ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

હું નહીં, તું નહીં, તે નહીં: એમ અપરંપાર

ચિંતન -હેમુ ભીખુ

જે મર્યાદિત નથી તે અપાર છે. જે સીમિત નથી તે સર્વત્ર છે. જે ભૌતિક માળખાની અંદર જકડાયેલ નથી તે જ સર્વથા મુક્ત છે. જેને કોઈ પ્રકારનું બંધન નથી તે જ ચૈતન્ય છે. જે સમય અને સ્થાનની મર્યાદાથી પર છે તે ઈશ્ર્વર છે, તે અપરંપાર છે, તે બ્રહ્મ છે, તે કારણ છે.

ઈશ્વરને સમજવા માટે બે પ્રચલિત વિચારધારા છે. એક, ઈશ્વર બધે જ છે તે પ્રકારની વિચારધારા, અને બીજી, ઈશ્વર આ બધાથી પર છે તે વિચારધારા. પ્રથમ વિચારધારામાં આ પણ બ્રહ્મ છે, એ પણ બ્રહ્મ છે, અહીં પણ બ્રહ્મ છે, ત્યાં પણ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું, તું પણ બ્રહ્મ છું – એમ સ્થાપિત કરવામાં આવે છે. અહીં એમ જણાવવામાં આવે છે કે બ્રહ્મ સૂક્ષ્મ પણ છે અને વિરાટ પણ, વૃદ્ધ પણ છે અને તરુણ પણ, સૌથી નજીક પણ છે અને અતિ દૂર પણ. અહીં એમ જણાવવામાં આવે છે કે સમગ્ર સંસારમાં સર્વત્ર, સદાકાળ બ્રહ્મના સ્વરૂપો જ ફેલાયેલા છે. આ બધું તેમનો જ વિસ્તાર છે. આ બધું તેમનો અંશ માત્ર છે. ઈશ્ર્વર વિનાનું અસ્તિત્વ શક્ય જ નથી અને તેથી જે છે તે બધું ઈશ્વરનું ચોક્કસ રીતે નિર્ધારિત થયેલું સ્વરૂપ જ છે. હું પણ ઈશ્ર્વર છું તું પણ ઈશ્ર્વર છે અને તે પણ ઈશ્ર્વર છે – એમ અપરંપાર સર્વત્ર ઈશ્ર્વરની જ હયાતિ છે.

સનાતની સંસ્કૃતિમાં જે છે તે બધું જ બ્રહ્મ છે તેવી સમાવિષ્ટતાની ભાવના સાથે તેનાથી વિપરીત વિચારધારા થકી પણ બ્રહ્મને સમજાવવાનો પ્રયત્ન થયો છે. નેતિ નેતિ કહીને આ પણ બ્રહ્મ નથી અને તે પણ બ્રહ્મ નથી તેમ સમજાવવામાં આવે છે. આ વિચારધારામાં એમ સમજાવવામાં આવે છે કે જે બાબતમાં સીમિતતા છે તે બાબતોને બાદ કરતાં કરતાં જે વધે તે બ્રહ્મ. આ વૃક્ષ બ્રહ્મ નથી, માનવી બ્રહ્મ નથી, પુત્ર-દારા-ગૃહ બ્રહ્મ નથી, શરીર બ્રહ્મ નથી, વિચાર બ્રહ્મ નથી, શ્વાસ બ્રહ્મ નથી…અને એમ આગળ વિચારતા વિચારતા જે વધે તે બ્રહ્મ. અહીં સમજ એવી છે કે જે બાબતોની મર્યાદા છે તે બાબતોને જો બ્રહ્મ ગણવામાં આવે તો બ્રહ્મને પણ તે મર્યાદા લાગુ. જો વૃક્ષ બ્રહ્મ છે તો વૃક્ષ સિવાયની અન્ય બાબતો બ્રહ્મ નથી અને વૃક્ષની જે કોઈ મર્યાદા છે તે બ્રહ્મની પણ મર્યાદા બની જાય. આ માન્ય નથી અને તેથી શાસ્ત્રમાં નેતિ નેતિનો ભાવ વધુ સ્વીકૃત બન્યો છે.

