સરદાર પટેલની દૂરંદેશીનું જીવંત ઉદાહરણ છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના, રાજ્યમાં દુષ્કાળ બન્યો ભૂતકાળ

સરદાર પટેલના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર-નર્મદા યોજનાને વડા પ્રધાન મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ કરાઈ હતી
સરદાર વલ્લભભાઈ પટેલ – ભારતના લોખંડી પુરુષ – એક એવા નેતા હતા જેમણે દેશની એકતા અને અખંડિતતા માટે જીવન સમર્પિત કર્યું. પરંતુ એટલું જ નહીં, તેમણે ગુજરાત અને ભારતના ભવિષ્યના વિકાસ માટે પણ ઘણી દૂરંદેશી યોજનાઓનું સ્વપ્ન જોયું હતું. તેમાંથી સૌથી મહત્વની અને આજે વિશ્વની સૌથી મોટી જળસંગ્રહ યોજના તરીકે ઓળખાતી ‘સરદાર સરોવર-નર્મદા યોજના’નો વિચાર સરદાર પટેલના મનમાં જ ઉદભવ્યો હતો.
આ યોજના માત્ર એક બંધ કે સિંચાઈ પ્રોજેક્ટ નથી, પરંતુ ગુજરાતની ખુશહાલી-જીવાદોરી, પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ અને ખેતી-ઉદ્યોગના વિકાસનું એક મહાસ્વપ્ન હતું જેને સરદારે વર્ષ ૧૯૪૦ના દાયકામાં જોયું હતું. જે આજે સાચા અર્થમાં સાર્થક બન્યું છે. સરદાર સાહેબના આ મહાસ્વપ્ન સમાન સરદાર સરોવર- નર્મદા યોજનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ્દ હસ્તે તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રને અર્પણ કરવામાં આવી હતી.
અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આવા અનેક સત્કાર્યોથી દેશવાસીઓ વાકેફ થાય એ આશયથી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સરદાર સાહેબની ૧૫૦મી જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમના ‘રાષ્ટ્રીય એકતા’ના આ સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા માટે રાજ્યમાં ગત તા. ૨૬ નવેમ્બર એટલે કે બંધારણ દિવસથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરમસદથી એકતાનગર સુધી યોજાનાર રાષ્ટ્રીય પદયાત્રા (સરદાર @ ૧૫૦ : યુનિટી માર્ચ)નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આવો જાણીએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાની ગાથા…..
નર્મદાના પાણીની સમસ્યા અને સરદારની ચિંતા
વર્ષ ૧૯૪૬માં જ્યારે ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગમાં પાણીની અછત અને દુષ્કાળની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. સૌરાષ્ટ્ર અને કચ્છ તો વર્ષોથી પાણી વિનાના વિસ્તાર તરીકે ઓળખાતા હતા. મા નર્મદા નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને ગુજરાતમાંથી પસાર થઈને અરબી સમુદ્રમાં મળે છે પરંતુ તેનું અમૃત સમાન મોટા ભાગનું પાણી વેડફાઈને સમુદ્રમાં વહી જતું હતું. સરદારને આ વાત ખૂબ જ દુઃખ પહોંચાડતી હતી. તેમણે વારંવાર કહેલું કે, “આપણી નર્મદાનું પાણી સમુદ્રમાં વેડફવું એ આપણા ગુજરાતી-દેશવાસીઓ સાથે અન્યાય છે.”
આ વિચારને સાર્થક કરવા વર્ષ ૧૯૪૬-૪૭માં જ સરદાર પટેલે નર્મદા નદી પર મોટો બંધ બાંધવાનો વિચાર રજૂ કર્યો હતો. તેમણે તે વખતના બોમ્બે સરકારના ઇજનેરોને આદેશ આપ્યો કે નર્મદા પર ઊંચો બંધ બાંધીને તેનું પાણી ગુજરાતના નજીકના-છેવાડાના દરેક ખૂણે પહોંચાડવાની યોજના તૈયાર કરો. તે સમયે ઘણા બુદ્ધિજીવી લોકોએ આ વિચારને અશક્ય અને અવ્યવહારુ ગણાવ્યો. પરંતુ સરદારની દૃઢ ઇચ્છાશક્તિ સામે કોઈ ટકી શકે તેમ નહોતું.
કેન્દ્રીય જળ અને વીજ મંત્રાલયની સ્થાપના
સ્વતંત્રતા પછી વર્ષ ૧૯૪૭માં જ્યારે સરદાર પટેલ ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન બન્યા, ત્યારે તેમણે દેશમાં પાણી અને વીજળીના મહત્વને ઓળખીને કેન્દ્રીય જળ અને વીજ મંત્રાલયની સ્થાપના કરી. આ મંત્રાલયનો મુખ્ય હેતુ મોટી નદીઓ પર બહુહેતુક પ્રોજેક્ટ બનાવવાનો હતો. સરદારે નર્મદા યોજનાને રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે વિકસાવવાનું વિચાર્યું હતું જેથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન – ચારેય રાજ્યોને તેનો લાભ મળે.
