નટરાજ, લાસ્ય અને તાંડવ
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા
શંકર ભગવાનની આ નટરાજ મુદ્રા દર્શાવે છે કે તેઓ નૃત્યના પણ રાજા છે. માત્ર વ્યક્તિગત જ નહીં પણ બ્રહ્માંડકીય નૃત્ય પણ અજન્મા એવા શંકરને આધીન છે. શંકર જ્યારે સૃષ્ટિના સર્જનના મૂડમાં હોય ત્યારે જે નૃત્ય કરે તે સોફ્ટ હોય છે. જેને લાસ્ય નૃત્ય કહેવાય છે. ગઇ કાલે આપણે અર્ધનારેશ્ર્વરની વાત કરી. શિવના અર્ધાંગિની પાર્વતી આ નૃત્ય રજૂ કરે છે જે લયનું સર્જન કરે છે, સ્વાભાવિકપણે જ નારીસહજ કોમળતા અને સરળતા આ નૃત્યમાં હોય છે. લયનું સર્જન થતાં જ સૃષ્ટિનું સર્જન થાય છે. આમ સૃષ્ટિના સર્જન માટે શિવની નારી પ્રતિભા કાર્ય કરે છે. પૃથ્વી અને પ્રકૃતિનું નિર્માણ થાય છે. બીજી બાજુ સૃષ્ટિ અને પ્રકૃતિનાં કાર્યોમાં ખલેલ પહોંચે. શાસ્ત્રોની ભાષામાં દેવ કરતાં દાનવોનું પ્રમાણ વધે ત્યારે શિવજીની પુરુષ ભંગિમા જાગૃત થાય છે. તાંડવનૃત્ય થવા લાગે છે. લય પ્રલયમાં બદલાઇ જાય છે. સર્જન સંહારમાં બદલાઇ જાય છે.
શિવજીના આ બન્ને નૃત્ય લાસ્ય અને તાંડવ, જ્યાં લાસ્ય નૃત્ય સકારાત્મક છે અને શિવજી દ્વારા દેવોનું અર્થાત એવી શક્તિઓનું નિર્માણ થાય છે જે સૃષ્ટિને ચલાવવામાં મદદરૂપ થાય. જેમ કે સૂર્ય ઊર્જા આપે, ગરમી આપે. ચંદ્ર શીતળતા આપે, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિમાં રસ ભરે, અગ્નિ દેવ ભૂખ જગાડે. વાયુદેવ વરસાદ ખેંચી લાવે , ઇન્દ્ર દેવ પાણી વરસાવી લોકોની તરસ છીપાવે. માનવી આ બધા દેવોનો ઉપકાર માની પોતાની સૃષ્ટિ ચલાવે. દેવોના તાલ સાથે પોતાનો તાલ મિલાવી સૃષ્ટિના વિકાસ માટે કાર્યો કરે, પરંતુ દેવોમાં પોતાની શક્તિનો અહંકાર વધી ન જાય એ માટે દાનવ પ્રકૃતિ કે આસુરી સ્વભાવ પણ સૃષ્ટિમાં ક્યાંકને ક્યાંક પોતાનું પોત પ્રકાશતો હોય છે. જેમ લોકશાહીમાં સત્તા પક્ષને નિયંત્રણમાં રાખવા વિપક્ષો હોય છે. તેમ દેવસૃષ્ટિને નિયંત્રણમાં રાખવા દાનવો પણ જરૂરી છે. આપણે ત્યાં દેવ અને દાનવો વચ્ચે વાક્યુદ્ધથી માંડીને સશસ્ત્ર યુદ્ધ પણ થયા છે, પણ આ બધુ ત્યાર સુધી જ સારું જ્યાં સુધી સૃષ્ટિના કલ્યાણ સુપેરે થતાં રહે.
બેઉમાંથી એકની પણ ગુસ્તાખી વધી જાય ત્યારે મહાદેવ અર્થાત્ મહાશક્તિને ખલેલ પહોેંચે છે. દેવોનો અહંકાર વધી જાય એ પણ એમને ખલેલ પહોંચાડે છે. તમે સારા કાર્યો (દેવકાર્યો) કરો ત્યાં સુધી વાંધો નહીં, પણ જો અભિમાન આવ્યું તો કર્યાકારવ્યા પર તમે જાતે જ પાણી ફેરવો છો. અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નથી. આ જ રીતે દાનવોની પાશવી વૃત્તિ હદબહાર વધે. તેઓ પોતાની લિમિટ ક્રોસ કરે તો પણ શિવજીને ખલેલ પહોંચે છે. આવી પાશવતા સૃષ્ટિનાં કાર્યોમાં વિઘ્નો પહોંચાડતી હોય છે. આ પાશવતાનો નાશ કરવા હવે શિવજીનું અર્ધુ પુરુષ અંગ જાગૃત થાય છે. એ તાંડવ નૃત્ય કરે છે જેમાં પેલા લાસ્યનૃત્યની જેમ નારી સહજ કોમળતા નથી હોતી પણ એક પુરુષને છાજે એવી કઠોરતા હોય છે જે તેમના આ તાંડવમાં છલકાય છે અને સૃષ્ટિના સંહાર માટે કારણભૂત બને છે.
દેવ-દાનવની આ લીલામાં માણસનું સ્થાન ક્યાં એ આવતી કાલે જોઇશું. (ક્રમશ:)