વ્યક્તિનો પાળેલો પોપટ ખોવાયો તો શોધવા માટે અજમાવી આ તરકીબ…

આપણામાંથી ઘણા લોકોને બિલાડી, શ્વાન, મેના, પોપટ કે બીજા પક્ષીઓને પાળવાની આદત હોય છે અને આ પાળેલાં પંખી, પક્ષીઓ પ્રત્યે અપાર માયા, લાગણી બંધાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં જ્યારે એ પાળેલાં પ્રાણી કે પક્ષીને કંઈ થઈ જાય તો તેમની હાલત પણ કફોડી થઈ જાય છે. રામની ભૂમિ અયોધ્યામાંથી પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક વ્યક્તિનો પાળેલો પોપટ ખોવાઈ ગયો છે અને આ પોપટને શોધવા માટે વ્યક્તિએ શેરી-શેરીમાં પોપટના પોસ્ટર લગાવી દીધા છે. એટલું જ નહીં પણ આ પોપટ શોધી લાવનારને 10,000 રૂપિયા ઈનામ આપવાની પણ જાહેરાત પણ કરી છે. આવો જોઈએ આખો મામલો…
અયોધ્યાના કોટવાલી વિસ્તારમાં આવેલી નીલ વિહાર કોલોનીમાં રહેતા શૈલેષ કુમારની ઓળખ આસપાસના વિસ્તારમાં પ્રાણીપ્રેમી તરીકેની છે. તેમણે એક પોપટ પાળ્યો હતો પણ એકાદ દિવસ પહેલાં જ આ પોપટ પાંજરામાંથી ઊડી ગયું હતું અને શૈલેષની સાથે સાથે તેમનો આખો પરિવાર દુઃખી થઈ ગયો હતો.
શૈલેષ અને તેના આખા પરિવારે પાળેલાં પોપટને શોધવાનો પ્રયાસ કર્યો અને તેમણે આસપાસની ગલીઓમાં આ ગુમ થઈ ગયેલા પોપટના પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ પાળેલાં પોપટને શોધી આપશે, એમને પોપટના માલિક દ્વારા 10,000 રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે. એટલું જ નહીં પણ આ પોપટને ઓળખવા માટે જરૂરી એવી નિશાનીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં પોપટ મળી આવે તો કયા નંબર પર સંપર્ક કરવાની માહિતી પણ આપવામાં આવી છે.
શૈલેષ કુમારની આ પોસ્ટ સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ્સ જોત જોતામાં વાઈરલ થઈ રહી છે. લોકો આ પોસ્ટ પર જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. લોકોમાં આ અજબ ગજબની પોસ્ટ ચર્ચાનું કારણ બની છે અને લોકો શૈલેષકુમારના અનોખા પ્રાણી પ્રેમની ચર્ચા કરી રહ્યા છે.