મેટિનીસ્પેશિયલ ફિચર્સ

મહેફિલ- એ-મલ્ટિસ્ટારર

હેન્રી શાસ્ત્રી

હિન્દી ફિલ્મમાં ચોપડા બંધુઓની ‘વક્ત’થી કલાકારોના શંભુમેળાની હાજરીનો થયેલો પ્રારંભ ‘સિંઘમ અગેન’ સુધી અવિરત ચાલ્યો છે.

‘ઝાઝા હાથ રળિયામણા’ એ કહેવત કોઈ પણ ફિલ્મને લાગુ પડે છે, કારણ કે એક ફિલ્મ બનાવવા ઝાઝા નહીં, ઝાઝા ઝાઝા બધા હાથની હાજરી પડે છે. જોકે, કેટલાક ફિલ્મ મેકરોએ હીરો – હીરોઈનની પસંદગીમાં શંભુમેળાની હાજરીને મહત્ત્વ આપ્યું છે. આ પ્રયોગને સફળતા મળી છે- નિષ્ફળતાનો સામનો પણ કરવો પડ્યો છે. ફિલ્મ ઈતિહાસના અભ્યાસુઓનું માનવું છે કે બી. આર. ચોપડા નિર્મિત ‘વક્ત’થી ત્રણ કે તેથી વધુ હીરો લોકોને લઈ ફિલ્મ બનાવવાના દોરની વ્યવસ્થિત શરૂઆત થઈ. દિવાળીમાં રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેન’ રિલીઝ થઈ રહી છે જે મલ્ટિસ્ટારર હારમાળાનો નવો મણકો છે. આ ફિલ્મમાં અજય દેવગન, અક્ષય કુમાર, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, જેકી શ્રોફ, કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણ જેવાં હીરો – હીરોઈનનો કાફલો હાજર છે.

‘વક્ત’થી મલ્ટિસ્ટારર દોરની વ્યવસ્થિત શરૂઆત થઈ એ પહેલાં રિલીઝ થયેલી બે ફિલ્મનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, જે રૂઢ અર્થમાં મલ્ટીસ્ટારર નહોતી, પણ એ બે એવા વિશિષ્ટ પ્રયોગ સાબિત થયા જેનું પુનરાવર્તન ફરી થયું જ નહીં. પહેલી છે મેહબૂબ ખાન દિગ્દર્શિત ‘અનમોલ ઘડી’ (૧૯૪૬) જેમાં નૂરજહાં, સુરૈયા અને સુરેન્દ્ર હતાં. નૂરજહાં – સુરૈયાની આ એકમાત્ર હિન્દી ફિલ્મને જોરદાર સફળતા મળી હતી. ફિલ્મ રિલીઝ થયાના એક વર્ષ પછી નૂરજહાં પાકિસ્તાન ચાલ્યાં ગયાં અને સિનેરસિકો બે સિંગિંગ સ્ટારના પુનરાવર્તનથી વંચિત રહી ગયા. બીજી છે મેહબૂબ ખાનની જ અંદાઝ’ (૧૯૪૯). હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુવર્ણ દોરના ત્રણ મોટાં માથાં – ત્રણ બિગ સ્ટાર્સ દિલીપ કુમાર, રાજ કપૂર અને નરગિસને પ્રેમ ત્રિકોણની કથામાં ચમકાવવાનું સાહસ મેહબૂબ ખાને કર્યું. આ ફિલ્મને પણ જબરજસ્ત આવકાર મળ્યો અને ‘અંદાઝ’ પહેલા પગ જમાવવાની કોશિશ કરી રહેલા ત્રણેય કલાકાર બિગ સ્ટાર બની ગયા અને તેમને કે દિલીપ – રાજને સાથે લેવાનું નિર્માતાની આર્થિક પહોંચ બહાર નીકળી ગયું. પ્રસ્તુત છે કેટલીક મલ્ટિસ્ટારર ફિલ્મના ઉદાહરણ.

વક્ત (૧૯૬૫): બી. આર. ચોપડા નિર્મિત અને યશ ચોપડા દિગ્દર્શિત ખોવાયેલા – મળી ગયા ફોર્મ્યુલાની આ ફિલ્મની સફળતાએ મલ્ટિસ્ટારરના દરવાજા ખોલી આપ્યા. બલરાજ સાહની, સુનીલ દત્ત, રાજકુમાર, શશી કપૂર, સાધના, શર્મિલા ટાગોર જેવા અગ્રણી કલાકારોનો શંભુમેળો એકઠો કરી પ્રભાવી ફિલ્મ બનાવી શકાય એ યશ ચોપડાએ સિદ્ધ કર્યું. આ ફિલ્મ પછી વધુ મેકરોને મલ્ટિસ્ટારર ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી એ હકીકત છે.

કલ આજ ઔર કલ (૧૯૭૧): આર. કે. બેનરની આ ફિલ્મથી રણધીર કપૂરની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થઈ એ તો ખરું જ, પણ એથીય વિશેષ મહત્ત્વની વાત એ હતી કે પ્રખ્યાત કપૂર પરિવારની ત્રણ પેઢી આ ફિલ્મમાં સાથે જોવાનો લહાવો સિને રસિકોને મળ્યો. અંગત જીવનમાં દાદા (પૃથ્વીરાજ કપૂર), પિતા (રાજ કપૂર) અને પુત્ર (રણધીર કપૂર) ફિલ્મમાં પણ એ જ રીતે હાજર હતા. જોકે, ‘સલીમ કી મુહબ્બત તુમ્હે મરને નહીં દેગી ઔર હમ તુમ્હેં જીને નહીં દેંગે’ ડાયલોગ જેમની એક મહત્ત્વની ઓળખ હતી એ પાપાજી – પૃથ્વીરાજ કપૂરની આ અંતિમ ફિલ્મ સાબિત થઈ, કારણ કે એ રિલીઝ થઈ એના એક વર્ષ પછી એમનું અવસાન થયું હતું.

નાગિન (૧૯૭૬): રિલીઝ થતાની સાથે જ ભુલાઈ ગયેલી એક ફિલ્મ (કહાની હમ સબ કી) બનાવનારા રાજકુમાર કોહલીએ જબજસ્ત ડેરિંગ કરી મલ્ટિસ્ટારર બનાવવાનું બીડું ઝડપ્યું. મહિલા પ્રધાન ફિલ્મમાં કામ કરવા ટોચના સ્ટારને રાજી કરવો એ આજના સમયમાં પણ લોઢાના ચણા ચાવવા જેવું ભગીરથ કાર્ય છે. મિસ્ટર કોહલીએ તો લગભગ ૫૦ વર્ષ પહેલાં સુનીલ દત્ત, જિતેન્દ્ર, ફિરોઝ ખાન, સંજય ખાન, વિનોદ મેહરા અને કબીર બેદી જેવા નામી કલાકારોને નાગક્ધયા પર આધારિત ફિલ્મમાં રીના રોય સાથે કામ કરવા મનાવી લીધા એ બદલ એમને સલામ મારવી જોઈએ. એટલું જ નહીં, રાજકુમાર કોહલીએ મુમતાઝ, રેખા અને યોગિતા બાલીને સુધ્ધાં પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મમાં સમાવી લીધા. ૪ હીરો – ૪ હીરોઈન ધરાવતી આ ફિલ્મના દર્શકોએ રીતસરના ઓવારણાં લીધા અને વર્ષની આ સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ.

અમર -અકબર – એન્થની (૧૯૭૭): મસાલા ફિલ્મોના માસ્ટર મનમોહન દેસાઈની ‘અમર અકબર એન્થની’ને દર્શકોએ ગજબનાક વહાલ કર્યું. ઓલ ટાઈમ ક્લાસિક ફિલ્મ તરીકે સ્વીકારાયેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, રિશી કપૂર, પરવીન બાબી, નીતુ સિંહ અને શબાના આઝમી જેવા ક્રીમ કલાકારોનું મંડળ હાજર હતું. તર્કને કૂવામાં પધરાવી બનાવેલી આ ફિલ્મથી દર્શકોનું મનોરંજન તો થયું જ, પણ દરેક કલાકાર સિને રસિકોના સ્મરણમાં રહ્યો એ મનમોહન દેસાઈની કાબેલિયત હતી.

જાની દુશ્મન (૧૯૭૯): ‘નાગિન’ને મળેલી ફાંકડી સફળતાને પગલે નિર્માતા – દિગ્દર્શક રાજકુમાર કોહલીએ વધુ એક હોરર ફિલ્મ ‘નાગિન’ કરતાં મોટા કાફલા સાથે ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું. રાક્ષસની કથા ધરાવતી હોરર ફિલ્મમાં સુનીલ દત્ત, સંજીવ કુમાર, જિતેન્દ્ર, શત્રુઘ્ન સિન્હા, વિનોદ મેહરા, રીના રોય, રેખા, નીતુ સિંહ અને બિંદિયા ગોસ્વામી જેવા લોકપ્રિય કલાકારોને ભેગા કરી મિસ્ટર કોહલીએ બોક્સ ઓફિસ પર ફરી ઝળહળતી સફળતા મેળવી.

ધ બર્નિંગ ટ્રેન (૧૯૮૦): ‘વક્ત’ના નિર્માતા બી. આર. ચોપડાના પુત્ર રવિ ચોપડા મલ્ટિસ્ટારર બનાવાવમાં પિતાશ્રી કરતા એક ડગલું આગળ વધ્યા. ૧૯૭૦માં હોલીવૂડમાં ‘ડિઝાસ્ટર ફિલ્મો’ (આવી પડેલી કે આવનારી મોટી આપત્તિ કથાના કેન્દ્રમાં હોય એવી ફિલ્મો)ની બોલબાલા હતી. એમાંથી પ્રેરણા લઈ રવિ ચોપડાએ એક્શન થ્રિલર બનાવી. એમાં ધર્મેન્દ્ર, જિતેન્દ્ર, વિનોદ ખન્ના, વિનોદ મેહરા, હેમા માલિની, પરવીન બાબી, નીતુ સિંહ, નવીન નિશ્ર્ચલ જેવા કલાકારોનો
કાફલો ઊભો કરી દીધો. જોકે, ફિલ્મ મેકિંગની જરૂરિયાત અને નામી કલાકારોની હાજરીને કારણે બજેટ બહુ વધી ગયું. પરિણામે ફિલ્મ સફળ થવા છતાં જંગી કમાણી ન કરી શકી.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker