નાગેન્દ્રહારાય… ત્રિલોચનાય
શિવવિજ્ઞાન –મુકેશ પંડ્યા
ભગવાન શિવના ગળામાં હંમેશાં નાગના હાર જોવા મળે. શિવલિંગ પર પણ નાનું છત્ર શોભા આપતું હોય. આપણે શ્રાવણ મહિનાની બન્ને પાંચમને નાગપંચમી તરીકે મનાવીએ છીએ. નાગને દેવ માનીને પૂજીએ છીએ. કૃષ્ણ, હોય કે મહાવીર સહુ સાથે નાગની કથા વાર્તા સંકળાયેલી છે, પરંતુ ખરેખર નાગ ઘરમાં આવી જાય તો આપણે કેવો દુર્વ્યવહાર કરીએ છીએ. હાથમાં લાકડી, ધોકો જે આવ્યું લઇને એ મરે નહીં ત્યાં સુધી ફટકારીએ છીએ. મને યાદ છે ગામમાં વડીલો નાગને મારતાં અને પછી એને દેવ માનીને એની ઉત્તરક્રિયા પણ કરતાં. આજે સમજાય છે કે આ સાચો ધર્મ નહીં પણ એક દંભ હતો અને છે.
જો તમે નાગને દેવ માનતા હોવ, જો તમે નાગની પૂજા કરતા હોવ,જો તમે સર્પને ગળે વળગાડીને બેઠેલા મહાદેવની પૂજા કરતા હોવ તો પછી એને દુશ્મન ગણીને શા માટે મારવો જોઇએ. આજના સંશોધનને પ્રતાપે જાણવા મળ્યું છે કે મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે. વળી સાપને જે તમે જુઓ પણ છંછેડો નહીં તો એ તમને કરડતો નથી. નાગને જ્યારે તમે ઘરમાં કે ઘર નજીક જુઓ તો તેને મારવાની પેરવી કરવા કરતા સાપને પકડનારા શખસોનો સંપર્ક નંબર હાથવગો રાખવો અને તેમને ફોન કરીને બોલાવી લેવા. આ લોકો સાપને મારતા નથી એને પકડીને થેલામાં મૂકીને જંગલમાં કે ખેતરમાં છોડી આવે છે.
ખેતર પરથી ઠીક યાદ આવ્યું. નાગની પૂજા ક્ષેત્રપાળ કે ખેતરના રક્ષક કરીકે કરવામાં આવે છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. ક્ષેત્ર એટલે ખેતર. આ ખેતરમાં ઊભો પાક લહેરાતો હોય એને ઉંદર કે અન્ય જીવજંતુઓ દ્વારા નુકસાન ન થાય એ માટે સાપ ખેતરમાં હોવા જરૂરી છે. સાપનો ખોરાક ઉંદર છે એટલે તેમની વસતિને નિયંત્રિત કરવામાં તેઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ તેઓ ખેડૂતોના મિત્ર છે. વળી નાગની સંખ્યા ન વધી જાય એ માટે પણ આકાશમાં ગીધ, સમડી કે ગરૂડ ફરતા હોય છે. આમ કુદરત જ દરેક પ્રાણીના સર્જન અને વિનાશનું કાર્ય કરીને બેલેન્સ જાળવી રાખે છે, પણ જ્યારથી માનવ દખલ વધી ગઇ છે
ત્યારથી બધી મોંકાણ મંડાણી છે. આપણે ખેતરો વેચીને પ્લોટ પાડ્યા. રહેઠાણો બનાવ્યાં. જંગલો કાપ્યા. વનમાં અતિક્રમણ કર્યું. માનવ વસતિને પોષવા પ્રાણી વસતિનો ભોગ લેવાતો ગયો. કોઇ એમ કહે કે સાપ મારા ઘરમાં ઘૂસી ગયો તો એ વાત ખોટી છે. આપણે અતિક્રમણ કરીને એમના દરોમાં ઘૂસી ગયા છીએ. આપણે વસતિ વધારા પર કાબૂ રાખવાની જરૂર છે. વસતિ નિયંત્રણ ધારાને સપોર્ટ આપવાની જરૂર છે. જો વાઘ-સિંહ જોવા ઓછા ઉપયોગી પ્રાણીઓને બચાવવા અભ્યારણ્યો ખોલવામાં આવતા હોય તો મોટા ભાગના બિનઝેરી અને ખેડૂતોના મિત્ર, આપણા અન્નદાતા એવા નાગને શા માટે રંજાડવા. જેવા દેખાય કે તેમને પકડાવીને દૂર કરી શકો છે. બીજી એક અંધશ્રદ્ધા પણ દૂર કરવા જેવી છે, સાપનો ખોરાક દૂધ નથી, પણ ઇંડા, ઉંદર કે અન્ય જીવજંતુઓ છે. તેમને શહેર કે ગામમાં લાવી પરાણે દૂધ પાવા નહીં. તેમને ફક્ત જીવવા દેશો તોયે તેમની પૂજા કરી ગણાશે. મહાદેવની પૂજા કરી ગણાશે.