સ્પેશિયલ ફિચર્સ

મીઠાશની સાથે વિવિધતા ધરાવતું પ્રાચીન ફળ અમૃતફળ – નાસપાતી…

સ્વાસ્થ્ય સુધા- શ્રીલેખા યાજ્ઞિક

ચોમાસું શરૂ થાય તેની સાથે વરસાદી મોસમમાં ખાસ મળતાં ફળો બજારમાં દેખાવા લાગે. સંસ્કૃતમાં અમૃતફળ તરીકે ઓળખાતું ફળ એટલે જ નાસપાતી. નાસપાતીની આવક વરસાદી મોસમમાં બજારમાં વધુ થતી જોવા મળે છે. મુલાયમ મીઠા ફળમાં તેની ગણના થાય છે.

આ પણ વાંચો : યોગ મટાડે મનના રોગ: સાધક પોતાની જાતને પૂછે છે, હું કોણ છું? તંદુરસ્તી-મનદુરસ્તી- ભાણદેવ આ

સફરજનથી થોડું આકારમાં મોટું તેમજ ઉપરથી પાતળું નીચેથી ગોળાકાર હોય છે. જેથી તેને ‘પિયર શેપ’ કહેવામાં આવે છે. બહારની છાલ લીલી, પીળી તથા લાલ જોવા મળે છે. અંદરનો માવો કે ગર મુલાયમ હોય છે. બીજ અત્યંત નાના આછા કથ્થાઈ રંગના જોવા મળે છે.

નાસપાતી એક એવું ફળ છે જેને અનેક લોકો વણદેખ્યું કરે છે. પરંતુ તેનામાં સફરજનથી પણ અધિક પોષક ગુણ સમાયેલાં જોવા મળે છે. તેથી જ નાસપાતી ફળ એક એવા ફળમાં સ્થાન મેળવે છે, જે કૉલેસ્ટ્રોલ ફ્રી, ફૈટ ફ્રી, ૧૦૦ કૅલરીના પૈકેજમાં લગભગ બધા જ પોષક ગુણોનો સમાવેશ થતો જોવા મળે છે. એક મધ્યમ આકારની નાસપાતીમાં પ્રોટીન ૧ ગ્રામ, કાર્બ્સ ૨૭ ગ્રામ, ફાઈબર ૬ ગ્રામ, વિટામિન સી રોજિંદી આવશ્યક્તાના ૧૨ ટકા, વિટામિન કે રોજિંદી આવશ્યક્તાના ૬ ટકા, પોટેશિયમ રોજિંદી આવશ્યક્તાના ૪ ટકા, કૉપર રોજિંદી આવશ્યક્તાના ૧૬ ટકા છે.

ભારત નાસપાતીના ઉત્પાદનમાં વિશ્ર્વમાં ૯મો ક્રમાંક ધરાવે છે. ૧૯૯૧માં ભારતમાં નાસપાતીનું ઉત્પાદન ૧૯૦૦૦ હૅક્ટરમાં થતું હતું. જે ૨૦૧૯માં વધીને ૪૨,૦૦૦ હૅક્ટરમાં થઈ ગયું. વિશ્ર્વમાં નાસપાતીના ઉત્પાદનમાં ચીન, અમેરિકા, ટર્કી, ઈટાલી સ્પેન, તાઈવાન, નેધરલૅન્ડ વગેરે દેશોનો સમાવેશ થાય છે. જેમાં પહાડી, જંગલી, બાગી તથા ચીની ચાર પ્રકારના જોવા મળે છે. બાગી તેમજ પહાડી નાસપાતીમાં વધુ મીઠાશ હોય છે. ભારતમાં વિલિયમ્સ, બાર્ટલેટ, પાથરનાખ, વગેરેની સાથે ૨૦થી વધુ પ્રકારના નાસપાતીની ખેતી કરવામાં આવે છે. નાસપાતીનો દેખાવ સુરાહી જેવો હોય છે.

ઉપરના ભાગને નાક કહેવામાં આવે છે. નાસપાતીમાંથી ખાસ પ્રકારની શરાબ બનાવવામાં આવે છે. એવું કહેવાય છે કે સફરજનમાંથી બનતી શરાબ કરતાં નાસપાતીમાંથી બનતી શરાબ ઓછી મીઠી પરંતું વધુ ગુણકારી મનાય છે. તેનો ઉપયોગ અતિસારની સતત તકલીફ ધરાવતાં દર્દી માટે શ્રેષ્ઠ ગણાય છે. ચરક સંહિતા-સુશ્રુત સંહિતામાં ટંક નામથી તેનો ઉલ્લેખ જોવા મળે છે.

