આજે નૂતન વર્ષે અન્નકૂટ પર્વ અને ગોવર્ધન પૂજા: જાણો શુભ મુહૂર્ત અને ભગવાન કૃષ્ણની ઇન્દ્રના માનભંગની કથા

સનાતન પરંપરામાં અન્નકૂટ પર્વનું વિશેષ મહત્વ છે. દિવાળીના બીજા દિવસે એટલે કે કારતક મહિનાના શુક્લ પક્ષની એકમની તિથીના રોજ એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ પર્વ ઉજવવામાં આવે છે. તિથિના અંતરને કારણે આ વર્ષે 22 ઓક્ટોબર 2025, બુધવારના રોજ અન્નકૂટનું પર્વ ઊજવાશે. લોકપરંપરામાં આ પર્વને ગોવર્ધન પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ઇન્દ્ર દેવતાના અભિમાનને તોડવાના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવે છે.
અન્નકૂટ પૂજાનું શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર, ગોવર્ધન મહારાજને સમર્પિત અન્નકૂટ પૂજા દિવસ દરમિયાન બે શુભ મુહૂર્તમાં કરી શકાશે. પ્રાતઃકાળનું શુભ મુહૂર્ત છે સવારે 06:26 થી 08:42 વાગ્યા સુધી તેમજ બીજું શુભ મુહૂર્ત: બપોરે 03:29 થી સાંજે 05:44 વાગ્યા સુધી છે.
અન્નકૂટ પર્વનું મહત્વ અને કથા
હિન્દુ માન્યતા અનુસાર, દ્વાપર યુગમાં કારતક મહિનાના શુક્લ પક્ષની એકમની તિથીના દિવસે દેવતાઓના રાજા ઇન્દ્રને છપ્પન પ્રકારના ભોગ અર્પણ કરવામાં આવતા હતા. ભગવાન શ્રીકૃષ્ણને જ્યારે આનું કારણ પૂછ્યું, ત્યારે તેમને માતા યશોદાએ જણાવ્યું કે ઇન્દ્ર વરસાદ વરસાવે છે, જેથી ગાયો અને ખેતી ફળે છે. ત્યારે કાનુડાએ કહ્યું કે આ તો ગોવર્ધન પર્વતને કારણે થાય છે, અને તેમણે તે પ્રથા બંધ કરાવીને ગોવર્ધન પર્વતની પૂજા કરવા સૌને આગ્રહ કર્યો. આ વાતથી ઇન્દ્રદેવ ક્રોધિત થયા અને તેમણે વ્રજ મંડળમાં મૂશળધાર વરસાદ વરસાવ્યો.
વ્રજવાસીઓને બચાવવા માટે, ભગવાન શ્રીકૃષ્ણે પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ઊંચકી લીધો અને સાત દિવસ સુધી ઊભા રહ્યા. જ્યારે ઇન્દ્રનો અહંકાર દૂર થયો અને તેમણે શ્રીકૃષ્ણની માફી માંગી, ત્યારે ભગવાને લોકોને આ દિવસથી ગોવર્ધન પૂજા અને અન્નકૂટ પર્વ મનાવવાનું કહ્યું. ત્યારથી, આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારના 56 ભોગનો ભોગ ધરાવીને અન્નકૂટ પર્વ મનાવવામાં આવે છે.
આ પણ વાંચો…જ્યારે શ્રીકૃષ્ણે તોડ્યું ઇન્દ્રનું અભિમાન: જાણો ગોવર્ધન પૂજાનું ધાર્મિક મહત્વ અને પૂજા વિધી