મેટિનીસ્પેશિયલ ફિચર્સ

પપ્પા, મગર જોવા લઈ જાવ મસ્ત રામની મસ્તી – મિલન ત્રિવેદી

બે દિવસમાં ગણપતિ ઉત્સવ પૂર્ણ થઈ જશે અમુક આયોજકોએ સફેદ ઉંદરોને ગણપતિ બાપા પાસે રાખ્યા છે. લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.એ આયોજક ધીરે ની વ્યવસ્થા છે પરંતુ અમુક નેતાઓએ પ્રજા માટે એવી વ્યવસ્થા કરી છે કે ધીમે ધીમે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ શહેરમાં ફરવા લાગ્યા છે .ગીરના સિંહ જૂનાગઢની સોસાયટીમાં આંટા મારે, મસમોટા અજગર રાજકોટના રહેણાક વિસ્તારમાં તો વડોદરામાં જાણે લોકો ભાખરવડી ખાવા માટે ફરતા હોય તેમ રસ્તા ઉપર મગર એન્ડ ફેમિલી આંટા મારતા દેખાયા. આ બાજુ અમારા પાડોશીના દીકરાએ છેલ્લા બે દિવસથી ઉપાડો લીધો છે-રોતો જાય ને એક જ વાક્ય બોલતો જાય: ‘પપ્પા, મગર જોવા લઈ જાવ!’. આવા બધા મુદ્દા વાયા ચુનિયા મારા લગી આવે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મુંબઈ જેવો ભારે વરસાદ પડ્યો અને સૌરાષ્ટ્ર -ગુજરાતવાળા ત્રાહિમામ પોકારી ગયા. અમારે તો મિલીમીટરથી ઉપર સેમી.માં વરસાદ જાય એટલે હારેલી ટીમના કેપ્ટન જેવું મોઢું થઈ જાય. પખવાડિયા પહેલાં તો ગુજરાતમાં ફૂટમાં વરસાદ પડ્યો.વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી એટલે મગરોનું મોસાળ. મગરોના મનમાં પણ શું થયું હશે કે મોજમાં આવીને શહેર આખામાં ચાલ શક્તિની પરાકાષ્ઠા સમા મોહરા પહેરેલા માણસોને જોવા નીકળી પડ્યા.

વિશ્વામિત્રીમાં નાહી ધોઈ અને શહેર આખામાં ફુલ પ્રૂફ પ્રમાણિક નેતાઓની કૃપાથી મગરો મોજથી શહેરમાં ફર્યા. એમાં પણ મીડિયાવાળા પણ મગર કોઈ દિવસ જોયા ન હોય તેમ ઝૂમ કરી કરી અને એકને એક મગરને ૫૦ વાર ૨૪ કલાક સુધી દેખાડ્યો. મગર પણ ટીવીમાં પોતાની સુંદરતા જોઈ અને બીજા મગરોને મોસાળમાંથી ફરવા બોલાવી લીધા . અને પછી તો ગુજરાતીમાં કહેવાય છે ને કે તમાસે કો તેડાં નહીં હોતા. જોકે મગર પણ બહુ કોપરેટિવ હતા. તેણે કોઈ માણસોને નુકસાન ન પહોંચાડ્યું અને નેતાઓ ઘરની બહાર નીકળ્યા નહોતા. ટીવીમાં મગર જોઈ અને કંજૂસ કડકા કુમુદ કાકાના દીકરાના દીકરાએ ઘર માથે લીધું કે મને આ બધા મગરો જોવા લઈ જાવ..’ છોકરાને સમજાવવા જ્યારે હું ગયો ત્યારે સાચી હકીકતની મને ખબર પડી કે કુમુદકાકા સાથે જૂની અને બારમો ચંદ્રમા અને ભૂતકાળમાં ‘ચોર કે ઘર મોર’ ની જેમ ચુનિયાને કુમુદકાકા ચાર -પાંચ વાર બાટલીમાં ઉતારી નુકસાન પહોંચાડી ચૂક્યા હતા. શાતિર ચુનિયો મોકાની રાહ જોતો હતો અને છોકરાના છોકરા એક ચોકલેટ ચગળીને પૂરી કરે ત્યાં સુધીમાં એવો સમજાવ્યો કે પ્રાણી સંગ્રહાલયમાં જે મગર હોય છે તે ખોટા હોય છે સાચા મગર અત્યારે વડોદરામાં છે.

