100 રૂપિયાનો આવો સિક્કો નહીં જોયો હોય તમે, લખવામાં આવ્યો છે ખાસ સંદેશો…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહ નિમિત્તે એક ખાસ ટપાલ ટિકિટ અને એક સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો. જ્યાં જુઓ ત્યાં બસ આ 100 રૂપિયાની સિક્કાની ચર્ચા ચાલી રહી છે. ભારતીય ચલણી સિક્કા પર પહેલી વખત ભારત માતાનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. ચાલો તમને આ સિક્કાની ખાસિયત વિશે જણાવીએ-
મળતી માહિતી મુજબ 100 રૂપિયાના સિક્કા પર એક બાજુ રાષ્ટ્રીય પ્રતિક ચિહ્ન અંકિત કરવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ વરદ મુદ્રામાં ભારત માતાની એક ભવ્ય છબિ અંકિત કરવામાં આવી છે. એની સાથે એક સિંહ પણ જોવા મળે છે. આ સાથે સંઘના સ્વયં સેવકોની ભક્તિ અને સમર્પણ ભાવથી ભારત માતા સામે નતમસ્તક ઊભેલા જોવા મળે છે.
સિક્કા પર આરએસએસનો આદર્શ વાક્ય રાષ્ટ્રીય સ્વાહા, ઈદં રાષ્ટ્રાય, ઈદં ન મમ્ પણ અંકિત કરવામાં આવ્યું છે. આ વાક્યનો અર્થ થાય છે બધું રાષ્ટ્રને સમર્પિત, બધુ રાષ્ટ્રનું છે, કંઈ જ મારું નથી. દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીજીએ કહ્યું હતું કે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ભારતીય મુદ્રા પર ભારત માતાની તસવીર અંકિત કરવામાં આવી છે, જે ખરેખર ઐતિહાસિક ક્ષણ છે.
સિક્કાની સાથે બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટ 1963ની ગણતંત્ર દિવસની પરેડમાં આરએસએસ કાર્યકર્તાઓની ભાગીદારી દર્શાવવામાં આવી છે, જે સંગઠનના ઐતિહાસિક યોગદાનની ગાથા વર્ણવે છે. આ કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું અને એમાં આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબોલે, દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવત હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કેશવ બલિરામ હેડગેવાર દ્વારા 1925માં નાગપુરમાં સ્થાપિત આરએસએસની સ્થાપના એક સ્વયંસેવી સંગઠન તરીકે કરવામાં આવી હતી અને એનો હેતુ નાગરિકોમાં સાંસ્કૃતિક જાગરૂક્તા, અનુશાસન, સેવા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાનો હતો. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આરએસએસના પ્રચારક હતા અને ભાજપમાં જોડાવવા પહેલાં કેમણે સંગઠનકર્તા તરીકે પોતાની આગળી ઓળખ ઊભી કરી હતી.