કોરોનાના ભયાનક કાળમાં પીએમ મોદીએ અડધી રાતે ફોન કરી હિંમત આપી હતી, જાણો કોણે કહી આ વાત
દેશ અને દુનિયાભરમાં લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક કડક, નીડર નેતા તરીકે ઓળખે છે. તેમની કામ કરવાની રીત, તેમની લોકોની કાળજી લેવાની રીતે, તેમની લોકો સાથે સંબંધો કેળવવાની રીત કે નાનામાં નાની બાબતો પર નજર રાખવાની તેમની રીતથી ઘણા લોકો અજાણ છે. હાલમાં જ એક સામાજિક કાર્યકર્તાએ તેમના આવા જ કેટલાક ઓછા જાણીતા પરંતુ માનવીય અભિગમ ધરાવતા પાસા વિશે વાત કરી હતી.
પીએમ મોદી સાથે કામ કરતા લોકો અનુભવ કરી ચૂક્યા છે કે તેઓ તેમની સાથે કેવી રીતે વર્તે છે અને તેમની કેવી કાળજી રાખે છે. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ અને સ્મૃતિ ઇરાની બંનેને પીએમ મોદીના માનવીય પાસાનો અનુભવ થયો છે અને તેઓ આ અંગે જાહેરમાં પીએમ મોદીના વખાણ કરી ચૂક્યા છે. હવે દિલ્હીના એક સામાજિક કાર્યકરે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ મોદીના ગુણગાન ગાયા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘મોદી સ્ટોરી’ નામના હેન્ડલ પર ભૂતપૂર્વ વિધાન સભ્ય અને સામાજિક કાર્યકર જિતેન્દ્ર સિંહ સાંતીનો એક વીડિયો શેર થયો છે, જે તેમના મનોબળને વધારનારો બની ગયો છે.
કોરોનાના ભયાનક કાળમાં કોવિડને કારણે મૃત્યુથયા બાદ વ્યક્તિના પરિવારના સભ્યો પણ તેમના સંબંધીઓના અગ્નિસંસ્કાર કરવા આવતા નહોતા. એ સમયે દિલ્હીના સામાજિક કાર્યકર જીતેન્દ્ર સિંહ સાંતી દિવસ-રાત લાવારસ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી તેમના અંતિમ પડાવે મોકલતા હતા.
તે સમયે સીમાપુરીના સ્મશાન ભૂમિમાં મોટી સંખ્યામાં મૃતદેહો આવવા માંડ્યા હતા. સાંતી દિવસ રાત લોકોના અંતિમ સંસ્કારમાં બિઝી હતા. તેઓ ઘરે પણ નહોતા જઇ શકતા. અને ક્યારે ઘરે જતા તો આસપાસના પડોશીઓ વાંધો ઉઠાવતા હતા કે તેઓ વાયરસ ફેલાવશે.
સાંતીએ જણાવ્યું કે એક વાર જ્યારે તેઓ રાત્રે 2.30 વાગ્યે સ્મશાન ગૃહમાં મૃતદેહોનો અગ્નિસંસ્કાર કરી રહ્યા હતા ત્યારે તેમના ડ્રાઈવરે તેમને કહ્યું કે સાહેબ, એક ફોન આવી રહ્યો છે અને તે કહી રહ્યો છે કે તે પીએમઓમાંથી વાત કરે છે. સાંતીએ ડ્રાઇવરને તેના કાન પાસે ફોન લગાવવા કહ્યું. ફોન પર પીએમ મોદી હતા. મોદી કહી રહ્યા હતા, સાંતીજી, હું તમને ટીવી પર જોઈ રહ્યો છું. આખો દેશ તમારી સાથે છે. તમે લાવારસ મૃતદેહોની જે પણ સેવા કરી રહ્યા છો, આવી જ સેવા કરતા રહો. દેશને તમારી પર ગર્વ છે. સાંતીને નવાઇ લાગી કે અડધી રાતે દેશનો વડા પ્રધાન તેમના જેવા એક અદના આદમીને ફોન કરીને પ્રોત્સાહિત કરી રહ્યા હતા.
સાંતિએ જણાવ્યું કે મને પીએમની મહાનતાની જાણ થઇ કે વ્યક્તિ કેટલી પણ ઊંચા હોદ્દા પર પહોંચી જાય, તેણે પોતાના રૂટ્સ નહી છોડવા જોઇએ.