શેરબજારના કડાકા છતાં ટીસીએસનો કેમ ભાવ રૂ. ૪૦૦૦ વટાવી ગયો ?

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારના કડાકા છતાં ટીસીએસનો ભાવ રૂ. ૪૦૦૦ વટાવી ગયો છે. આનું કારણ કંપનીના સારા પરિણામ અને ડિવિડન્ડની જાહેરાત હોવાનું બજારના સાધનો જણાવે છે.
આઇટી ક્ષેત્રની અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસે ૧૨ એપ્રિલે નાણાકીય વર્ષ ૨૦૨૪ના માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામો સાથે ટેક કંપનીઓ માટે કમાણીની સીઝનની શરૂઆત કરી છે. કંપનીએ ૩૧ માર્ચના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે ૯.૧ ટકાના વધારા સાથે રૂ. ૧૨,૪૩૪ કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. માર્ચ, ૨૦૨૪, જે એક વર્ષ અગાઉના સમયગાળામાં રૂ. ૧૧,૩૯૨ કરોડથી વધુ છે.
માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ ૩.૫ ટકાના વધારા સાથે રૂ. ૬૧,૨૩૭ કરોડની રેવેન્યુ નોંધાવી છે. ટીસીએસે શેરદીઠ રૂ. ૨૮નું અંતિમ ડિવિડંડ જાહેર કર્યું છે. ઓપરેટીંગ માર્જિન ૧.૫૦ ટકા વધીને ૨૬ ટકા નોંધાયું છે. રેગ્યુલેટરી નોટમાં કંપનીએ આપેલી માહિતી અનુસાર રાજકોષીય વર્ષ ૨૦૨૩-૨૪માં કંપનીનો ચોખ્ખો નફો નવ ટકા વધીને રૂ. ૪૫,૯૦૮ કરોડની સપાટીએ રહ્યો હતો.