તરોતાઝાસ્પેશિયલ ફિચર્સ

હટીને લખવા કરતાં લખવામાંથી હટી જા…!

હે મારી પ્રિય વાચક મંડળી, ગયા મંગળવારે મારા પ્રથમ લેખથી જેવું કોલમનું મંગળચરણ થયું ને મેં પરિવારમાં ડિકલેર કર્યું : ‘સાલા, મૈ તો લેખક બન ગયા ! ’ ત્યારે મને થયું કે આ શુભારંભથી પરિવારમાં ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી’ જેવો આનંદ ચારે દિશામાં છવાઈ જશે . લોકો કદાચ મને ન આવકારે પણ મારા લેખને જરૂર આવકારશે અભિનંદન અને શુભેચ્છાના મેસેજથી મારો મોબાઈલ ફાટું ફાટું થઈ જશે . બે -ચાર લેખ પછી મારી લેખનકલાનો ચંદ્ર સોળે કળાએ નઇ પણ બત્રીસ કે ચોસઠ કળાએ ખીલી ઉઠશે એવી આશા ને અપેક્ષા બંધાઈ ત્યારે સ્મરણ ન રહ્યું કે બકા, અપેક્ષા જીવાડે છે ને ઉપેક્ષા જ વિતાડે છે. આ રોગ ક્યાં કોઈ જલ્દી મટાડે છે. અપેક્ષા ન ફળે તો દરેક જણ મોં બગાડે છે એ વાત હું જ ભૂલી ગયો કે રોજની રમત રામ રમાડે છે ને એવું જ થયું . મારા લેખક બનવાથી મારા ઘરનું વાતાવરણ હારેલી કૉંગ્રેસ જેવું થઈ ગયું . દરેક સભ્યના ચહેરા હારેલા ઉમેદવાર જેવા થઇ ગયા. અરે, ખુદના એકના એક સગ્ગા બાપુજી નામે જયંતીલાલે જ વિરોધનો શુભારંભ કર્યો . સનમાઇકા જેવી ટાલ પર ખીરું પાથરો તો રવા ઢોસોં તૈયાર થઇ જાય એવી ખોપરી ગરમ થઇ ગઈ ને સંસદમાં પપુ તીરછી નજરે મોદીને જોતો હોય એમ મને જોઈને ચિતા પર સૂતેલી લાશ પણ બેઠી થઇ જાય એવી પ્રચંડ ત્રાડ પાડી:

હે મૂર્ખ સુઉઉઉભાઆષ…
ડોબા,ડફોળ, ગમાર,બુદ્ધિના બળદિયા, અક્કલમઠ્ઠા ….આ તે શું મોડ્યું છે?’

‘મે?’ હું સો ગ્રામ ચમક્યો : ‘ડિયર ફાધર,વાઈફ સાથે માંડ માંડ ને માંડુ માંડુ ઘર માંડ્યુ પછી તમે મને ક્યો કંઇ માંડવા દીધું છે અને તમે ….. ’

‘અરે ચૂપ, પરિવારનું નામ બોળવા બેઠો છે? સાલું મારા બાપુ ને તારા દાદાને ગુજરી ગયાનો આઘાત હજી શમ્યો નથી ને બે જ મહિનામાં તેં લેખક બની બીજો ખતરનાક આઘાત આપ્યો છે. તને લેખક બનવાનો વિચાર આવ્યો એ પહેલા તને બ્રેન હેમરાજ કેમ ન થયું ? ’

‘લોચો બાપુ, લોચો… હેમરાજ નઇ, હેમરેજ’ અરે , મારો વિચાર ને મારી જીભ છે ગમે તે બોલું તું શબ્દ નઇ
ભાવાર્થ પકડ. માઇન્ડ વેલ, શાસ્ત્રમાં પણ લખ્યું છે કે મરીને ભૂત બનવું સારું , પણ જીવતા લેખક બનવું એ
ઈશ્ર્વરનો શાપ છે !’ બાપુની ઉંધા લોયા જેવી ટાલ પર ઝાકળ જેવા પ્રશ્ર્વેતબિંદુ પ્રગટ થયા.

બકા, સમાજ ભલે બહાર હોય પણ સમજ તો આપણી અંદર છે. છોડી દે બેટા, હજી મોડું નથી થયું… લેખક બનવાની જીદ છોડી દે ! આપણી સત્તરસો પેઢીમાં કોઈએ લેખક તો શું, વાચક થવાનું સાહસ નથી કર્યું ને લેખક તો સદી પહેલા ડાયનોસરની જેમ લુપ્ત થઇ ગયા ને ત્રીસ પેઢીથી તો લેખક એટલે શું ?એ વળી કઈ વાડીનો મૂળો? એ શું કરે? એનું ભાન,ધ્યાન, કે જ્ઞાન જ નથી. ને તને પાસબૂક કે પેનનું ઢોકણું જડતું નથી ને તને આ અખબારમાં ‘મોજની ખોજ ’ લખવાની ખૂજલી ક્યાંથી ઊપડી?’

બાપુ ધમણની જેમ હાંફવા લાગ્યા. ‘કઉં છું બાપુ, કઉં છું તમને નઇ કઉં તો કોને કહીશ? તમે સંત ન થાઓ તો ચાલે પણ હમણાં શાંત થઇ જાઓ નઇતર તમને જ હેમરેજ થઇ જશે. શ્રાવણમાં કથા સાંભળ્યા પછી મને થયું કે હું વેદવ્યાસનું મહાભારત કે વાલ્મીકિનું રામાયણ ન લખું, કારણકે હું કોઇની કોપી ન કરું ને આમ પણ હું રામ કે કૃષ્ણને મળ્યો નથી ને જોયા પણ નથી, ફક્ત એટલી ખબર કે એ પત્થરમાંથી ઈશ્ર્વર બની મંદિરમાં બેઠા છે.. સોરી બેસાડ્યા છે. એથી વધુ કોઈ ગતાગમ નથી. હમણાં કવિ સુનિલ સોની બોલેલા શૂરાતન ચડે તો ફોજમાં રહેવું, વધી જાય ગરમી તો હોજમાં રહેવું,ફાવે નઇ ઘરમાં તો લોજમાં રહેવું , પણ મોજમાં તો હંમેશાં રહેવું! ’ પણ એ ‘મોજની ખોજ’ કરવા ‘મુંબઈ સમાચારે’ મને લેખક બનવાની તક આપી મારું તકદીર બદલવા માગે છે.’

‘અરે, તક ગઈ તેલ પીવા, તકદીર બદલતા કેટલી તકલીફ પડશે એનું ભાન છે?’

‘અરે બાપુ, હું એવું લખીશ કે પરિવારનો ઇતિહાસ બદલાઈ જશે ને પરિવારમાં એક દિવસ સોનાનો સૂરજ ઊગશે. ના, બકા… ઇતિહાસ કે ભૂગોળ કશું બદલવું નથી અને સોનાનો તો શું પ્લાસ્ટિકનો સૂરજ પણ નઇ ઊગે’

‘અરે, મારા લેખ તો ઈશ્ર્વરને પણ વાચવાનું મન થશે’

‘અરે ગગા, જે ઈશ્ર્વર આપણા ચહેરાની મજબૂરી નથી વાચતો એ તારો લેખ તંબુરામાંથી વાચશે?!’

‘તમે તો બાપુ છો કે દુશ્મન ?પ્રોત્સાહન આપવાને બદલે વિરોધ,વિરોધ ,ને વિરોધ મગજ તો મારે ચલાવવાનું છે તમારે તો પેટ્રોલ ડિઝલના ભાવની જેમ આગળ વધો એવા આશીર્વાદ આપવાના છે એમાંય કંજુસાઈ? બીજા કોઈ બાપુજી હોય, ને આશીર્વાદની સગવડ ન હોય તો ઉછીના લઈને પણ આપે, મને એમ કે લેખક બનીશ તો મારા પરિવારનું મન મોર બની થનગાટ કરશે’, પણ અહીં તો બધાનું મન કાગડો બની કકળાટ કરે છે. .તમે બાપુ તરીકે રાજીનામું આપો. મને આગળ વધવા પ્રોત્સાહન આપે એવા બાપુ શોધી લઇશ.’

‘તું દીકરા તરીકે ત્યાગ પત્ર આપી દે. અરે વહુ બેટા, સમજાવ તારા આ મૂઢમતિ પતિને !’

‘હે મારા માલવ પતિ મુંજ..’ વાઈફ પણ બાપુજી ની ગાડીમાં બેસી ગઈ :

‘કેટલીવાર કીધું કે પહેલા ઘરનો હિસાબ બરાબર લખો પછી લેખક . લગ્ન પહેલા મને ખબર ન હતી કે
લેખક બનવાનો દુર્ગુણ તમારામાં છુપાયો છે. મે તમને પતિ તરીકે સાચવ્યા ને પતિ જશો ત્યાં સુધી સાચવીશ… કેજેરીવાલના સમ,
બસ? ઇજજત એ લગ્ન પછીની સહિયારી મિલકત છે જે થોડી બચી છે એ જાળવો ને પાછા વળો. હજી મોડુ નથી થયું’
સોરી.. તું પણ જાણી લે મહાન લેખકની પત્ની બનવાનું દરેક સ્ત્રીના નસીબમાં નથી હોતું પણ તારું ભાગ્ય ખૂલી રહ્યું છે ને હું બધા કરતાં હટીને લખીશ કવિ નર્મદે પણ કીધું છે કે ‘ડગલું ભર્યું કે ન હટવું’ ત્યાં બાપા બરાડ્યા:

‘આપણે નર્મદ નથી ને નર્મદ તમારા મોટાભાઇ કે માસીના દીકરા પણ નથી. હટીને લખવા કરતાં લખવામાંથી હટી જા !’

‘મિત્રો, હવે આ લેખ લખવામાંથી હટી જાઉં છું, કારણકે મારી કોલમની જગા પૂરી…’
શું કહો છો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button