મનન : નિર્ગુણતા પણ એક ગુણ છે
હેમંત વાળા
અંધકાર પણ પ્રકાશની એક માત્રાની સ્થિતિ છે. બેસ્વાદપણું પણ એક પ્રકારનો સ્વાદ છે. ઠંડી પણ ગરમીની એક માત્રા છે. અધર્મ એ ધર્મનું ન્યૂનતમ સ્વરૂપ છે. શૂન્ય અને અનંત બંને એક રીતે જોતાં આંકડાથી સ્થાપિત થતી કોઈ સ્થિતિ છે. એમ જણાય છે કે વિરોધી જણાતી બાબતો એક જ પ્રકારના માપદંડથી સ્થાપિત થતી બે ભિન્ન સ્થિતિ છે.
એ પરિપ્રેક્ષ્યમાં નિર્ગુણતા પણ એક ગુણ છે, નિરાકાર પણ એક આકાર છે, અ-રૂપતા પણ રૂપની એક સ્થિતિ છે, અખંડ પણ એક અતિ વિસ્તૃત અને વિશાળ ‘ખંડ’ છે. અધ્યાત્મ પણ એક રીતે જોતાં દુન્યવી સ્થિતિ છે. સમય અને સ્થાનથી ‘પર’ની સ્થિતિ સમય અને સ્થાનના સંદર્ભમાં સ્થાપિત થતી હોય છે.
શું એમ કહી શકાય કે તિરસ્કાર પણ એક પ્રકારનો આદર છે. અસ્વીકૃતિ પણ એક પ્રકારની સ્વીકૃતિ છે. અન્યાય પણ એક પ્રકારનો ન્યાય છે. એક રીતે જોતા અનિયમિતતા પણ એક કક્ષાની નિયમિતતા છે. શું આળસ પણ એક પ્રકારનો પરિશ્રમ છે કે નહીં. શું અશાંતિ અને શાંતિને એક જ પ્રમાણથી જાણી શકાય. શું અસત્ય એ સત્યનું જ એક સ્વરૂપ છે -આ પ્રશ્ર્નો પણ ઊભા જ છે.
આશીર્વાદમાં પણ ક્યાંક મર્યાદિતતા છે અને શ્રાપ પણ સારી પરિસ્થિતિના સર્જન માટેનું કારણ બની શકે છે. જ્યારે બાહ્ય રક્ષણ મળે ત્યારે નબળાઈ ઊભી થઈ શકે અને વ્યક્તિ અરક્ષિત પણ થઈ જાય. સતત મળતી સહાયથી વ્યક્તિ પરતંત્ર થઈ શકે.
હકારાત્મક બાબત કાયમ માટે હકારાત્મક પરિણામ જ આપે તેની કોઈ ખાતરી નથી હોતી. નકારાત્મક બાબત ક્યારેય કાયમ માટે નકારાત્મક ન રહે, સમય પ્રમાણે બધું બદલાયા કરે. આ બદલાવ ઇચ્છનીય પણ છે અને જરૂરી પણ. આ બદલાવ આકસ્મિક પણ હોઈ શકે અને પ્રયોજિત પણ. આ બદલાવ સ્વાભાવિક પણ છે અને પ્રેરિત પણ.
જે દેખાય છે તેનાથી આગળ જોવાનું છે, જે સમજાય છે તેનાથી આગળ સમજવાનું છે, જે પ્રતીત થાય તેનાથી આગળ વધવાનું છે, જે અનુભૂતિ થાય તેમાં પ્રગતિ કરવાની છે, જે સત્ય સમજાય તેને પ્રગાઢ બનાવવાનું છે, જે આત્માની ઓળખ બંધાય ત્યાં જ સ્થિત થઈ જવાનું છે અને જ્યારે હુંની ઓળખ થઈ જાય ત્યારે ત્યાં જ ટકી રહેવાનું છે અને આ માટે તેનાથી વિપરીત સ્થિતિની સ્પષ્ટ સમજ હોવી જોઈએ.
એ સમજી લેવું પડે કે જે દેખાય છે તેમાં પણ સીમિતતા રહેલી હોય છે, જે સમજાય છે તેની સાથે બુદ્ધિની મર્યાદા જોડાયેલી હોય છે, જે અનુભૂતિ કે પ્રતીતિ થાય તે અંતિમ સ્થિતિ નહીં હોવાની સંભાવના હોય છે, સત્ય સમજાયા પછી પણ તેનાથી વિમુખ થઈ શકવાની પરિસ્થિતિ ઊભી થઈ શકતી હોય છે, આત્માની ઓળખ બંધાયા પછી પણ ક્યાંક દૃષ્ટિ બાહ્ય તરફ ઢળી જતી હોય છે, ‘હું’ની ઓળખ થઈ ગયા પછી પણ અસ્તિત્વ ક્યારે ‘મારું’માં વધારે સંલગ્ન થઈ જતું હોય છે. આમ ન થાય તે માટે, વિપરીત પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે, સ્થિરતા પામ્યા પછી ચલિત કે ભ્રષ્ટ ન થવાય તે માટે વિરોધી બાબતને સમાવેશીયતાથી સમજવી પડે.
નિર્ગુણતા અને સમજવા માટે ગુણ અને સગુણ બંને માટેની સમજ હોવી જોઈએ. સત્યને સમજવા માટે સત્યનો અસત્ય સાથેનો સંબંધ જાણવો પડે. અનંતતાને પામવા શૂન્યની ભૂમિકા સમજવી પડે. ઉદાહરણો ઘણાં આપી શકાય. મીઠાશને વ્યવસ્થિત સમજવા તીખાશની જાણકારી જરૂરી છે.
મિત્રતાની ઓળખ થાય તે માટે શત્રુતા વિશે પણ જ્ઞાન હોવું જોઈએ. પ્રપંચ કે કપટ શું છે તે સમજાય પછી નિર્દોષતા વધુ સારી રીતે સમજમાં આવે. અવિદ્યાની જાણ થતાં મુક્તિ માટે જરૂરી વિદ્યાનું મહત્ત્વ સમજાય. પ્રકૃતિ અને પુરુષ બંને એકસાથે સમજાવા જોઈએ. ગુણ અને નિર્ગુણની સમજ એકસાથે બંધાવી જોઈએ.
વિરોધી બાબતોનું એકસાથે અસ્તિત્વ હોવું – એ પ્રકારની સમજ હોવી તે આધ્યાત્મના ક્ષેત્રની સમજ માટે વિરલ ઘટના છે. આ વાત સમજાય પછી ગુણ અને નિર્ગુણ વચ્ચેનો ભેદ જ લુપ્ત થઈ જશે. જ્યારે નિવૃત્તિ અને પ્રવૃત્તિ માટે સમાન ભાવ જાગ્રત થાય, જ્યારે પ્રારંભ પણ અંત જણાય અને અંતમાં પ્રારંભની પ્રતીતિ થાય, જ્યારે દેવ અને દાનવ બંનેમાં સ્થિત રહેલ એક જ ‘કારણ’ જ્ઞાનમાં આવે, જ્યારે ‘હું’ અને અન્યનો ભેદ નાશ પામે, જ્યારે બધું જ એકરસ જણાય, જ્યારે સમગ્ર સૃષ્ટિમાં સમાવેશીય એકતા પ્રતીત થાય, જ્યારે સમગ્ર બ્રહ્માંડ એકસૂત્ર આધારિત જણાય, જ્યારે નામ રંગ રૂપ નો ભેદ સંપૂર્ણતામાં નાશ પામે, જ્યારે માત્ર એક અને એક માત્ર પરમ સુધી નજર પહોંચે ત્યારે કોઈ પણ પ્રકારના વિરોધી અસ્તિત્વનું અસ્તિત્વ જ ન રહે. પછી નિર્ગુણતા અને સગુણતા એક સમાન ભાસે.
આ પણ વાંચો…..હારની સાથે એમવીએ વિખેરાવા માંડીઃ પાંચ વિધાનસભ્યો પક્ષ છોડે તેવી શક્યતા
શબ્દોમાં લખવું સહેલું છે, પણ વિરોધી બાબતોને એકસમાન માની લેવી સહેલી નથી. સૌથી પહેલાં તો ઇન્દ્રિય વિરોધ કરશે. મન એ વિરોધમાં સાથ આપશે. તેના કારણે વિરોધ દૃઢ બનશે. મનની દૃઢતાને કારણે ક્યાંક બુદ્ધિમાં મૂઢતા જાગશે અને તેની યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થશે.
બુદ્ધિમાં સંયમ અને વિવેકની મર્યાદા બહાર કાર્યરત થવાની સંભાવના ઊભી થશે. તે વખતે ચિત્તમાં પડેલા સંસ્કાર જો જાગ્રત ન થાય અને અહંકાર અસ્તિત્વ પર હાવી થઈ જાય તો સત્ય ક્યારેય જાણમાં ન આવે. આનાથી વિપરીત સ્થિતિમાં નિર્ગુણતા પણ સગુણતાનું એક સ્વરૂપ જ પ્રતીત થાય.