ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

માનસ મંથન : ગાંધીબાપુનાં વ્રતોમાંથી ને જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આપણી તપશ્ર્ચર્યા આત્મશુદ્ધિ માટે હોય

-મોરારિબાપુ

જે સાચા અર્થમાં મહાત્મા હોય છે તેઓ જાગૃતિપૂર્વક આપણી જેમ જીવતા હોય છે. અને એમાં ગાંધીબાપુ બહુ આગળ નીકળી ગયેલા મહાપુરુષ દેખાય છે. આપણી દ્રષ્ટિમાં તેઓ મહાત્મા છે પરંતુ એમણે પોતે ક્યારેય એવું નથી વિચાર્યું કે હું મહાત્મા છું. ક્યારેક કોઈ કવિ બોલે તો અન્યના આનંદ માટે કહેતા કે, હું મહાત્મા છું. બાકી તો તેઓ સામાન્ય સ્તર પર જ જીવતા. અને સામાન્ય બનીને જીવવું એ જ વ્યક્તિની મોટાઈ છે.

તો મેં ‘રામચરિતમાનસ’ના સાત કાંડમાં મહાત્માનાં જે લક્ષણો જોયાં છે એમાં ‘બાલકાંડ’માં હૃદયની આરપારતા એ મહાત્માનું એક લક્ષણ છે. હૃદયની વિશુદ્ધિ, જે એક મહાત્મામાં હોવી જોઈએ. ‘માનસ’નું ત્રીજું સોપાન છે, ‘અરણ્યકાંડ’. ગાંધીબાપુના સંદર્ભમાં એમાં મેં કહ્યું હતું કે તપસ્યા એ મહાત્માનું ત્રીજું લક્ષણ છે. ગાંધીજી એમની પ્રાર્થના સભાઓમાં એમ કહેતા કે મારે સવાસો વર્ષો સુધી જીવવું છે. મારે મરવું નથી, પરંતુ જે પ્રકારનું આજે વાતાવરણ જોઉં છું તો એમ થાય છે કે હું જીવી નહીં શકું !

સાહેબ, મહાત્માપણાનો જેને અનુભવ થયો હોય તે જ આમ કહી શકે. એમણે કહી રાખ્યું હતું કે મારી હત્યા થશે. અને જ્યારે હું મરું ત્યારે જો મારા મુખમાંથી ‘રામ’ નીકળે તો માનજો કે આ વ્યક્તિએ ઉપાસના કરી હતી, મેં સત્યની પૂજા કરી હતી.

‘રામચરિતમાનસ’ ના ‘અરણ્યકાંડ’માં તમને શબરીની તપસ્યા, જાનકીના વિરહમાં ભગવાન રામની તપસ્યા, રામનું દુ:ખ જોઇને લક્ષ્મણજીની તપસ્યા જોવા મળશે. આખો ‘અરણ્યકાંડ’ તપસ્યાથી ભરેલો છે.

મહાત્માની મારી વ્યાખ્યા છે કે તે તપસ્વી હોય. હું આપને નિવેદન કરું છું કે આ અર્થમાં ગાંધીબાપુને જુઓ. તપસ્યાના કેટલાયે આયામો છે. તપસ્યા ત્રણ સ્તર પર થતી હોય છે. માનસિક સ્તર પર, શારીરિક સ્તર પર અને વાચિક સ્તર પર. સૌથી સ્થૂળ તપસ્યા છે-શારીરિક સ્તર પર થતી તપસ્યા. એવી તપસ્યાને પણ વંદન છે. શારીરિક સ્તરની તપસ્યાનો મારો અર્થ છે કે કોઈ કારણવશ, કોઈ લક્ષ્યની સિદ્ધી માટે જે પોતાના શરીરને વધારે કષ્ટ આપે છે. ચાલો માની લીધું કે તપથી શુદ્ધિ મળે છે, પરંતુ કેટલાયે લોકો પોતાના શરીરને વધુ પડતું કષ્ટ આપે છે. અતિ શારીરિક તપસ્યા કરે. હું આલોચનામાં નહીં જાઉં, સૌની પોતાની શ્રદ્ધા હોય છે, નમન. હું એટલી પ્રાર્થના જરૂર કરું કે જે તપસ્યા તમારા મનની પ્રસન્નતા છીનવી લે તે ખરેખર તપસ્યા છે કે નહીં, તે પાક્કું કરજો. કસોટી પર ખરું કરજો. મેં જોયું છે કે અતિ તપસ્યા કરનારા ક્યારેય હસતા નથી, બહુ ગંભીર બની જાય છે. ચીડિયા સ્વભાવના થઇ જાય છે. આખો વખત ચીડ-ચીડ કરે છે. સાવ તળપદી બોલમાં કહીએ તો બોલાવ્યાએય નથી થતા. તપસ્યા હોવી જોઈએ, હું કબૂલ કરું, શારીરિક સ્તર પર હોવી જોઈએ, પરંતુ જે તપસ્યા માણસની પ્રસન્નતા છીનવે તેનો શો અર્થ? હું ફરી એક વાર ભગવાન જગદ્દગુરુ આદિ શંકરાચાર્યને યાદ કરું. એમણે કહ્યું હતું કે- પ્લધ્ણરુખટજ્ઞ ક્ષફપળટ્ટપ ડયૃણ જ્યાં સુધી ચિત્ત પ્રસન્ન નથી હોતું ત્યાં સુધી પરમાત્માના દર્શનનું દ્વાર નથી ખુલતું. ચૈતસિક પ્રસન્નતા પરમાત્માના દર્શનનું એક દ્વાર છે, એવું આચાર્યચરણ વિવેક ચુડામણીમાં ફરમાવે છે. તપસ્વી પ્રસન્ન ચિત્ત હોવો જોઈએ. તમે હદથી વધારે ઉપવાસ કરો…ઘણાં મને કહે કે મને ઓમકાર દેખાય છે. હું તેને કહું કે તને ઓમકાર નહીં, તારો અહંકાર દેખાય છે. પહેલાના સમયમાં ઘણા કઠિન શારીરિક તપ કરતાં. નદીના પ્રવાહમાં બેસી રહેતા, પ્રખર તાપમાં પોતાને શેકતા, કોઈ વળી ખીલા પર પોતાને સુવડાવતા, તો કોઈ કોડા મારતા, પરંતુ આ કળિયુગ છે, હદથી વધુ શરીરને સુખ પણ ન આપો અને હદથી વધુ દુ:ખ પણ ન આપો. ભગવાને ગીતામાં યુક્તાહાર પર બલ આપ્યું છે. ભગવાન કહે છે કે તમે જો વધુ ભૂખ્યા રહેશો તો તમારી અંદર બેઠેલો હું વધુ દુ:ખી થઈશ. તમે ઉપવાસ કરો, જરૂર કરો પણ હદથી વધુ નહીં. ખરેખર તો જેને આપણે પ્રેમ કરીએ છીએ તેના મનની વધુ નિકટ રહેવું તેનું નામ ઉપવાસ છે. આપણું નિરંતર હરિ સ્મરણ બની રહે તે ઉપવાસ છે.

વધુ પડતાં કષ્ટથી આત્માને કદાચ દુ:ખ ન થાય પરંતુ આત્મપીડન જરૂરી નથી. બાપ ! હું આપને કહી રહ્યો હતો કે જે પ્રસન્નતા ન દે તે તપસ્યાનું કોઈ મૂલ્ય નથી. પ્રસન્નતાના ભોગે કરવામાં આવતી તપસ્યાનું કોઈ મૂલ્ય નથી. લોકો મૌનવ્રત લે અને પછી આખા ઘર સામે રાત-દિન ગુસ્સો કરે. બીજી તપસ્યા છે માનસિક સ્તર પર. જીવનમાં જે પરિસ્થિતિ આવે તેને હરિઈચ્છા અથવા હરિકૃપા સમજી સહી લેવી, તે માનસિક તપ છે. ગાંધીબાપુ, હું જ્યાં સુધી સમજ્યો છું ત્યાં સુધી બીજાને પીડા આપવા તપ નહોતા કરતા. એમના ઉપવાસ આત્મશુદ્ધિ, આત્મશોધ માટેના હતા.

(સંકલન: જયદેવ માંકડ)

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button