બ્રહ્મ અર્થાત્ ઈશ્વર આમ તો અબાધિત ચૈતન્ય છે. તેની સમજ માટે નકારાત્મક વિચાર પણ કેટલાક લોકો માટે સ્વીકૃત ન બને. આવી નકારાત્મક બાબતનો છેદ ઉડાડી દેવા, અખાના છપ્પામાં, અહીં અપરંપરા શબ્દ પ્રયોજાયો હોય તેમ જણાય છે. આ શબ્દના ઉપયોગથી નેતિ નેતિ પણ બધા માટે સ્વીકૃત બની જાય છે. બ્રહ્મ હું – તું – તે નથી, પણ અપાર છે, અમાપ છે, સર્વત્ર છે, સદાય છે. તેની અ-માપતા દર્શાવવા અહીં માપી શકાય તેવી બાબતોનો છેદ ઉડાડી દેવાયો છે. અહીં તે સર્વત્ર છે તેમ સ્થાપિત કરવા જેનું સ્થાન હોય તે બાબતોની બાદબાકી કરાઈ છે. જે બાબતોને રંગ-રૂપ છે તે બાબતોથી પર બ્રહ્મને દર્શાવાયું છે. બ્રહ્મ અનામી હોવાથી જેને નામ છે તે બાબતોને સૂચિમાંથી દૂર કરવાનો આ પ્રયત્ન છે. હું નહીં – તું નહીં – તે નહીં એમ કહીને જે નિરાકાર છે તેની નિરાકારતા, જે નિર્ગુણ છે તેની નિર્ગુણતા, જે અમર્યાદિત છે તેની અમર્યાદિતતા, જે સર્વત્ર છે તેની અ-સ્થાનિયતા, જે અનામી છે તેની સંજ્ઞા-હિનતા, જે દ્વંદ્વહીન છે તેની દ્વન્દ્વહીનતા – આમ પ્રત્યેક નિરૂપણ યોગ્ય બાબતોને દર્શાવવાનો અહીં સફળ પ્રયત્ન કરાયો છે.

અહીં પ્રથમ પુરુષ દ્વિતીય પુરુષ અને તૃતીય, પુરુષ એમ બધા જ નાશ પામે છે. વળી અહીં હું – તું – તેની બાદબાકી થતા હું-પણા, તું-પણા અને તે-પણાની પણ બાદબાકી થઈ જાય છે. અહીં અહંકારથી મુક્ત થવાની વાત છે. અહીં હું અને મારાની વિચારધારાથી દૂર જવાની વાત છે. અહીં એક સાથે સ્વાર્થ અને મમત્વ બંનેનો છેદ ઊડી જાય છે. હું તું અને તે-ની સાથે અસ્તિત્વનો ભાવ સઘનતાથી જોડાયેલો હોવાથી, અહીં દેહભાવથી મુક્ત થવાની વાત પણ સંભળાય છે. પ્રકૃતિથી નિર્ધારિત થતા અસ્તિત્વની પાર જવાની આ વાત છે. પદાર્થની સ્વાભાવિકતા તથા સીમિતતાથી દૂર જવાથી અપાર – અબાધિત સમજી શકાય, પામી શકાય.

સનાતની સંસ્કૃતિની સમૃદ્ધિ તથા યથાર્થતા એ છે કે તેમાં દરેક વ્યક્તિને પોતાની રુચિ અનુસાર જે તે માર્ગ મળી રહે છે. તેની સાથે બીજી મજાની વાત એ છે કે આપણા ભક્ત કવિઓએ દરેક માર્ગની ગુઢ બાબતોને સહજતાથી સામાન્ય ભાષામાં વ્યક્ત કરી દીધી છે. આ ભક્ત કવિઓના આલેખનમાં દર્શન શાસ્ત્રના સિદ્ધાંતો પણ છે, વેદની રહસ્યમય બાબતો પણ છે, ઉપનિષદોનું ઊંડાણ પણ છે, પુરાણોની વાતો લોકભોગ્ય બનાવાઈ છે – અને આ બધું સહજતાથી લોકો સમજી શકે તેવી ભાષામાં રજૂ કરાયું છે.

ઈશ્વર રુદિયાની અંદર પણ બિરાજમાન છે અને સૃષ્ટિની રચનાની પેલે પાર પણ તે જ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button