મા કાત્યાયની: નવદુર્ગાનું સુવર્ણ સ્વરૂપ: આ રીતે કરો પૂજા, મળશે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફળ

આજે શરદીય નવરાત્રીનો (Shardiya Navratri) સાતમો દિવસ છે પરંતુ ત્રીજની તિથી બે વખત હોવાથી આજે છઠ્ઠું નોરતું છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા નવદુર્ગાના (Mata Navdurga) કાત્યાયની (Devi Katyayni) સ્વરૂપની પૂજાનું માહાત્મ્ય રહેલું છે. દેવી કાત્યાયની ઋષિ કાત્યાયન પુત્રી હોવાથી તેમનું નામ કાત્યાયની પડ્યું હોવાની માન્યતા છે. દેવી કાત્યાયની આરાધના વ્યક્તિને વાસના, મોક્ષ, ધર્મ અને અર્થ એ ચાર ફળની આપૂર્તિ કરનાર છે. ચાલો જાણીએ નવરાત્રિના છઠ્ઠા દિવસની પૂજા પદ્ધતિ, મા કાત્યાયનીનો પ્રસાદ, મંત્ર વગેરે.
દેવી બ્રહ્માના માનસ પુત્રી
શાસ્ત્રોમાં માતા કાત્યાયનીને ભગવાાન બ્રહ્માના માનસ પુત્રી તરીકે ઓળખવામાં આવ્યા છે અને નવરાત્રીના છઠ્ઠા દિવસે તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઋષી કાત્યાયનની તપસ્યાથી પ્રસન્ન થઈને દેવીએ તેમના ઘરે પુત્રી તરીકે અવતરવાનું વરદાન આપ્યું હતું. માનું આ સ્વરુપ અમોઘ ફળદાયક ગણાય છે. એટલે કે આ સ્વરુપની પૂજા-અર્ચનાથી એવું ફળ મળે છે જેનો ક્યારેય નાશ નથી થતો.
કેવું છે દેવી કાત્યાયનીનું સ્વરૂપ
મા કાત્યાયનીને સુવર્ણ રંગવાળી દેવી કહેવામાં આવે છે. તેમને ચાર ભુજાઓ છે અને તેઓ રત્નોથી સુસજ્જ છે. તેઓ સિંહ પર સવાર છે. મા કાત્યાયનીનો જમણો હાથ અભય મુદ્રામાં છે, અન્ય નીચેના હાથથી તેઓ તેમને વરદાન આપે છે. ડાબી બાજુના ઉપરના હાથમાં તેમણે ચંદ્રહાસ નામની તલવાર ધારણ કરી છે. તેમના નીચેના હાથમાં કમળનું ફૂલ ધારણ કરેલું છે.
બ્રજભૂમિમાં દેવીની પૂજાનું છે મહત્વ
બ્રજભૂમિમાં કાત્યાયની દેવીની પૂજા વિશેષ રીતે થાય છે. વ્રજની કન્યાઓ શ્રીકૃષ્ણના પ્રેમ માટે તેની પૂજા કરતી હતી. શ્રીકૃષ્ણએ પણ દેવી કાત્યાયની પૂજા કરી હતી. બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં તેમને છઠ મૈયાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે નવરાત્રી દરમિયાન દેવી કાત્યાયનીની પૂજા કરવાથી, માતા દેવી તેમના ભક્તોને હિંમત અને શક્તિ આપે છે. એવું પણ માનવામાં આવે છે કે જો કુંવારા છોકરાઓ અને છોકરીઓ સંપૂર્ણ વિધિ સાથે મા કાત્યાયનીની પૂજા કરે છે, તો તેમને યોગ્ય જીવનસાથી મળે છે.
કઈ રીતે કરશો દેવીની પૂજા
માતા કાત્યાયનીને પીળા રંગના વસ્ત્રો ખૂબ જ પસંદ છે, આથી ભક્તો દેવીને પીળા રંગનો ભોગ અર્પણ કરે છે. મધમાં બનેલા હલવાનો ભોગ ધરાવવાનું ખૂબ જ મહત્વ રહેલું છે. દેવીની પૂજા સમયે તમે “कात्यायनी महामाये , महायोगिन्यधीश्वरी। नन्दगोपसुतं देवी, पति मे कुरु ते नमः।। जय जय अम्बे, जय कात्यायनी। जय जगमाता, जग की महारानी। कंचनाभा वराभयं पद्मधरां मुकटोज्जवलां। स्मेरमुखीं शिवपत्नी कात्यायनी नमोस्तुते।” શ્લોકનો પાઠ કરી શકો છો.
આ પણ વાંચો…આજે પાંચમું નોરતું: સંતાન સુખ અને આરોગ્ય માટે કરો મા સ્કંદમાતાની આરાધના, જાણો પૂજા વિધિ