પેરેન્ટ્સ ચેતી જજો! મોબાઇલ ફોનનું વ્યસન નાના બાળકોને નબળા બનાવી રહ્યું છે
નવી દિલ્હીઃ જ્યારે બાળકો રડે છે અથવા કોઈ વાતનો આગ્રહ રાખે છે, ત્યારે માતાપિતા તેમનાથી છુટકારો મેળવવા માટે તેમને મોબાઈલ અથવા અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ગેજેટ આપે છે. આજકાલ આ ટ્રેન્ડ એકદમ સામાન્ય બની ગયો છે. આનાથી બાળક શાંત થાય છે, પરંતુ સ્માર્ટ ફોનની લતથી તેમને ઘણું નુક્સાન થાય છે, એવું અનેક રિસર્ચમાં જાણવા મળ્યું છે, જેના વિશે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. દરમિયાન આવી જ રિસર્ચનો હવાલો ટાંકીને સ્વીડને જેવા નાનકડા દેશે દેશભરના તમામ માતાપિતાને 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સ્ક્રીન જોવાનું સંપૂર્ણપણે બંધ કરવા જણાવ્યું છે. સ્વીડને દેશભરના પેરેન્ટ્સને 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડિજિટલ મીડિયા અથવા ટીવી વગેરેથી સંપૂર્ણપણે દૂર રાખવા, બે થી પાંચ વર્ષની ઉંમરના બાળકોને દિવસમાં વધુમાં વધુ માત્ર એક કલાક સ્ક્રીન જોવાની છૂટ આપવા, 6 થી 12 વર્ષના બાળકોએ દિવસમાં એક કે બે કલાક સ્ક્રીન જોવાની છૂટ આપવા અને 13 થી 18 વર્ષની વયના બાળકોએ ફક્ત બે થી ત્રણ કલાક સ્ક્રીન જોવાની છૂટ આપવા કહ્યું છે.
શું તમે જાણો છે કે સ્વીડને આવુ મોટું પગલું કેમ ભર્યું છે અને સ્વીડન દેશભરના બાળકો માટે સ્ક્રીન સમય મર્યાદિત કરવાનો આગ્રહ શા માટે કરી રહ્યું છે? કદાચ નહીં જાણતા હો, તો અમે તમને સ્વીડનના આ પગલાં પાછળનો હેતું વિસ્તારથી સમજાવીએ.
દુનિયાભરમાં થયેલા તમામ સંશોધનો દર્શાવે છે કે નાની ઉંમરે બાળકોને ફોન આપવાથી તેમના માનસિક વિકાસ પર અસર પડે છે. એટલું જ નહીં, એક રિપોર્ટ અનુસાર, મોબાઈલ ફોન, ગેજેટ્સ અને વધુ પડતું ટીવી જોવાનું વ્યસન બાળકોનું ભવિષ્ય બગાડી રહ્યું છે. આ કારણે તેમનામાં વર્ચ્યુઅલ ઓટિઝમનું જોખમ વધી રહ્યું છે. હવે તમને વિચાર આવશે કે વર્ચ્યુઅલ ઓટીઝમ શું છે? તો વર્ચ્યુઅલ ઓટિઝમના લક્ષણો સામાન્ય રીતે ચારથી પાંચ વર્ષની વયના બાળકોમાં જોવા મળે છે. મોબાઈલ ફોન, ટીવી અને કોમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના વ્યસનને કારણે આવું થાય છે. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ, લેપટોપ અને ટીવી પર વધુ સમય વિતાવવાને કારણે બાળકોને સમાજના અન્ય લોકો સાથે બોલવામાં અને વાતચીત કરવામાં મુશ્કેલી થવા લાગે છે, જેને વર્ચ્યુઅલ ઓટિઝમ કહેવાય છે.
સ્વીડનની આરોગ્ય એજન્સી માને છે કે ફોનની સ્ક્રીનને વધારે જોવાથી બાળકોને ઘણા નુકસાન થાય છે. ફોન પર વધુ પડતા વીડિયો જોવાથી બાળકના માનસિક સંતુલન પર નકારાત્મક અસર પડે છે, જે તેના સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી. મોબાઈલની લત બાળકો પર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે અને એક સમય એવો આવે છે જ્યારે મોબાઈલ બાળકો માટે સર્વસ્વ બની જાય છે. મોબાઈલનું વ્યસન બાળકોને ચીડિયા બનાવે છે અને તેના કારણે બાળકોનું મન ધીરે ધીરે નબળું પડવા લાગે છે. તેની યાદશક્તિ પણ નબળી પડવા લાગે છે.
સ્વીડનના પબ્લિક હેલ્થ મિનિસ્ટરે એ વાત સ્વીકારી હતી કે દેશના 15 વર્ષથી ઓછી ઉંમરના અડધાથી વધુ ટીનએજરો દિવસની પૂરતી ઊંઘ લેતા નથી અને તેઓ હતાશા, ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. તેમણે પેરેન્ટ્સને સૂચન કર્યું છે કે રાતે સૂતા પહેલા મોબાઇલ અને ટેબ્લેટ બેડરૂમની બહાર રાખવામાં આવે. સ્વીડનની સરકાર પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે.
આ વાત જેટલી સ્વીડનના બાળકોને લાગુ પડે છે એટલી જ આપણા દેશના બાળકોને પણ લાગુ પડે છે. પેરેન્ટ્સે આ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઇએ અને તેમના બાળકોને મોબાઇલની લત ના લાગી જાય એનું ધ્યાન રાખવું જોઇએ.