લાડકીસ્પેશિયલ ફિચર્સ

મા-દીકરી પામી સાચી ” સદગતિ “

નીલા સંઘવી

શાંતામાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, પણ જીવ જતો નથી. ડૉકટર કહે છે,
‘માડીનો જીવ ક્યાંક કોઈ ચીજમાં કે કોઈક વ્યક્તિમાં અટકેલો છે.’ ડોક્ટરની વાત સાંભળીને હંસા
સમજી ગઈ :

‘માને મારી ચિંતા છે. માનો જીવ મારામાં છે. મા હતી તો હું થોડી સચવાઈ રહેતી હતી. જોકે હું સચવાઉં એના કરતાં મા જ સચવાતી હતી, પણ એ બે આંખની શરમથી માની સામે ભાઈ-ભાભી થોડા તો થોડા પણ નરમ રહેતા. મા તો વર્ષોથી અપંગ થઈ ગઈ હતી. માને ઘૂંટણની તકલીફ હતી. લાઈટ અપાવી પણ કાંઈ ફેર ન પડ્યો. માના પગ કામ કરતા બંધ થઈ ગયા એટલે માની સારસંભાળ લેવાની જવાબદારી મારા પર આવી પડી. મોટી બહેનના લગ્ન થઈ ગયા હતા. નાનો ભાઈ હજુ ભણતો હતો. મા તો ઊભી જ થઈ શકતી ન હતી. ઘરમાં ઘસડાઈ ઘસડાઈને ચાલતી હતી. એટલે બધું જ મારે કરવું પડતું હતું – ઘરનું કામ, લાવવું મૂકવું….પણ માને મારી ચિંતા શા માટે હતી તે હજુ મેં તમને જણાવ્યું જ નથી ખરું ને?

‘હું એક વર્ષની હતી ત્યારે બહુ જ તાવ આવ્યો અને તેમાંથી પોલિયો થઈ ગયો. હું બેસી પણ શકતી ન હતી. મને બેસાડવાની કોશિશ કરી ત્યારે બધાંને ખબર પડી. તે વખતે સંયુક્ત પરિવાર હતો. કાકા-કાકી વગેરે બધાંને સમજાઈ ગયું કે કાંઈક તકલીફ છે. ડૉકટરે કહ્યું પોલિયો થઈ ગયો છે. મારી મા બિચારી મને તેડી તેડીને છેક હાજીઅલી લઈ જતી. ખિસ્સામાં પૈસા હોય નહીં તેથી ધોમધખતા તાપમાં મને તેડીને બિચારીએ ચાલીને જ જવું પડે. માએ ખૂબ કષ્ટ સહન કર્યાં મારી માટે. તેથી અત્યારે જ્યારે તે છેલ્લા શ્ર્વાસ ગણી રહી છે ત્યારે તેને સ્વાભાવિક રીતે જ મારી ચિંતા હોય. માની બે વર્ષની તપસ્યા પછી હું ચાલતી થઈ ગઈ. મને પોલિયો છે તેવું નિદાન થયેલું, પણ હકીકતમાં એ પોલિયો નહીં, નાનપણમાં થયેલો પેરાલિસિસ હતો. હાલતી ચાલતી થઈ ગયેલી, પણ માની બીમારીને કારણે મારા માથે બહુ બધું કામ કરવાનું આવ્યું , જેના કારણે મારી તબિયત બગડી. રોગ વકરતો ચાલ્યો. તેવામાં ભાઈના લગ્ન થયા. ભાભીને હું ને મારી મા કણાંની જેમ ખૂંચતા હતા, પણ માને કારણે એ કાંઈ બોલી શકતા ન હતા તે મા જાણતી હતી. તેથી જ માને મારી બહુ જ ચિંતા હતી. માનો જીવ મારામાં અટકેલો હતો. મેં ડૉકટરને કહ્યું, ‘સાહેબ, કદાચ માને મારી ચિંતા છે.’ ડૉકટરે ભાઈની સામે
જોયું. મારા ભાઈએ માથું હલાવ્યું અને મા
પાસે જઈને બેઠો પછી માના કાન પાસે મોઢું લઈ જઈને બોલ્યો, ‘મા, હંસાની ચિંતા કરીશ નહીં. હું છું ને એનો ભાઈ…. મારી બહેનને જીવનભર સાચવી લઈશ. મા, તું શાંતિથી જા. તારી સદગતિ કર મા.’

ભાઈના આવા શબ્દો સાંભળીને માએ આંખ મીંચી દીધી. મને બરાબર યાદ છે. માના ચહેરા પર સંતોષના ભાવ હતા. મા તો ગઈ અને શરૂ થઈ મારી કરુણ કહાણી.’ આંખમાં આંસુ સાથે હંસા કહે છે.

