સ્ટાર-યાર-કલાકાર : નામ બડે.. દર્શન ભી બડે! મેં ખુદ જોયેલા-જાણેલા Big B
-સંજય છેલ
ધ અમિતાભ બચ્ચન… વિશે લખવા માટે હું બહુ નાનો છું, પણ નાની આંખે, મોટી મૂર્તિ-પ્રતિમા જોવાનો એક અલગ રંગ છે. હું નસીબદાર છું કે આજે જેમનો ૮૩મો જન્મદિન છે એવા અમિતજી સાથે મેં થોડો સમય પણ ગાળ્યો છે…
૧૯૯૭/૯૮ની આસપાસ મેં લખેલી રંગીલા- યેસ બોસ- કચ્ચેધાગે જેવી અમુક ફિલ્મો સફળ નીવડી ત્યારે અચાનક અમિતજીએ મને ઓફિસ પર બોલાવ્યો.(આ સમયગાળો ‘કે.બી.સી’ પહેલાંનો હતો). અમિતજીની એ.બી.કોર્પ’ નામની મીડિયા કંપની ફડચામાં ગઇ હતી. અમિતજી ત્યારે લેખકોને સતત મળી રહ્યા હતાં ,જે એમની નવી ઇમેજ રચી શકે. એ અણધારી મીટિંગમાં હું ૩૦ મિનિટ મોડો પહોંચેલો અને મેં માફી માંગતા કહ્યું : ‘સર, તમને પહેલીવાર મળવા આવવાનું હતું માટે નવા કપડાં ખરીદવા ગયેલો એમાં સ્હેજ મોડું થઇ ગયું! ’
અમિતજી મારામાંનો ભોળો ફેન જોઇને જોઇને હસી પડ્યાં.. એમને મારી ‘યેસ બોસ’ અને ‘દૌડ’ જેવી બે અલગ અલગ ફિલ્મો ગમેલી. મેં પછીની મીટિંગોમાં એમને ૨-૪ વાર્તા સંભળાવી, પણ એ સિનેમા વિશે હજુ જૂના વિચારોમાં ખોવાયેલા-અટવાયેલ હતા.
એ પછી સપ્ટેંબર ૧૯૯૯માં મારી ફિલ્મ ‘ખૂબસૂરત’ ના મ્યુઝિક રિલીઝ ફંક્શન માટે એમને આમંત્રવા ગયો તો એમણે તરત જ હા પાડતા કહ્યું: પ્રયત્ન કરીશ… મારી દિલ્લીથી મુંબઇની સાંજની ફ્લાઇટ છે.
૧૦ સુધી પહોંચાશે તો જરૂર આવીશ ‘પછી એ સાંજથી એમનો તેમજ એમના સેક્રેટેરી રોઝીનો સતત ફોન આવતો કે સાહેબને મોડું થઇ શકે છે, સોરી!’ વગેરે વગેરે.
આમ જૂવો તો આવું કહેવા-કરવાની કોઈ જરૂર નહોતી, કારણ કે હું કોણ?
-પણ બચ્ચન, બચ્ચન છે…
એટલું જ નહીં, ફંક્શનમાં ન આવી શકવા બદ્દલ પત્ર પણ મોકલ્યો. એ જ ‘ખૂબસૂરત’ ના પ્રિવ્યુ- શોમાં નાદુરસ્ત તબિયત છતાં સપરિવાર ફિલ્મ જોવા આવ્યા ને આશીર્વાદ આપ્યા.
૨૦૦૦માં હું અને શાહરૂખ એની કંપની માટે બાપ-બેટા વિશે ૧ સ્ક્રિપ્ટ વિચારી રહ્યા હતા.(યશ ચોપડાની ‘મહોબ્બતે’ પહેલાં) એ સમાચાર મળતાં જ અમિતજીએ મને બોલાવીને વાર્તા સાંભળી ને પછી એક યજમાનને શોભે એમ કાર સુધી ંગલાની બહાર મૂકવા આવ્યાં. પછી ૬ ફૂટ ૨ ઈંચના એ આદમીએ મારા પાંચ ફૂટ પાંચ ઇંચના ખભે હાથ મૂકીને કહ્યું : ‘સંજય, જલ્દી કુછ સોચો બોર હો ગયા હૂં. મુઝે જલ્દ હી સેટ પે જાના હૈ, કામ કરના હૈ, સેટકી ખુશ્બુ ફિરસે મેહસૂસ કરની હૈ..!’
મારા જેવાને પણ ફ્રેંકલી આવું કહી શકવા પાછળ એમનું કલાકાર તરીકેનું પેશન કે પાગલપન હતું… આ છે અમિતજીને ‘બચ્ચનસાહેબ’ બનાવનાર તત્ત્વ! બોલિવૂડને કામ પ્રત્યેની નિષ્ઠા કે પ્રોફેશનાલિઝમ જેવા શબ્દો અમિતજી જેવા વિરાટ વ્યક્તિત્વ સિવાય કદાચ ક્યારેક ના મળ્યા હોત.
૧૯૯૫-૯૬માં અમિતજીએ એબી કોર્પ’ નામની ફિલ્મઝ- મીડિયા માટેની કોર્પોરેટ કંપની શરુ કરેલી, જેમાં બેહિસાબ બદનામી વહોરવી પડેલી અને પછી ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ફરી ઊભા થઈ ગયા, પણ એમની ફ્લોપ કંપની ‘એ.બી. કોર્પ’ની ભૂલોથી શીખીને બીજી કોર્પોરેટ કંપનીઓ સફળ થઇ અને ફિલ્મલાઇનને સિરિયસ બિઝનેસનો દરજજો મળ્યો. અંડરવર્લ્ડના પૈસા, કોન્ટેકટ્સ , દાદાગીરીનો અંત થવા માંડયો, અહીં એક કબૂલાત કે એક ફિલ્મ માટે મને પણ એમની કંપનીએ ૧ લાખ રૂ. એડવાન્સ તરીકે આપેલા, પણ કોઇ કારણોસર એ ફિલ્મ ના બની, છતાંય એમણે ક્યારેય એ રકમ પાછી માંગી નથી કે આપી તો ય લીધી નથી.
અમિતજીની કેટલીક ખાસિયત પણ છે. નાનામાં નાના માણસના ફોનનો જવાબ આપવો, એસ.એમ.એસ.ના ઉત્તર આપવા, જન્મદિવસે કે ‘આભાર’નાં પત્રો લખવા, કોઇકની ફિલ્મ ગમે તો કાર્ડ કે ફૂલો મોકલવા …. એવાં ફોર્મલ પણ ભદ્ર વહેવારની કર્ટસી-સૌજન્ય અમિતજીએ જ બોલિવૂડને શીખવ્યા.
મેં અમિતજી સાથે ફિલ્મો નથી કરી, પણ ૩-૪ એડવર્ટાઇઝિંગ ફિલ્મો કરી છે ત્યારે ખૂબ શીખવા મળેલું, જેમ કે આજે બોલિવૂડમાં મોટાંભાગનાં કલાકારો હિંદી વાંચી નથી શકતા. ફિલ્મ-સ્ક્રિપ્ટને ‘રોમન’ લિપિ કે અંગ્રેજીમાં જ વાંચે છે, પણ અમિતજી ૮૨ વર્ષે એકમાત્ર એવાં કલાકાર છે જે ફિલ્મ સ્ક્રિપ્ટનાં સંવાદો, હિંદી લિપિમાં લખાયેલાં કે ટાઇપ કરવામાં આવ્યા હોય એનો આગ્રહ રાખે છે.. કારણ કે એ હિંદી કવિ હરિવંશરાયનાં પુત્ર છે ને?! હમણાં એકવાર અમિતજીને મળ્યો ત્યારે મેકઅપ રૂમમાં એક-એક શબ્દ પર ભાર મૂકીને નાના બાળકની જેમ સંવાદો ગોખતા હતા. મેં પૂછ્યું, તો સમજાવ્યું: ‘અબ ઉમર હો ગઇ હૈ સેટ પે સંવાદ ભૂલ કે દૂસરોં કો તકલીફ દે કે શરમિંદા નહીં હોના ચાહતા….. કેટલી સજાગતા… કેટલી સજજતા ને કેટલી કર્મઠતા!’
અમિતજી ના હોત તો એન્ટિ હીરો કે નેગેટિવ તત્ત્વોવાળો નાયક આપણને હિંદી સિનેમામાં જોવા ના મળત. પોતાનાં અવાજમાં ગીતો ગાવાની હિમ્મત પણ હીરો લોકો ના કરત. અમિતજીએ ‘મિ. નટવરલાલ’ અને ‘સિલસિલા’માં ગીતો ગાયાં પછી જ સંજય દત્ત, આમિર, શ્રીદેવી, શાહરૂખ જેવા કલાકારોએ પોતાનાં અવાજમાં ગાવાની કોશિશ કરી. મેં શાહરૂખ-સલમાનના વિદેશનાં અનેક શો લખ્યાં છે, પણ અમિતજીનો એક શો લખેલો ત્યારે નવાસવા કલાકારની જેમ એમને રિહર્સલ કરતાં જોવાનો લ્હાવો મળેલો.
અમિતજીએ ખાનગીમાં અમારી સામે અને ઘણીવાર જાહેરમાં પણ નમ્રતાથી કબૂલ્યું છે કે રાજેશ ખન્ના સાથે ‘સુપરસ્ટાર’ શબ્દ ખતમ થાય છે. પાંચ-છ વર્ષ રાજેશ ખન્નાએ જે લોકપ્રિયતા જોઇ છે એવી કોઇએ નથી જોઇ. ૧૯૯૦માં ‘મૂવી’ મેગેઝિને રાજેશ ખન્નાને અમિતાભનું કવર સ્ટોરી માટેનું સહિયારું ફોટોસેશન કરેલું , જેના ફોટોગ્રાફર ગૌતમ રાજાધ્યક્ષે એકવાર મને કહેલું કે એના સ્ટુડિયોમાં પ્રોપર મેકઅપ રૂમ નહોતો તો અમિતજી અકળાઇ ગયેલા કે ‘ચલો, હું તો બાથરૂમમાં કપડાં બદલી લઇશ પણ કાકાજી (રાજેશ) કૈસે એડજસ્ટ કરેંગે? ઇતને સિનિયર સુપરસ્ટાર હૈ વો ..!’ ઇનફેક્ટ, બચ્ચનજી ના હોત તો સુપરસ્ટાર શબ્દ રાજેશ
ખન્ના સાથે જ ખતમ જ થઇ જાત. રાજેશ ખન્નાના અવસાન સમયે ‘આશીર્વાદ’ બંગલામાં ખન્નાના દેહ સામે સતત ૧૦ મિનિટ અમિતજીને મૂર્તિની જેમ એમને તાકતા મેં સગી આંખે જોયા છે.. શું શું યાદ આવ્યું હશે.
એમને એ વખતે ‘કાકા’ના મૃતદેહ સામે…?
એ પછી રાજેશ ખન્નાની સ્મશાનયાત્રામાં જુહુની કૂપર હૉસ્પિટલથી પવનહંસ એરપોર્ટ સૂધી દોઢ કિલોમિટર અમિતજી ચાલીને ગયાં હતાં, કારણે કે રાજેશ ખન્નાના હજારો ચાહકોએ ટ્રાફિક જામ કરેલો! અમિતજી ના જાત તોયે ચાલત, પણ ખાનદાની અને વહેવાર બચ્ચનજી સૂપેરે નિભાવે છે.
- અને હા, સુપરસ્ટાર બચ્ચનજી ના હોત તો એમનાં ૨૦૧૧માં ૭૦માં જન્મ દિવસમાં ચુનીંદા ૫૦૦-૬૦૦ મહેમાનો વચ્ચે એમની ભવ્ય બર્થ-ડે પાર્ટીમાં મને જવાનો મોકો ના મળ્યો હોત. ત્યાં એમને હસતા-ગાતા- નાચતા ને સૌને પ્રેમથી ભેટતાં જોવાનો લ્હાવો ના મળ્યો હોત…
અમિતજીએ એમાં કવિ-પિતા હરિવંશરાય બચ્ચનની એક નૃત્ય-નાટિકા દેખાડી ને એમાં એક એંટ્રી કરેલી. એ સાંજે ભારત વર્ષમાંથી અમે અમુક જ નસીબદાર લોકો ત્યાં મોજુદ હતાં અને એ પાર્ટી જેવી ક્લાસિક મહેફિલ મેં કદીયે જોઇ નથી. રાત્રે ૩-૪ વાગે આખરે અમારા જેવાં ૪૦-૫૦ લોકો, જેમાં શાહરૂખ-સંજય દત્ત-આમિર વગેરે પણ હતા અને એ સૌની ખાસ ફર્માઇશ પર એમણે એક ડાંસ કરેલો, કોઇપણ જાતના નખરા વિના છેક સુધી સૌને સેલ્ફી આપી… તમે જમ્યાં કે નહીં? એકએકને પૂછ્યું. એ ઉંમરે, આટઆટલી બીમારી પછી આવી એનર્જી કયાંથી આવતી હશે?
એ તો વન એન્ડ ઓન્લી વન બચ્ચનજી જ જાણે…!
Also Read –