નાસપાતીનું વાનસ્પતિક નામ પાઈરસ કમ્યુનિસ છે. રોજેશી કુળનું ફળ ગણાય છે. અંગ્રેજીમાં પેર , કૉમન પિયર, યૂરોપિયન પિયર, પિયર ટ્રી, વાઈલ્ડ ટ્રી પણ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં નાસપાતીને અમૃતફળ, કાશ્મીરીમાં કિશતાબહિરા, તમિળમાં પેરિક્કે, ગુજરાતીમાં નાસપાતી પંજાબીમાં બટંગ, બાટંક, અરબીમાં કસ-રસા, પર્શિયનમાં અમરૂલ. નાસપાતી પૌષ્ટિક્તાની સાથે સ્વાસ્થ્યવર્ધક અનેક ગુણો ધરાવતું ફળ છે.

આ પણ વાંચો : વજન ઉતારવાના ખોટા પેંતરા છોડો અને કરો આ પ્રયોગ, પરિણામ આવશે જ

ભારતમાં ઉત્તર-પશ્ર્ચિમી હિમાલય, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડમાં ૭૦૦-૨૬૦૦ મીટરની ઊંચાઈ ઉપર પણ જોવા મળે છે.

Image Source : BeatO

નાસપાતીના સ્વાસ્થ્યવર્ધક ગુણો

ઍનિમિયાની તકલીફમાં ગુણકારી
નાસપાતીમાં આયર્ન પ્રચૂર માત્રામાં હોય છે. અનેક લોકોના શરીરમાં પૂરતાં પ્રમાણમાં લોહી ન બનવાની સમસ્યા હોય છે, જેને કારણે તેમના શરીરમાં હિમોગ્લોબીનની ઊણપ સર્જાય છે. આવા સંજોગોમાં નાસપાતીનું સેવન કરવું ઉત્તમ ગણાય છે. શરીરમાં પૂરતા પ્રમાણમાં રક્ત સંચાર થવાની સાથે શરીરના વિવિધ અંગોમાં ઑક્સિજનની યોગ્ય માત્રા મળી રહે છે. જેને કારણે શરીરના બધા જ અંગો સુચારૂ રૂપે કામ કરવા લાગે છે.

શરીરને ડિટોક્સ કરે છે
નાસપાતીની ગણના રસદાર ફળોમાં થાય છે. તેમાં પાણીની માત્રા વધુ હોય છે. તેથી તેના સેવન બાદ આંતરડાં તેમજ લિવરમાંથી ઝેરી પદાર્થને બહાર કાઢે છે. ઍનિમિયાની તકલીફથી બચી શકાય છે. વળી તેમાં પોટેશિયમનું પ્રમાણ ભરપૂર જોવા મળે છે, જે શરીરમાંથી સોડિયમ બહાર કાઢે છે. જેથી બ્લડપ્રેશરની સમસ્યા વધતાં અટકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ગુણકારી
નાસપાતીમાં ફાઈબર તેમજ ઍન્ટિ-ડાયાબિટીક ગુણ છે, જેથી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. વળી તેમાં પર્યાપ્ત માત્રામાં ઍંથોસાયનિન ઍન્ટિ-ઓક્સિડન્ટના રૂપમાં કામ કરે છે. જે ડાયાબિટીસ થવાના ખતરાને તેમજ હોય તો તેને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. વળી નાસપાતીનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછો હોવાને કારણે તેના સેવનથી લોહીમાં શર્કરાની માત્રા વધતી નથી.

પાચનક્રિયાને મજબૂત બનાવે છે
નાસપાતીમાં ફાઈબરનું પ્રમાણ સારું હોય છે. જેથી તેના સેવન બાદ કબજિયાતની તકલીફમાં રાહત મળે છે.
વળી તેમાં રહેલું ફાઈબર આંતરડામાં રહેલાં ઘટ્ટ કચરાને બહાર કાઢવામાં મદદ
કરે છે. જેથી આંતરડાની કાર્યક્ષમતા સુધરે છે. પાચન સબંધિત સમસ્યાથી રાહત
મળે છે.

