લાડકીસ્પેશિયલ ફિચર્સ

દીકરીઓને ઘેર રહેતા સંકોચ થાય…

નીલા સંઘવી

ગુજરાતના એક વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ત્યાં મધુબહેન સાથે મુલાકાત થઈ. મધુબહેન સ્વસ્થ, સ્ફૂર્તિલા અને હસમુખાં છે. વૃદ્ધાશ્રમમાં રહેતા લોકો કરતાં થોડાં અલગ છે મધુબહેન. સામાન્ય રીતે વૃદ્ધાશ્રમમાં રહેતા દાદા-દાદીના ચહેરા પર મેં ઉદાસી જોઈ છે. એ લોકો દુ:ખી લાગે. મજબૂરીથી અહીં આવ્યાં છે તે એમનાં ચહેરા પરથી દેખાઈ આવે છે. સંતાનો પ્રત્યેની નારાજગી પણ એમનાં મનમાં હોય છે. જોકે, મધુબહેન થોડાં જુદાં હસતાં-હસાવતાં જીવંત વ્યક્તિ…

મને થયું : લાવ, આજે મધુબહેન સાથે જ વાત કરીએ. મધુબહેન કહે : એ તો વાતો કરવા તૈયાર છે.

| Also Read: આરોગ્ય એક્સપ્રેસ : આપણી કહેવતોમાં પણ છે આરોગ્યની ચાવી

મેં પૂછયું: ‘મધુબહેન, અહીં ગમે છે?’

અરે, મને તો અહીં બહુ જ ગમે.. સાચું કહું બહેન, હું તો જ્યાં રહું ત્યાં મને ગમે જે મળે, જેવું મળે તેને સ્વીકારી લેવાનો સ્વભાવ છે. જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. જીવનમાં જે જે મુસીબતો આવી એ બધાં સમયમાં હું કાંઈને કાંઈ શીખી છું મારા પતિની નોકરીના કારણે અમે ક્યારેય એક જ જગ્યાએ સ્થિર થયા નથી. મલાડ, કાંદિવલી, હૈદ્રાબાદ, બરોડા, મદ્રાસ, કેરાલા જેવી કેટલીયે જગ્યાએ અમારા ઘર બદલાતાં રહેતાં … એમ કહોને કે કોથળામાં જ મારું ઘર હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા હું હંમેશાં તૈયાર જ રહેતી તેથી દરેક જગ્યાએ એડજસ્ટ થઈ જતી હતી અને એડજસ્ટ થઈ જવાનો એ ગુણ મને અહીં પણ કામ આવ્યો છે. મારા જીવનની તો એક જ ફિલોસોફી છે :
‘રામ રાખે તેમ રહીએ ઓધવજી
આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ…

મધુબહેન તો મઝેથી ભજન લલકારવા માંડ્યાં. પરંતુ મારી પાસે સમય ઓછો હતો:
‘મધુબહેન, અહીં આવવાનું કેમ નક્કી કર્યું? ’

જવાબમાં મધુબહેને જણાવ્યું :
‘બહેન, બધું સરસ ચાલી રહ્યું હતું પતિની નોકરી હતી. બે દીકરી અમારે… બંનેને પરણાવીને અમે બે જણ જીવન જીવતાં હતાં. કામ પરથી મારા પતિ આવે પછી અમે બંને બગીચામાં કે પછી દરિયાકિનારે જઈને બેસતાં … મને સૂર્યાસ્ત જોવો બહુ જ ગમે. એ મારા માટે મોગરાનો ગજરો ખરીદે અને મારા ચોટલામાં નાખે. એમને મોગરાના ગજરાનું રીતસરનું ઘેલું…’

એ મોગરાના ગજરાની વાત કરતા હતા ત્યારે અમે નોંધ્યુ કે આજે પણ મધુબહેનના ચોટલામાં મોગરાનો ગજરો મહેકે છે. એટલે પૂછયું :
‘હજુ પણ ગજરો નાખવાનો ક્રમ ચાલુ રાખ્યો છે?’

