-ભાજી બની છે.
હલવા

આપણે ત્યાં મગની દાળના શીરાથી લઈને રવા અને ગાજરનો પણ હલવો બનાવવામાં આવે છે. પરંતુ એવી માન્યતા છે કે આ ડિશનો સંબંધ પણ પર્શિયા સાથે છે. પર્શિયન શબ્દ હલવ પરથી આ વાનગીનું નામ હલવો પડ્યું હોવું જોઈએ. હલવનો અર્થ થાય છે સ્વીટ. ટૂંકમાં હલવો એ પર્શિયાએ ભારતને આપેલી મીઠી ગિફ્ટ છે, એવું કહીએ તો એમાં કંઈ ખોટું નથી.
દાળ-ભાત

ભારતમાં દાળ-ભાત એ રોજબરોજ ખવાતી વાનગી બની ગઈ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે, પણ તે નેપાળથી ભારત આવી હોય એવી માન્યતા છે. નેપાળમાં એને દાળ-ભાત કહેવામાં આવે છે અને ત્યાંનું આ રાષ્ટ્રીય વ્યંજન પણ છે.