સર્વાઇકલ કેન્સર કેટલું ખતરનાક છે, જેના કારણે મોડલ પૂનમ પાંડેનો જીવ ગયો…..
મુંબઈ: ભારતની વિવાદાસ્પદ મોડલ પૂનમ પાંડેનું આજે સવારે મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું જો કે તેના સોશિયલ મિડીયા અકાઉન્ટ પરથી જાણવા મળ્યું કે તેને સર્વાઈકલ કેન્સર હતું. પૂનમ ત્યારે લાઇમ લાઈટમાં આવી જ્યારે 2011માં વર્લ્ડકપ જીત્યા બાદ ભારતીય ક્રિકેટરોની સામે ન્યૂડ થવાની ઓફર કરી હતી. જોકે બસીસીઆઇએ તેને તેમ કરવાની ના પાડી દીધી હતી. અને આવા જ નિવેદનોના કારણે તે હંમેશા ચર્ચામાં રહી છે. હજુ ગઈ કાલે 1લી ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે દેશભરમાં 9-14 વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી મફત આપવાનો મોટો નિર્ણય લીધો હતો, જેથી મહિલાઓને આ કેન્સરથી સુરક્ષિત કરી શકાય. અને આજે જ સર્વાઈકલ કેન્સરના કારણે પૂનમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું. ત્યારે શું તમે જાણો છો કે આ સર્વાઇકલ કેન્સર કેટલું ખતરનાક છે?
સર્વાઇકલ કેન્સર એ ભારતમાં મહિલાઓમાં ફેલાતું બીજા નંબરનું સૌથી ખતરનાક કેન્સર છે. જેના કારણે દર વર્ષે હજારો મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે. ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરનો ભારત અંગેનો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં દર વર્ષે લગભગ 1 લાખ 30 હજાર મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરનું નિદાન થાય છે અને તેમાંથી દર વર્ષે લગભગ 74 હજાર મહિલાઓ જીવ ગુમાવે છે, એટલે કે 62 ટકા મહિલાઓ સર્વાઈકલ કેન્સરના કારણે જીવ ગુમાવે છે. આ કેન્સર ચેપને કારણે જ ફેલાય છે. જો કે અત્યારે ભારતમાં સ્ત્રીઓમાં સૌથી વધારે ફેલાતું કોઈ કેન્સર હોય તો તે છે સ્તન કેન્સર. સ્તન કેન્સરના કારણે ભારતમાં મહિલાઓમાં સૌથી વધુ મૃત્યુદર જોવા મળે છે.
સર્વાઇકલ કેન્સર HPV (હ્યુમન પેપિલોમા વાયરસ)ને કારણે થાય છે. HPV શરીરમાં પ્રવેશે છે અને ગર્ભાશયના અંદરના ભાગમાં ચેપ લગાડે છે જો કે શરૂઆતના સમયમાં તેના કોઈ પણ લક્ષણો દેખાતા નથી. અને તે વધી જાય પછી જ આ કેન્સર પકડમાં આવે છે. જેમકે 70 ટકા સ્ત્રીઓમાં 30 વર્ષની ઉંમર બાદ જ આ કેન્સરનું નિદાન થાય છે.
સર્વાઇકલ કેન્સર મુખ્યત્વે માનવ પેપિલોમા વાઇરસના કારણે ફેલાય છે. અને આ વાઈરસ શારીરિક સંપર્કના કારણે એકબીજામાં ફેલાય છે. જો કે આ વાઈરસને સર્વાઈકલ કેન્સર સુધી પહોંચતા ઘણો સમય લાગે છે પરંતુ સર્વાઇકલ કેન્સર માત્ર હેલ્થ એક્સપર્ટ સ્ક્રીનીંગ દ્વારા જ શોધી શકાય છે. કારણકે આના કોઈ દેખીતા લક્ષણો નથી. આ જ કારણ છે કે આ કેન્સરને ઓળખી શકાતું નથી. ભારતમાં મહિલાઓમાં ખાસ કરીને ત્રીજા કે ચોથા તબક્કામાં જોવા મળે છે. અને ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે અને મોટાભાગની મહિલાઓએ પોતાનો જીવ ગુમાવવો પડે છે.
ત્યારે દરેકે એ બાબત સમજવી પડશે કે આ કેન્સરને રોકવાનો એકમાત્ર રસ્તો રસી છે, જે નાની છોકરીઓ અને બાળકોને આપવામાં આવે છે. ભારતમાં બનાવેલ સર્વાઇકલ કેન્સર માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટની સર્વાવક રસી 98 ટકા અસરકારક છે, પરંતુ તેના માટે ખાસ મહત્વની બીબત એ છે કે તે શારીરિક સંબંધ પહેલા આપવામાં આવે. 9 થી 14 વર્ષની વયની છોકરીઓને રસી આપવી શ્રેષ્ઠ છે, જો કે આ રસી 46 વર્ષની ઉંમર સુધી લઈ શકાય છે. આ ઉપરાંત આ કેન્સરથી બચવા માટે અમક સમયના અંતરે સ્ક્રીનીંગ કરાવવું જોઇએ અને આ કેન્સરથી બચવા માટે એક વિકલ્પ બની શકે છે.