‘હા બહેન, એમને ગમતી બધી જ વસ્તુ કરવામાં મને આનંદ આવે છે. અમારાં દામ્પત્યમાં અજબની મીઠાશ હતી , પણ કુદરતને અમારો લાંબો સાથ પસંદ ન હતો. એક સાંજે એ ઓફિસથી આવ્યા. મને ચા બનાવવાનું કહ્યું. હું ચા બનાવવા રસોડામાં ગઈ અને ચાનો કપ લઈને બહાર આવી ત્યારે જોયું તો એમનું માથું ખુરશીમાં ઢળી પડ્યું હતું. મને લાગ્યું કે થાકને કારણે ઊંઘ આવી ગઈ લાગે છે. એમનું માથું સરખું કરીને કહેવા ગઈ કે ઊઠીને પલંગ પર સૂઈ જાવ…’ પરંતુ માથુ સરખું કરવા ગઈ તો માથું ફરીથી ઢળી પડ્યું. હું તો ડરી જ ગઈ સાથે સમજી પણ ગઈ કે એમનો આતમરામ ઊડી ગયો છે. ડોક્ટરને ફોન કર્યો . ડોક્ટરનો જવાબ તો મને ખબર જ હતી. તરત જ પડોશીઓ અને ઑફિસનો સ્ટાફ આવી ગયો. મુંબઈ રહેતી દીકરીઓને ખબર આપ્યા. દીકરીઓ ફલાઈટમાં આવી પહોંચી. પિતાની અંતિમવિધિ બંને દીકરીએ સરસ રીતે કરી. પપ્પાને અગ્નિદાહ પણ બંને બહેને જ આપ્યો અને સરાવવાની વિધિ મારી નાની દીકરીએ કરી. આમ પંદરેક દિવસ થઈ ગયા. દીકરીઓ કેટલા દિવસ રોકાય? એમને પણ પોતાના પરિવારની જવાબદારી હોય. બંને બહેનોએ જવાનું હતું. તેથી દીકરીઓ કહે : ‘હવે પપ્પા નથી. તું એકલી છે. તું અમારે ઘેર આવીને રહે તને બેમાંથી જે બહેનના ઘેર રહેવાની ઈચ્છા હોય ત્યાં રહેજે. તું અમારી સાથે મુંબઈ ચાલ.’
એ વખતે અમે હૈદ્રાબાદ હતા. મેં કહ્યું : ‘ના, ના હું અહીં જ રહીશ.’

| Also Read: સાવધાન , તમે પણ નથી કરી રહ્યાને…પ્લાસ્ટિકનો નાસ્તો- લંચ ને ડિનર ?!

હમણાં થોડા દિવસ તો તારે અમારી સાથે આવવું જ પડશે. પછી શું કરવું આપણે નક્કી કરીશું’
હૈદ્રાબાદનું ઘર તો આમ પણ ભાડે જ હતું. બધું સમેટીને દીકરીઓની સાથે મુંબઈ ગઈ. એમની જીદ પાસે મારું કંઈ ન ચાલ્યું. દીકરીઓને મારી ચિંતા હતી: ‘માને એકલી કઈ રીતે રાખીશું?’ થોડો સમય મોટી દીકરીને ત્યાં અને થોડો વખત નાની દીકરીને ત્યાં રહી. બંને મારું બહુ જ ધ્યાન રાખતી. એમનાં સંતાનો પણ ‘નાની નાની’ કરીને વહાલ વરસાવતાં, પણ કોણ જાણે મને ત્યાં સંકોચ લાગ્યા કરતો. કોઈ સાસરિયા આવે તો મને વધુ સંકોચ લાગતો. દીકરીઓને સમજાવી: ‘બેટા, તમને મારી ચિંતા છે હું જાણું છું તમે મને સારી રીતે સાચવો છો, પણ સાચું કહું મને નથી ગમતું. તમે બંને ખરાબ ન લગાડતા. મને લાગે છે કે હું કોઈ વૃદ્ધાશ્રમમાં રહેવા જાવ, જ્યાં મને મારી ઉંમરના વૃદ્ધોની કંપની મળે’
દીકરીઓને મારી વાત ગમી નહીં. એક દિવસ મારા માસી મળવા આવ્યાં. એ આ જ વૃદ્ધાશ્રમમાં રહેતાં હતાં. એમણે કહ્યું : ‘અહીં બધું સરસ છે. મારી જીદ માનીને મારી દીકરીઓ અહીં બધું જોઈ ગઈ. એમને સારું લાગ્યું એટલે મને અહીં મૂકી ગયા…’

મધુબહેન કહે છે, ‘દીકરીઓના ઘેર ઓશિયાળું લાગે, જે મને ગમે નહીં તેથી મારી ખુશીથી અહીં આવી છું. દીકરીઓ વાર -તહેવારે મળવા આવે છે. જોઈતી ચીજવસ્તુઓ લાવી આપે છે. મને અહીં બહુ જ ગમે છે. સવારે મારી દિનચર્ચા પતે પછી હું રસોડામાં મદદ કરવા માટે જાઉં…. સમવયસ્કો સાથે વાતો કરવી ગમે છે. ટી.વી.જોવાનું પણ મને ગમે. હું જીવીશ ત્યાં સુધી અહીં જ રહીશ. મને મુંબઈ ને એનું પ્રદૂષિત વાતાવરણ નથી ગમતું. અહીં તબિયત સારી રહે છે. શું ખાવું -શું બનાવવું એવું કોઈ ટેન્શન નહીં. દીકરીઓ પણ નચિંત થઈ ગઈ છે. મમ્મી ખુશ છે એટલે હવે એમને પણ કોઈ ટેન્શન નથી હું મારાં કામ બની શકે ત્યાં સુધી મારી મેળે જ કરું….’

વૃદ્ધાશ્રમમાં રહેનારા ખુશ ન હોય તે વાતનો છેદ મધુબહેન સાથે વાત કરતા ઊડી ગયો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત