ભૂલથી પણ ન કરશો આ ભૂલઃ એર ટ્રાવેલના નિયમો જાણી લો, નહીંતર આ લોકોની જેમ થઈ જશો બ્લેક લિસ્ટ

બજેટ સત્ર ચાલી રહ્યું છે. સરકારે બજેટ રજૂ કર્યું છે અને નવા આવકવેરા બિલ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. દરમિયાન નાગરિક મંત્રાલયે છેલ્લા ત્રણ વર્ષમાં નો ફ્લાય લિસ્ટમાં મુકાયેલા લોકોની યાદી શેર કરી છે. આ વિશે જાણતા પહેલા આપણે નો ફ્લાય લિસ્ટ શું છે અને તેમાં કયા લોકોને સામેલ કરવામાં આવે છે તે વિશે જાણીએ.
નો ફ્લાય લિસ્ટઃ-
નો ફ્લાય લિસ્ટના નામ પરથી જ આપણે જાણી શકીએ છીએ કે એ એવી યાદી છે કે જેમાં નામ ધરાવતા લોકોને વિમાનમાં ઉડવાની પરવાનગી મળતી નથી. સરળ શબ્દોમાં કહીએ તો નો ફ્લાય લિસ્ટ એવી યાદી છે જેમાં એરલાઇન એવા લોકોને મૂકે છે જેઓ મુસાફરી દરમિયાન કોઈ ભૂલ કરે છે અથવા તો સ્ટાફ સાથે ગેરવર્તન કરે છે. તમે જાણતા જ હશો કે થોડા સમય પહેલા દારૂના નશામાં એક વ્યક્તિએ એક વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. આવા ગેરવર્તન કરતા લોકોને નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિનું નામ નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવે છે ત્યારે તે ચોક્કસ સમયગાળા માટે કોઈપણ વિમાની મુસાફરી કરી શકતો નથી.
Also read: ‘લાઈફલાઈન’ની દુવિધાઃ મુંબઈની લોકલમાં 25 ટકા લોકો ટિકિટ લીધા વિના કરે છે ટ્રાવેલ…
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર વર્ષ 2024માં નો ફ્લાય લિસ્ટમાં મુકાયેલા લોકોની કુલ સંખ્યા 82 હતી, જ્યારે વર્ષ 2023માં આ સંખ્યા 110 હતી અને વર્ષ 2022 માં આ સંખ્યા 63 હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય પ્રધાન મુરલીધર મોહોલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે મુસાફરોને ગેરવર્તણુક, ઝઘડા અને ક્રૂ પર હુમલો કરવા સહિતના કારણોસર નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવ્યા હતા.
નો ફ્લાય લિસ્ટમાં મૂકાયા પછી શું?:-
જ્યારે કોઈપણ વ્યક્તિને નો ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવે છે ત્યારે તેને આદેશ જારી થયાની તારીખ થી ૬૦ દિવસની અંદર મંત્રાલય દ્વારા રચાયેલી સમિતિ સમક્ષ અપીલ કરવાની તક મળે છે જેમાં તે પોતાનો પક્ષ રજુ કરી શકે છે.