વર્ષ ૧૯૪૮માં પ્રથમ સર્વે અને નકશો પ્રકાશિત
સરદારના આદેશથી વર્ષ ૧૯૪૭-૪૮માં જ નર્મદા નદી પર બંધ બાંધવા માટે પ્રથમ સર્વે શરૂ થયો. એ સમયના પ્રખ્યાત ઇજનેર ખોસલાએ નર્મદા પર 160 ફૂટથી વધુ ઊંચો બંધ બાંધી શકાય તેવો અહેવાલ આપ્યો. આજે જે સરદાર સરોવર બંધ છે તેની ઊંચાઈ 163 મીટર (535 ફૂટ) છે – એટલે કે સરદારના સમયનો વિચાર આજે પણ સાચો અને સફળ પુરવાર થયો છે.
દુઃખની વાત એ છે કે વર્ષ ૧૯૫૦માં સરદાર પટેલનું અવસાન થયું અને તેમના પછી આ યોજના ઘણા વર્ષો સુધી રાજકીય ખેચતાણ અને આંતરરાજ્ય વિવાદોમાં ફસાઈ રહી. પરંતુ સૌના કલ્યાણ માટે સેવેલું સરદારનું સ્વપ્ન સાકાર થઇને જ રહ્યું.
સરદાર સાહેબની દ્રષ્ટિના મુખ્ય અંશો
• દુષ્કાળમુક્ત ગુજરાત: સરદાર માનતા હતા કે નર્મદાનું પાણી જો ગુજરાતના દરેક ખૂણે પહોંચે તો ગુજરાત ક્યારેય દુષ્કાળનો માર નહીં ખાય.
• કૃષિ ક્રાંતિ: લાખો હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપીને ગુજરાતને અન્નનું ભંડાર બનાવવું.
• પીવાનું પાણી: સૌરાષ્ટ્ર-કચ્છના ગામડે ગામડે પાણી પહોંચાડવું જેથી મહિલાઓને કલાકો સુધી પાણી માટે ઉભા રહેવું ના પડે અને દુર સુધી પાણી ભરવા જવામાંથી મુક્તિ.
• વીજ ઉત્પાદન: હજારો મેગાવોટ જળ વીજ ઉત્પન્ન કરીને ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવો.
• આંતરરાજ્ય સહકાર: નર્મદાને ‘રાષ્ટ્રીય નદી’ બનાવીને ચાર રાજ્યોનો વિકાસ કરવો.
સરદારનું સ્વપ્ન મૂર્તિમંત થયું
• આજે સરદાર સરોવર બંધની મુખ્ય કેનાલ ૪૫૮ કિમી લાંબી છે અને તેની શાખાઓ-ઉપશાખાઓ સહિત અંદાજે કુલ ૭૫,૦૦૦ કિમીથી વધુ નહેરોનું નેટવર્ક ગુજરાતમાં ફેલાયેલું છે.
• અંદાજે ૧૮ લાખ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ.
• ૯૪૯ મેગાવોટ જળ વિદ્યુત ઉત્પાદન ક્ષમતા.
• અંદાજે ૩૦ જિલ્લાઓના ૯,૫૦૦ થી વધુ ગામો અને ૧૭૩ શહેરોને પીવાનું પાણી ઉપલબ્ધ
• સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના ગામોમાં દરેક ઘરમાં નળથી નર્મદાનું પાણી એટલે કે, આ બધું જ સરદાર પટેલની ૭૫-૮૦ વર્ષ પહેલાંની દ્રષ્ટિનું સફળ પરિણામ છે.
સરદાર પટેલ માત્ર દેશના એકીકરણ કરનાર નેતા નહોતા, પરંતુ એક દૂરંદેશી વિકાસકાર પણ હતા. તેમણે નર્મદા યોજનાને ગુજરાતની ‘લાઇફલાઇન’ બનાવવાનું સ્વપ્ન જોયું હતું અને આજે તે સ્વપ્ન પૂરેપૂરું સાકાર થયું છે. જ્યારે આપણે મા નર્મદાના ઠંડા પાણીનો ઘૂંટડો પીઈએ કે ખેતરમાં લીલોતરી જોઈએ ત્યારે યાદ રાખીએ કે આ પાણીના દરેક બુંદમાં સરદાર પટેલની દૂરંદેશી અને ગુજરાત-દેશ પ્રત્યેનો અપાર પ્રેમ સમાયેલો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નિર્માણ પામેલ વિશ્વનું સૌથી ઊંચું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પણ સરદારની મહાનતા-ઊંચાઈની સાક્ષી પૂરે છે અને તેની જ સામે સરદાર સરોવર બંધ તેમની વિકાસની દ્રષ્ટિનું જીવંત પ્રતીક પણ છે.



