નવેમ્બર, ડિસેમ્બરમાં છે લગ્ન માટે આટલા જ મુહૂર્ત, જલદી કરજો નહીંતર…
આપણે ત્યાં હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કે વિવાહ વગેરે માટે શુભ મૂહુર્ત, ચોઘડિયા જોવામાં આવે છે અને હાલમાં તો દેવ સૂતા છે એટલે કોઈ પણ મંગલ કાર્ય કે વિવાહ સમારંભ નથી થતા પરંતુ હવે એક મહિના બાદ એટલે કે નવેમ્બર મહિનામાં દેવઉઠી એકાદશી બાદથી શુભ-મંગલ કાર્યનો શુભારંભ થશે, ત્યારે ચાલો જાણીએ કે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન માટેના ક્યારે અને કેટલા શુભ મૂહુર્ત બચ્યા છે.
મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વર્ષે 12મી નવેમ્બર, 2024ના રોજ દેવઉઠી એકાદશી છે. તમારી જાણ માટે કે આ વર્ષે પહેલી જાન્યુઆરી બાદ વિવાહ માટેના કુલ 71 શુભ મૂહુર્ત આપવામાં આવ્યા હતા અને હવે એમાંથી 31મી ડિસેમ્બર સુધીના માત્ર 18 જ મુહૂર્ત બચ્યા છે. ઓછા મુહૂર્તને કારણે આ વખતે ખૂબ જ મહામારી જોવા મળશે. જેને કારણે હોલ બુકિંગ, કેટરિંગ, બેન્ડ, પાર્લર સહિતના અનેક કામોમાં આજે તમારે ઝડપ લાવવી પડશે નહીં તો પાછળ તમારે પારાવાર હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
વાત કરીએ નવેમ્બરના મુહૂર્તની તો 12મી નવેમ્બરથી દેવઉઠની એકાદશીથી જ લગ્નની સિઝન શરૂ થઈ જશે અને ત્યાર બાદ નવેમ્બરમાં 16, 17, 18, 22, 23, 24, 25, 28 અને 29 તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત છે.
આગળ વધીને વાત કરીએ ડિસેમ્બરની તો ડિસેમ્બરમાં લગ્ન માટે 3, 4, 5, 9, 10, 11, 13 અને 14 ડિસેમ્બર લગ્ન માટે શુભ છે. અહીંયા તમારી જાણ માટે 14મી ડિસેમ્બરની રાતે ખરમાસ શરૂ થઈ જશે એટલે આ દિવસે દિવસના સમયે લગ્ન કરવા શુભ રહેશે, પણ રાતના લગ્ન માટે સારું મુહૂર્ત નથી.
ટૂંકમાં બે મહિનામાં લગ્ન માટે 18 જ મૂહુર્ત છે એટલે આ વખતે આ 18 દિવસોમાં એક સાથે અનેક લગ્નો હશે, જેને કારણે તમારે તમારી તમામ બુકિંગમાં ઝડપ રાખવી પડશે, નહીં તો પાછળથી ચિંતામાં મૂકાવવાનો કે પછી કોમ્પ્રોમાઈઝ કરવો પડશે, તો રાહ શેની જુઓ છો, ચાલો તૈયારીઓ કરવા માંડો…