શારદીય નવરાત્રી 2025: આજથી નવરાત્રીનો પ્રારંભ, જાણો પહેલા નોરતે કઈ રીતે કરશો મા શૈલપુત્રીની પૂજા-અર્ચના!

આજથી આસોના નોરતા એટલે કે શારદીય નવરાત્રીની (Shardiya Navratri) શરૂઆત થઈ રહી છે. આજે પ્રથમ નોરતું છે અને નવરાત્રીનો પહેલો દિવસ દેવી દુર્ગાના નવ સ્વરૂપોમાંથી માતા શૈલપુત્રીને (Mata Shailputri) સમર્પિત છે. નવરાત્રીના પહેલા દિવસે પરંપરાગત રીતે ઘટની (કળશ) સ્થાપના કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે. ચાલો જાણીએ નવરાત્રિના પહેલા દિવસે જેમની આરાધના થાય છે તેવા દેવી શૈલપુત્રી વિશે.
હિમાલયના પુત્રી માતા શૈલપુત્રીનું વાહન વૃષભ છે અને માતા શૈલપુત્રીએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ છે. માતાનું આ સ્વરૂપ સૌમ્યતા, કરુણા, સ્નેહ અને ધૈર્યનું પ્રતિનિધિત્વ કરે છે. એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી વ્યક્તિ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. શાસ્ત્રો અનુસાર માતા શૈલપુત્રી ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. મા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવાથી ચંદ્ર દોષથી પણ રાહત મળે છે.

કઇ રીતે કરશો પૂજા?
નવરાત્રીના પ્રથમ દિવસે એક ચોકી પર લાલ કે પીળા રંગનું વસ્ત્ર પાથરીને મા શૈલપુત્રીની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરો. ત્યારબાદ દીવો પ્રગટાવીને ફૂલ, ચોખા અને કંકુ અર્પણ કરો. જો અઘરા મંત્રો વિષે ન જાણતા હોય તો સામાન્ય મંત્ર “ૐ શૈલપુત્ર્યૈ નમઃ” નો જાપ કરો. સાચા મનથી કરેલી પ્રાર્થના પણ એટલી જ અસરકારક માનવામાં આવે છે.
પહેલા દિવસની એક ખાસ પરંપરા કળશ સ્થાપના છે. તેને શુભ ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. કલશમાં પાણી ભરીને તેના મોઢા પર આસોપાલવ અથવા આંબાના પાન રાખો અને ઉપર નારિયેળ મૂકીને લાલ વસ્ત્રથી ઢાંકી દો. આ કલશ આગામી નવ દિવસ સુધી મા દુર્ગાની દિવ્ય ઉપસ્થિતિ અને સમૃદ્ધિનું પ્રતીક રહે છે.
કયા રંગના વસ્ત્રોનું માહાત્મ્ય?
નવરાત્રીના પ્રથમ દિવસે પીળા રંગનું મહત્વ રહેલું છે. આથી પૂજા દરમિયાન માતા શૈલપુત્રીને પીળા વસ્ત્ર પહેરાવવા તેમજ શક્ય હોય તો પીળા રંગના કપડાં પહેરીને જ પૂજા કરવી જોઈએ. પ્રસાદમાં પણ શુદ્ધ ઘી, દૂધ કે પીળા રંગની મીઠાઇનો ભોગ ધરાવવો જોઈએ
ચંદ્રમાના અધિષ્ઠાતા દેવી
માતા શૈલપુત્રીને ચંદ્રમાના અધિષ્ઠાતા દેવી માનવામાં આવે છે. ચંદ્રમા મનઅને ભાવનાઓના કારક હોય તેમની આરાધના કરવાથી માનસિક સ્થિરતા, ભાવનાત્મક સંતુલન અને જીવનની મુશ્કેલીઓથી લડવામાં સાહસ મળે છે. સાથે જ પરિવારમાં શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવનાર માનવામાં આવે છે.