વાત અમિતાભ-જયાના, અભિષેક-ઐશ્ર્વર્યાના અને કુશ-તરુણાનાં લગ્નની…
૩જૂન, ૨૦૨૪નો દિવસ બિગ બી ફેન્સ માટે બહુ મહત્ત્વનો હતો, કારણકે એ દિવસે અમિતાભ દાદા-જયાદાદીનાં લગ્નજીવનના એકાવન વરસ પુરાં થયાં. આ એકાવન વરસના દામ્પત્ય જીવન દરમિયાન ઘરમાં બિગ બીની દાદાગિરી ચાલતી હોવાના અનેક પ્રસંગના દસ્તાવેજી પુરાવા ય ઉપલબ્ધ છે, પરંતુ એકાવનનો આંકડો અપનેઆપમાં એક માઈલસ્ટોન છે. એ ય હકીકત છે કે નાના-મોટાં ઉતાર-ચઢાવ બાદ કરો તો બચ્ચન દંપતી વચ્ચે અભિમાન’ ફિલ્મ જેવું કશું ઘટિત થયું નથી એટલે પણ ૩ જૂન, ૧૯૭૩ના દિવસે બચ્ચન દંપતીના વિવાહને ફાસ્ટ ફોરવર્ડ શૈલીમાં રિવાઈઝડ કરવામાં વાંધો નથી.
બંસી-બિરજુ’ અને એક નઝર’ ફિલ્મની નાકામિયાબી પછી અમિતજી-જયાજીની જંજિર’ ફિલ્મ સફળ થઈ એટલે તેની ઉજવણી વાસ્તે એ બન્ને પરદેશ જવા માંગતા હતા, પરંતુ પરણ્યા વગર અમિત-જયા વિદેશ જાય એ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચનજીને મંજૂર નહોતું. આ કારણે જ અમિતજી-જયાજીના લગ્ન તાબડતોબ ગોઠવાયા. ૨૦૨૪નાં તો અમિતજી જૂહુમાં જનક- જલસા-વત્સ અને પ્રતીક્ષા જેવાં ચાર બંગલા વત્તા બે વૈભવી ફ્લેટના પણ માલિક છે. જોકે, ૧૯૭૩માં એ બધા જૂહુનાં મંગલ’ અપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા હતા. જાન લઈને એ બધા મલબાર હિલમાં આવેલા સ્કાયલાર્ક અપાર્ટમેન્ટમાં ગયા હતા પોતાની પોંટીએફ કારમાં જયા ભાદુરીનો પરિવાર ત્યાં રહેતો હતો.
કારમાં અમિતજી સાથે બાળપણના ભેરૂ સંજય ગાંધી પણ હતા. બડે બચ્ચનજી તરફથી લગ્નમાં ધર્મધીર ભારતી, પુષ્પા ભારતીજી, ભગવતીચરણ શર્મા, નરેન્દ્ર શર્મા જેવા સાહિત્યકારો હતા તો જયાજીના પક્ષે જાનૈયાને આવકારવા (કોમેડિયન) અસરાની ખડેપગે હતા. જયાજીએ ગુલઝારને રાખી-ભાઈ બનાવ્યા છે એટલે એ પણ પોતાની નવપરિણીત દુલ્હન રાખી સાથે ઉપસ્થિત હતા. બધાને ખબર છે તેમ હરિવંશરાયજીને માત્ર બે પુત્ર (અમિતાભ-અજિતાભ) છે એટલે શુકનનું તિલક કરવા તેમ જ સાફો પહેરાવવા માટે બચ્ચન બંધુઓની માનેલી બહેન નીરજા ખેતાન હાજર હતાં . એ પછી સોનિયા ગાંધી પણ અમિતાભ બચ્ચનના રાખી સિસ્ટર તરીકે અંગતજન બન્યાં હતા.
જયાજીનાં દાદી લગ્નની વિધિ દરમિયાન શંખ વગાડતા હતા તો જયાજીની નાની બહેન નીતા ભાદુરી સતત મોટી બહેનની કાળજી લેતી હતી. ઉત્સાહ અને કાળજી લેવામાં જયાજી ફેરા ફરતા હતા ત્યારે નીતા ભાદુરી પણ જાજરમાન વસ્ત્રો સંકોરીને એમની સાથે ફેરા ફરતા હતા. એ જોઈને તેજી બચ્ચનજીએ કરેલી હળવી ટકોર પર બધા હસી પડેલા. એમણે કહેલું: અરે પગલી, આ રીતે સાથે ફેરા લઈ લઈશ તો અમિતનો તારા પર પણ અધિકાર થઈ જશે…! ’
અમિતાભ-જયાજીના લગ્નની આવી બારિક વાતો આપણને એટલે જાણવા મળી (અને ગ્રંથસ્થ પણ થઈ) કારણ કે એ લગ્નમાં સિધ્ધહસ્ત લેખિકા પુષ્પા ભારતીજી પણ ઉપસ્થિત હતા, પરંતુ શ્ર્વેતા બચ્ચન કે અભિષેક બચ્ચનના લગ્નની આવી દિલકશ વાતો કદાચ, ક્યારેય સામે નહીં આવે, કારણ કે અમિતાભે પોતાના પુત્ર-પુત્રીના લગ્નમાં બહુ સિલેકટીવ-ચુનંદા લોકોને જ બોલાવ્યા હતા. એ લગ્નમાં એવા લોકો વધુ હતા કે જે કોઈ લખવાની વૃત્તિવાળું નહીં હોય એટલે આપણે મીડિયામાં પ્રગટ થયેલી વાતો અને ફોટોગ્રાફસથી જ મન મનાવી લેવું પડે.
અત્યારે ચર્ચાએ ચઢેલા અભિષેક બચ્ચનના લગ્ન ઐશ્ર્વર્યા સાથે થયા ત્યારે અનેક સેલિબ્રિટીને આઘાત લાગ્યો હતો કે બચ્ચનજીએ એમને લગ્નનું આમંત્રણ જ પાઠવ્યું નહોતું. મોટા માણસના લગ્નમાં આવું તો થતું રહે, પરંતુ એ લગ્નની એક ખાટી યાદ તો ચોપડે નોંધાઈ જ ગઈ છે.
અભિષેક-ઐશ્ર્વર્યાના લગ્નમાં જેમને આમંત્રણ નહોતું આપી શકાયું એમને બચ્ચનજીએ પછી મીઠાઈના બોક્સ મોકલ્યા હતા. આ રીતે પુત્રના લગ્નની ખુશાલી એમણે વહેંચેલી, પણ શત્રુઘ્ન સિંહાએ આ મીઠાઈ પાછી મોકલી દીધી હતી એ સમાચાર ખાસ્સા ચમકયા હતા.
શત્રુઘ્ન સિંહા અને અમિતાભ બચ્ચન વચ્ચે આમ પણ ઝાઝો મનમેળ નથી. શોટગન સિંહા તો જરા આકરા બોલા અને ઈગોસ્ટિક તરીકે જાણીતાય છે એટલે અનેક લોકોને મીઠાઈ પાછી મોકલવામાં શત્રુઘ્ન સિંહાની અકોણાઈ વધુ લાગી હતી, પણ…
વાસ્તવિકતા એ હતી કે અભિષેક-ઐશ્ર્વર્યાના લગ્ન થયા ત્યારે બચ્ચન-સિંહા વચ્ચે કોલ્ડવોર ચાલતી હતી અને તેમાં શત્રુઘ્ન સિંહાનું બડબોલાપણું જ વધુ જવાબદાર હશે એમ માનવું રહ્યું, કારણ કે મીઠાઈ પાછી મોકલવા વિશે પણ શત્રુઘ્ન સિંહાએ બેબાક તરીકાથી કહેલું કે, મને લગ્નના ઈન્વિટેશન માટે ખરાબ નથી લાગ્યું. આમપણ, મને કોઈની શાદીમાં જવાનો ભડભડિયો નથી. મારું ચાલતું હોત તો હું ખુદની શાદીમાં પણ ન જાત પણ ખેર, અમિતાભ મીઠાઈની બદલે એક ફોનતો કરી જ શકતા હતા! ’
૨૦૦૭ના એપ્રિલ-મે મહિનાની આ વાત છે, પણ તમે ગુલશન ગ્રોવરની બાયોગ્રાફી બેડમેન’ વાંચો તો ખબર પડે કે ૨૦૧૫માં શત્રુઘ્ન સિંહાના ટવિન્સ લવ-કુશમાંના કુશના લગ્ન લંડનની એનઆરઆઈ તરૂણા અગ્રવાલ સાથે થયા તેના રિસેપ્શનમાં બચ્ચન દંપતીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મજા તો એ કે અમિતજી પણ સજોડે અને આદતવશ વહેલાં રિસેપ્શનમાં પહોંચી ગયા હતા.
બચ્ચન દંપતીને વહેલાં (એટલે કે સમયસર) આવેલા જોઈને પૂનમ સિંહા તો તૈયાર થવાનું પડતું મૂકીને દોડી આવ્યાં હતાં .
એ રિસેપ્શનમાં જેવો બિીગ બીનો સામનો શત્રુઘ્ન સાથે થયો ત્યારે શોટગન સિંહાએ એમને આવકારતાં કહેલું કે, અમિત, આ ફિલ્મનું શૂટિંગ નથી કે તું આટલો જલ્દી આવી ગયો!’
જવાબમાં બીગ બી: સોનુ, તુમ સે ભી ઉમ્મીદ નહીં થી કિ તુમ ઈતની જલદી આઓગે!’