વજનને નિયંત્રણમાં રાખે છે
આજના સમયમાં મોટાપાની સમસ્યા ઘેર..ઘેર જોવા મળે છે. ધીમે ધીમે વ્યક્તિના શરીરને રોગનું ઘર બનાવી દે છે. તેથી જ ફાસ્ટ ફૂડ કે જંક ફૂડનું સેવન કરતાં પહેલાં ફળ તેમજ સલાડનું સેવન કરવામાં આવે તો આંતરડાને વધુ કાર્ય કરવું પડતું નથી. નાસપાતીમાં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે. આમ કસમયે ખાતા રહેવાની આદતથી બચાવે છે. કૅલરીની માત્રા શરીરમાં અકારણ જતાં અટકે છે. જે વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

સોજાને ઘટાડવામાં ગુણકારી
વરસાદી મોસમમાં હવામાનમાં બદલાવને કારણે શરીરમાં અનેક વખત સોજા આવવાં કે શરીર ભારે લાગવાની તકલીફ જોવા મળે છે. નાસપાતીમાં ફ્લેવોનોઈડસ્ની માત્રા ભરપૂર છે. જે શરીર માટે ઍન્ટિ-ઓક્સિડન્ટનું કામ કરે છે. વળી વિટામિન-સી તથા વિટામિન કે શરીરના અંગ ઉપર આવેલાં સોજાને દૂર કરવામાં મદદ કરી શકે છે.

કૅન્સર સેલ્સની સામે રક્ષણ આપે છે
નાસપાતીમાં પૉલિફિનોલ તેમજ ફ્લેવોનોઈડ હોય છે. જે શરીરને ફ્રી રેડિકલ્સની સામે લડવામાં મદદ કરે છે. જેના થકી સેલ્યુલર તંદુરસ્તી જળવાઈ રહે છે. અનેક પ્રકારના કૅન્સરથી બચાવવાની સાથે શરીર તેમજ ત્વચાને વધતી વયનાં લક્ષણોથી બચાવવામાં મદદ કરે છે. નાસપાતીમાં વિટામિન સીની માત્રા અધિક હોય છે. જે ત્વચાની ચમક જાળવી રાખવામાં મદદ કરે છે.
નાસપાતીને સામાન્ય રીતે પ્રત્યેક ફળના શોખીને આખું જ ખાઈ લેવું જોઈએ. જો તે કરવું શક્ય ના હોય તો તેને કાપીને ઉપર લીંબુ તેમજ ચાટ મસાલો ભભરાવીને ખાવું જોઈએ. નાસપાતીમાંથી વિવિધ વાનગી બનાવી શકાય છે. જેમાં નાસપાતિનો મુરબ્બો, ચટણી, અથાણું, સલાડ તેમજ પીણાં બનાવવામાં આવે છે.

નાસપાતી કોલાડા
ચોમાસામાં પી શકાય તેવું આ પીણું ગણી શકાય.
સામગ્રી : ૨-૩ મધ્યમ આકારના નાસપાતી, અડધો કપ ગોળ, અડધો કપ પાણી, ૧ નાનો ટુકડો તજ, ૨ ચમચી ખડી સાકર, ૧ ચમચી મધ, ૧ નંગ પાકેલુ કેળું, ૫૦૦ ગ્રામ દૂધ, ૫ નંગ બદામ, ૫ નંગ કાજુ, તાજા નાળિયેરની મલાઈ ૧ કપ, ફુદીનાના પાન.
બનાવવાની રીત : સૌ પ્રથમ નાસપાતીને બરાબર સાફ કરીને કાપી લેવું. હવે તેને મિક્સર જારમાં ગોઠવવું. તેમાં ગોળ, ખડી સાકર, મધ, તજ, પાકેલું કેળું, નાળિયેરની મલાઈ, બદામ, કાજુ તેમજ જરૂર મુજબ દૂધ ઉમેરીને ચર્ન કરી લેવું. ત્યારબાદ બરફના ટુકડાં ગોઠવીને લાંબા ગ્લાસમાં રેડવું. ફુદીનાના પાનથી સજાવી તેનો આસ્વાદ માણવો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત