વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

ભાત ભાત કે લોગ ઃ ઈશ્વર આવું જીવન કોઈ દુશ્મનને ય ન આપે!

જ્વલંત નાયક

‘જેન્ડર રિપેરિંગ’નો ભોગ બનેલો આ ડેવિડ રાઈમર કોઈ વાંક વિના આખી જિંદગી પીડાયો ને છેવટે…

થોડા સમયથી જેન્ડર આઈડેન્ટિટી વિષે એક નવી હવા ચાલી છે. એને લઈને અનેક પરંપરાગત વિચારો ધરમૂળથી બદલાઈ રહ્યા છે. આ બદલાવ સાચી દિશાનો છે કે પછી હજારો નિર્દોષ/નાદાન વ્યક્તિઓને ડિપ્રેશન સહિતની અનેક જીવલેણ પરિસ્થિતિ તરફ ધકેલનારો છે એ તો હવે આવનારો સમય જ કહેશે.

હજારો વર્ષોથી ચાલી આવેલા પરંપરાગત વિચારો કહે છે કે મુખ્યત્વે ત્રણ પ્રકારના જેન્ડર હોઈ શકે : સ્ત્રી – પુરુષ ને નાન્યતર. જોકે, હવે કેટલાક લોકો માને છે કે આ વિષય અત્યંત જટિલ છે. શારીરિક દૃષ્ટિએ સંપૂર્ણ પુરુષ હોય એવી વ્યક્તિ પણ માનસિક રીતે ‘સ્ત્રી’ હોઈ શકે છે. એથી વિરુદ્ધ કોઈ સંપૂર્ણ ગણાતી સ્ત્રી પણ માનસિક રીતે ‘પુરુષ’ હોઈ શકે છે.

જાતીયતાની આવી અટપટી વાતોને કારણે જેન્ડર એન્ડ સેક્સ્યુઆલીટીને લઈને ભારે ગૂંચવાડો પેદા થાય એમ છે. કેટલાક અતિઆધુનિકો તો વળી એવું ય ડહાપણ ડહોળે છે કે બાળકનો ઉછેર એક ‘જેન્ડર ન્યુટ્રલ’ પર્સનાલિટી તરીકે થવો જોઈએ. ધર્મની માફક જ જાતીયતા પણ બાળક પુખ્ત વયે પહોંચે પછી પોતાની મેળે નક્કી કરે એવી સમાજ વ્યવસ્થા હોવી જોઈએ એટલે કે તમારું બાળક શારીરિક રીતે ભલે સંપૂર્ણ તંદુરસ્ત હોય, પણ એ સ્ત્રી છે કે પુરુષ એ તમારે ધારી નહિ લેવાનું. એ પુખ્તવયે પહોંચે, એને દાઢી-મૂછ ઉગે અને પડોશમાં રહેતી ટીનએજર છોકરી એના થકી પ્રેગ્નન્ટ થઇ જાય એ પછી પણ જો તમારું સંતાન પોતે ‘સ્ત્રી’ હોવાનું જાહેર કરે તો તમારે એને સ્ત્રી જ માનવી!

ઇન શોર્ટ, આ આખો મામલો ભયંકર પેચીદો છે. એના કરતાં ય મહત્ત્વની વાત એ કે આ બધી નવરા લોકોની મગજમારી છે. સમાજમાં બહુ ઓછા લોકો એવા છે, જે ખરેખર-જેન્યુઈન જેન્ડર ક્રાઈસિસથી પીડાય છે. એટલે આ મામલે વધુ પડતા ‘જાગૃત’ થવાના ચક્કરમાં આપણે પેટ ચોળીને શૂળ ઊભું કરવાના ધંધા કરવા જેવા નથી.

એક વાર એક સાઈકિયાટ્રિસ્ટે આવો જ એક ધંધો આદરેલો, જેમાં બે આશાસ્પદ વ્યક્તિએ જીવ ગુમાવ્યા ઉપરાંત જીવતેજીવ જે માનસિક સંઘર્ષ અને યાતનાઓ વેઠ્યા, એ અલગ!
વાત છે કેનેડાના ડેવિડ રાઈમરની. આમ તો એનું જન્મ સમયનું સાચું નામ હતું બ્રુસ. માના પેટમાંથી બહાર આવતી વખતે એ આગળ હતો એ હિસાબે પોતાના જોડિયા ભાઈ બ્રાયનનો એ ‘મોટો ભાઈ’ ગણાય. ૧૯૬૫નું એ વર્ષ હતું અને મેડિકલ ટેકનોલોજી આજની સરખામણીએ બહુ વિકસેલી નહિ.

નસીબજોગે આ જોડિયા ભાઈઓને પેશાબની તકલીફ ઊભી થઇ. ઘણા મેલ ચાઈલ્ડમાં આવી તકલીફ જોવા મળે છે, જેમાં બાળક સરખી રીતે પેશાબ પાસ ન કરી શકતું હોય. ફીમોસિસ (ઙવશળજ્ઞતશત) તરીકે ઓળખાતી આ સ્થિતિમાં ડોક્ટર્સ ભશભિીળભશતશજ્ઞક્ષ એટલે કે સુન્નત કરાવવાની સલાહ આપતા હોય છે. બ્રુસ અને બ્રાયન સાત મહિનાના થયા ત્યારે એમની પણ સુન્નત કરવાની જરૂર ઊભી થઇ. આજે તો આ ઓપરેશન સાવ મામૂલી ગણાય, પણ એ વખતે ડૉકટરે એ સમયની પરંપરાગત પદ્ધતિને બદલે કંઈક નવી પદ્ધતિએ સુન્નતનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું. આ નવી પદ્ધતિ કઈ ખોટી નહોતી, પરંતુ ડૉક્ટરને એનો અનુભવ નહોતો એમાં મોટા પાયે કાચું કપાઈ ગયું! મોટા ભાઈ બ્રુસના ઓપરેશન દરમિયાન એનું શિશ્ર્ન ગંભીર રીતે બળીને નકામું થઇ ગયું! સાત મહિનાનું કમનસીબ બાળક પોતાનું શિશ્ર્ન ગુમાવી બેઠું, એ સાથે જ એક પુરુષ તરીકેના એના ભવિષ્ય સામે પ્રશ્ર્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું!

માતા-પિતા બિચારા કકળી ઉઠ્યા. નાના ભાઈ બ્રાયનની સુન્નત બીજા ડૉકટર પાસે સફળતાપૂર્વક કરાવી લીધી, પણ બ્રુસનું ભવિષ્ય શું, એ વિચાર રાઈમર દંપત્તી પરેશાન રહેવા લાગ્યું. બ્રુસે પોતાનું શિશ્ર્ન ભલે ગુમાવી દીધું, પણ પૌરુષ જેને આભારી હોય છે, એવા વૃષણ તો હતા જ. પ્રશ્ર્ન એ હતો કે શિશ્ર્ન વિના વૃષણ શું કામના? વૃષણને કારણે પુખ્તવયે પહોંચ્યા પછી બ્રુસના શરીરમાં મેલ હોર્મોન પેદા થવાના હતા, પણ એને ‘અભિવ્યક્ત’ કરવા માટે બ્રુસ પાસે કશું નહોતું!

કદાચ કોઈને આ પરિસ્થિતિમાં ડાર્ક હ્યુમર દેખાય, પણ આવી વ્યક્તિની પીડા અકથ્ય બની રહે છે. અને એટલે જ માતા- પિતા બ્રુસના ભવિષ્ય બાબતે ચિંતિત હતા. બ્રુસ બાવીસ મહિનાનો થયો, ત્યારે પિતા ટીવી પર એક કાર્યક્રમ જોઈ રહ્યા હતા, જેમાં ‘જેન્ડર રિપેરીંગ’ એટલે કે જાતીયતાને રિપેર કરીને-સમારકામ કરીને ‘નોર્મલ’ બનાવવાની વાત થતી હતી!

અહીં એન્ટ્રી પડે છે એ સમયના જાણીતા સેક્સોલોજીસ્ટ – સાઈકિયાટ્રિસ્ટ ડૉ. જ્હોન વિલિયમ મનીની. ડૉ. જ્હોન મનીનું માનવું હતું કે જો બે વર્ષની ઉંમર સુધીના બાળકમાં કોઈક જાતીય ગરબડ હોય તો એને ‘રિપેર’ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ બાળક નાન્યતર હોય તો ઓપરેશન દ્વારા એને ‘સ્ત્રી’માં ક્ધવર્ટ કરી શકાય છે અને એ પછી હોર્મોનલ ટ્રિટમેન્ટ દ્વારા એને એક નોર્મલ ગર્લ ચાઈલ્ડની જેમ જ ઉછેરી શકાય છે!

ટૂંકમાં કુદરત સાથે સીધી સ્પર્ધામાં ઊતરવાની વાત હતી આ! આમ છતાં, બ્રુસના પિતાને આ વાતમાં આશાનું કિરણ દેખાયું. એણે તરત બાલ્ટીમોરની જ્હોન હોપક્ધિસ હૉસ્પિટલમાં જઈને ડૉ. મનીનો સંપર્ક કર્યો. ડૉ. મની બ્રુસના ‘જેન્ડર રિપેરીંગ’નું કામ હાથમાં લીધું, જેને બ્રુસની જ નહિ પણ આખા રાઈમર પરિવારની જિંદગીને નર્ક બનાવી દીધી.

રાઈમર પરિવારને જે ટ્રીટમેન્ટમાં
આશાનું કિરણ દેખાયેલું એ ખરેખર તો નર્કનો દરવાજો ગણાય એવી હતી. માત્ર
બ્રુસ જ નહિ, એના નાના ભાઈ બ્રાયનની જીદંગી પણ આ સારવારને કારણે નર્ક બની ગઈ!
ડૉ. જ્હોન વિલિયમ મનીએ પોતાની જેન્ડર રિપેરિંગવાળી થિયરી સિદ્ધ કરવા માટે થઈને આ બંને બાળક તરુણવયે પહોંચ્યા ત્યાં સુધી જે કર્યું એને મેડિકલ હિસ્ટ્રીનું કાળું પ્રકરણ ગણવું પડે એમ છે. એની વાત આપણે કરીશું આવતા અઠવાડિયે….

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button