મકર સંક્રાંતિ 2026: જાણો પુણ્યકાળનું મુહૂર્ત, ઇતિહાસ અને સૂર્યના ઉત્તરાયણ થવાનું ધાર્મિક મહત્વ

જ્યોતિષશાસ્ત્ર અને પંચાંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને શનિની માલિકીની મકર રાશિમાં ગોચર કરે છે, આને કારણે જ આ દિવસને મકર સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ ગતિ કરવાનું શરૂ કરે છે, જેને આપણે ‘ઉત્તરાયણ’ તરીકે ઓળખીએ છીએ.
આ વર્ષે ક્યારે ઉજવાશે મકર સંક્રાંતિ?
વર્ષ 2026માં મકર સંક્રાંતિની ઉજવણી 14મી જાન્યુઆરી, 2026ના બુધવારે કરવામાં આવશે. આ દિવસે ગ્રહોના રાજા ગણાતા સૂર્ય રાશિ પરિવર્તન કરશે. ગુજરાતમાં આ દિવસે પતંગબાજીનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે, જ્યારે અન્ય રાજ્યોમાં પણ વિવિધ નામ હેઠળ આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પવિત્ર સ્નાન અને દાનનું વિશેષ મહત્વ હોય છે.
મકર સંક્રાંતિનું ધાર્મિક અને ખગોળીય મહત્ત્વ
શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તરાયણના છ મહિના એ દેવતાઓનો દિવસ માનવામાં આવે છે અને દક્ષિણાયન એ દેવતાઓની રાત્રિ છે. પરિણામે આ સમયગાળામાં કરવામાં આવતા માંગલિક કાર્યો જેમ કે લગ્ન, જનોઈ, ગૃહપ્રવેશ વગેરે ખૂબ જ અત્યંત ફળદાયી હોય છે.
આ સિવાય મકર સંક્રાંતિ એક અદ્ભુત ખગોળીય ઘટના પણ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, આ દિવસથી પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં સૂર્યનો પ્રકાશ વધુ પડવા લાગે છે, જેના કારણે દિવસો લાંબા અને રાત ટૂંકી થવા લાગે છે. ઠંડી ધીમે ધીમે ઓછી થાય છે અને વસંતના આગમનની શરૂઆત થાય છે.
મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળ ખાવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. શિયાળાની ઠંડીમાં તલ અને ગોળ શરીરને જરૂરી ઉર્જા અને ગરમી પૂરી પાડે છે.
પૌરાણિક ઇતિહાસ અને કથાઓ
મકર સંક્રાંતિ સાથે અનેક પ્રાચીન માન્યતાઓ અને દંતકથાઓ જોડાયેલી છે એમાંથી જ કેટલીક દંતકથાઓ વિશે આપણે અહીં વાત કરીશું-
⦁ મકર સંક્રાંતિ સાથેની દંતકથાઓ વિશે વાત કરીએ તો મહાભારત કાળમાં ભીષ્મ પિતામહને ‘ઈચ્છા મૃત્યુ’નું વરદાન હતું. તેમણે રણમેદાનમાં શરશય્યા પર હોવા છતાં પોતાનો દેહ ત્યાગવા માટે સૂર્ય ઉત્તરાયણ થાય તેની રાહ જોઈ હતી અને એનું કારણ એવું હતું કે એવી સર્વ સાધારણ માન્યતા છે કે ઉત્તરાયણમાં મૃત્યુ પામનાર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

⦁ બીજી એક દંતકથા અનુસાર પ્રાચીન કાળમાં આ દિવસે જ રાજા ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈને ગંગાજી કપિલ મુનિના આશ્રમ પાસેથી પસાર થઈને સાગરમાં ભળ્યા હતા અને રાજા ભગીરથના પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. આને કારણે જ આ દિવસે ગંગા સાગર સ્નાનનું ભારે મહિમા છે.

⦁ ત્રીજી એક દંતકથા અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિદેવના પિતા હતા. કોઈ કારણ અનુસાર પિતા સૂર્ય અને પુત્ર શનિ વચ્ચે અણબનાવ હતો. પરંતુ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતે પોતાના પુત્ર શનિના ઘરે એટલે કે મકર રાશિમાં ગોચર કરે છે. આ જ કારણસર આ તહેવારને કડવાશ ભૂલીને સંબંધો સુધારવાનું પ્રતીક પણ માનવામાં આવે છે.

દાન અને પુણ્યનો મહિમા
શાસ્ત્રોમાં મકર સંક્રાંતિ પર દાન-પુણ્યનો ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલું દાન સો ગણું ફળ આપે છે. આ દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ગાયને ઘાસ ખવડાવવા સિવાય ખીચડી, તલ, ગોળ, ધાબળા અને નવા વસ્ત્રોનું પણ દાન ગરીબોને કરવું જોઈએ.