એવું પણ સમજાવ્યું કે મગરને ખાવાના બિસ્કિટ સાથે લઈ જવાના તો મગરની સવારી કરવા મળે. ઘરના ચાર -પાંચ લોકો છોકરા સમજાવતા હતા.મગર જોવાની જિદ પકડેલો છોકરો માની જવાની તૈયારીમાં હતો ત્યાં ચુનિયો પાછો પહોંચી ગયો. ઉમેદવારી પત્ર પાછું ખેંચવા ગયેલા ઉમેદવારને રોકડા રૂપિયાની બેગ બતાડી ઝનુનથી લડવા માટે તૈયાર કરે તેવું કામ બીજી ચોકલેટે કર્યું. છોકરાએ રોતા રોતા ચુનિયાને પણ સાથે લેવાની જીદ કરી. કુમુદ કડકાએ સમજાવવાની બહુ કોશિશ કરી, પરંતુ માનતા ન હોય તે જલ્દી માને નહીં. બીજે દિવસ સવારે મગર જોવા જવાનું નક્કી થયું. ચુનિયાએ મને પણ ધરાર સાથે લીધો. બીજી બાજુ, મગરની દુનિયામાં પણ સમાચાર ફેલાઈ ગયા. એ બધાને ચુનિયાને જોવાની તાલાવેલી હતી. મગર સમાજમાં વાત ફેલાઈ ગઈ કે કાલે એક અજીબ પ્રાણી વડોદરામાં પ્રવેશ કરવાનું છે. મગરોની મીટિંગ ભરાઈ . વરિષ્ઠ મગરે હાથમાં માઈક પકડી અને આખી જિંદગીમાં કશુંક નવું જોવાની તક માટે શુભકામનાઓ પાઠવી, પરંતુ સાથે સાથે સચેત રહેવા પણ કહ્યું. દરેક મગરએ પોતાની મગરીને સાચવવી. મગર ક્ધયાઓએ ગારા કીચડમાં જ રહેવું.

નાહી- ધોઈ ખોટા મેકઅપ કરી ચુનિયા સામે ન જાવું. જુવાન મગર મગરીઓએ વરિષ્ઠ મગરને મોઢું મચકોડતા અણગમો વ્યક્ત કર્યો, કારણ કે જુવાન મગર- મગરીને ખુલ્લેઆમ કરવા માટે માંડ મોકો મળ્યો હતો. ચુનિયાએ જેમ વડોદરા ફરવા માટે છોકરાને ચડાવ્યો હતો તેમ મગર વર્લ્ડમાં પણ વડોદરા ફરી લેવાનો ઉમંગ હતો. કુમુદ કડકાના ઘરે મીટિંગ થઈ કે મગર જોયા પછી બીજું વડોદરામાં શું શું જોવા જવું? કુમુદે મફત જોવા જવાની જગ્યાઓનું લિસ્ટ બનાવ્યું. બીજી બાજુ જુવાન મગર ભેગા થઈ વડોદરામાં કઈ કઈ જગ્યાએ ફરવા જેવું છે અને કેટલું રોકાવું? વગેરે બાબતમાં ચર્ચામાં લાગ્યા. જુવાન મગરીઓ નવરાત્રી સુધી વડોદરામાં રોકાવાના પ્લાનમાં હતી. વડીલોએ પાણીઓસરતા જ ખાડાવાળા રોડ પર ચાલી ચાલીને થાકી જશો તેવી દલીલ કરતા જુવાર મગરીઓ અંબાલાલની આગાહીવાળું છાપું ક્યાંકથી ગોતી આવી. વડીલ મગરો ભેગા થઈ અને ચુનિયાને જોવાનાં પ્લાન બનાવવા લાગ્યા. સવારે ગેંડા સર્કલ ભેગા થઈ ગયા અને મગરોમાં ભાગાભાગી શરૂ થઈ.

ભૂલેચૂકે પણ જો પાણી ઓસરવાના ચાલુ થાય ને ચુનિયાની નજર પડી જાય ને પછી જો એને સવારી કરવાનું મન થાય તો મગરોની દુનિયામાં બેસણાં – ઉઠમણાં ચાલુ થઈ જાય. મગર પ્રમુખે તમામને નજીક બોલાવી અને ફરી મોસાળ તરફ ધકેલતા કહ્યું કે જીવતા રહીશું તો અઠવાડિયા પછી ફરી વડોદરા ફરવા લઈ આવીશ. ઘણી દલીલો થઈ કે અઠવાડિયા પછી વરસાદ થાય અને પાણી ન ભરાય તો ? પરંતુ પ્રમુખ મગરએ નેતાઓ ઉપર વિશ્વાસ જતાવતા તમામ મગરને વચન આપ્યું કે જ્યાં સુધી પક્ષ- વિપક્ષ રહેશે ત્યાં સુધી આપણો આવરો- જાવરો વડોદરા રહેશે. વિચારવાયુ: હવે ડાયનોસોર રહ્યા નથી, પરંતુ મગર અને ગેંડા વચ્ચે ચર્ચા ચાલી રહી હતી કે કોની ચામડી જાડી… પૂરપાટ ઝડપે એક નેતાની ગાડી નીકળી ને પેલા બંને મૌન થઈ ગયા…

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