પહેલાં પણ ઘરમાં હું બધું કામ કરતી હતી, પરંતુ હું પરિવારની વ્યક્તિ હતી. હું એક દીકરી હતી, એક બહેન હતી. માના સ્વર્ગસ્થ થયા બાદ પહેલાં કરતા પણ વધારે કામ હું કરતી હતી. ઘરનું બધું જ કામ – રસોઈ, ઝાડુપોતા, વાસણ, કપડાં બધું જ. બહારથી લાવવા મૂકવાનું કામ પણ હું જ કરતી હતી. ભાભીને તો મજા જ પડી ગઈ હતી. તે ફરતી રહેતી, કિટી પાર્ટીમાં જતી અને ઘરે હોય ત્યારે સૂઈ રહેતી. આટલું બધું કરવા છતાં આભારનો એક શબ્દ નહીં અને મારી સાથે નોકરાણી જેવું વર્તન.. પણ હું શું કરું? મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. આટલા ઢસરડા અને સ્ટ્રેસને કારણે જૂના રોગે ઊથલો માર્યો. મારી તબિયત લથડવા લાગી.

હવે હું વધારે કામ કરી શકતી ન હતી. હું અશકત થતી ચાલી. ધીમે ધીમે એવી સ્થિતિ આવી કે હું ફકત રસોઈ કરી શકતી હતી તે પણ નીચે બેસીને. મારી ભાભી મને ગેસ નીચે મૂકી દેતી હતી અને હું બેઠાં બેઠાં રસોઈ કરી દેતી હતી. ધીરે ધીરે મારા હાથના આંગળા પણ વાંકા વળવા માંડ્યા. આંગળામાં ગ્રીપ ન રહેવાને કારણે એક વાર તપેલું હાથમાંથી પડી ગયું અને બધું શાક ઢોળાઈ ગયું અને મારી ભાભીએ જે બૂમાબૂમ કરી છે કે ન પૂછો વાત. રાતે ભાઈ ઘરે આવ્યો ત્યારે મારી ફરિયાદ કરી કે, ‘તારી બેનને જરાય કામ કરવાનું ગમતું નથી. એને કામ કરવું નથી એટલે નાટક કરે છે. ‘ભાઈ થાકયો પાકયો આવ્યો હતો. ગુસ્સામાં આવીને મને બે તમાચા ચોડી દીધાં.

હું રડી પડી અને બોલી, ‘ભાઈ તેં તો મને સાચવવાનું માને વચન આપ્યું હતું અને આજે તું મને મારે છે? મારી આવી સ્થિતિમાં મારી સારવાર કરવાનું તો દૂર રહ્યું ઉપરથી કામની અપેક્ષા રાખે છે.’ ભાઈ કાંઈ ન બોલ્યો. ભાભીનો ત્રાસ વધતો ચાલ્યો. ….હું ડિપ્રેશનમાં આવી ગઈ. હવે મારે ચાલવા માટે વોકરની જરૂર પડતી હતી. હાથની ગ્રીપ પણ છૂટી ગઈ હતી. ખરાબ સ્થિતિ હતી. મારા બનેવી મને અહીં વૃદ્ધાશ્રમમાં લઈ આવ્યા, પણ હજું હું ૫૮ વર્ષની થઈ નહોતી. તેથી એ લોકોએ કહ્યું કે અમે રાખી ન શકીએ. મારા બનેવીએ બધી હકીકત રજૂ કરી.

અહીંના ટ્રસ્ટીઓને પણ મારી દયા આવી અને સ્પેશ્યલ કેસ તરીકે મને અહીં રાખી લીધી. ત્રણ વર્ષથી હું અહીં રહું છું. ચા-નાસ્તો, બંને ટાઈમ સરસ – સાત્વિક ખોરાક, રાતના દૂધ – ફ્રૂટ અને ડૉકટરની સારવાર મળવાને કારણે મને હવે ઘણું સારું છે. મારી બધી સગવડ સચવાય છે. અહીં મંદિરમાં અમે સાંજે સત્સંગ કરીએ છે. મને વાંચવાનો શોખ છે. સારા પુસ્તકોનું વાંચન કરું છું, આરામ કરું છું, સમયસર દવા લઉં છું. મારે કાંઈ જોઈતું હોય તો અહીંથી જે કોઈ માર્કેટમાં જાય એ લાવી આપે છે.

નાનપણથી નહાઈને તરત ભગવદ્ ગીતાનો ૧૨મો અને ૧૫મો અધ્યાય વાંચવાની આદત છે, જેના કારણે મારા જીવનમાં ઘણો ફરક પડ્યો છે. પહેલાં તો વજન પણ બહુ વધી ગયું હતું પણ હવે ૧૬ કલાક ફાસ્ટિંગ કરું છું તેના કારણે વજન ઘટાડી શકી છું….સાચું કહું : મારી માની સાથે હવે મારી પણ સાચી સદગતિ થઈ છે..!’

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button