મહાદેવની યુક્તિ, બંધન ને મુક્તિ!
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા
શિવની ઉપાસના કરવા માટેના શ્રેષ્ઠ મંત્રોમાં જેની ગણના થાય છે એ છે મહામૃત્યુંજય મંત્ર. આ મંત્ર જીવન મરણ અને બંધનમુક્તિની શ્રેષ્ઠ ફિલોસોફી સમજાવે છે.
એ સમજીએ એ પહેલાં આજે આ લખાઈ રહ્યું છે ત્યારે દરેક જગ્યાએ લોકો જાતભાતનાં બંધનો સાથે સંકળાઈ રહ્યા છે એ પણ જાણી લઈએ.
રાખડીના બંધન એ બંધન નથી પણ સ્નેહના અતૂટ બંધન છે. જે ભાઈ બહેનના પ્રેમની અભિવ્યક્તિ છે. આવાં ઘણાં બંધનો છે જે બંધનકારક નથી લાગતાં પણ કલ્યાણકારક લાગે છે . આજે બદલાવાતી જનોઈ પણ જ્ઞાન દ્વારા મનુષ્યને મુક્તિ આપવાનો કે મુક્તિ તરફ એક ડગલું આગળ વધવાનો જ કાર્યક્રમ છે. પૃથ્વી પર જનમતું શિશું નાસમજ હોય છે. અશિક્ષિત હોય છે. અશિસ્ત અને અજ્ઞાની હોય છે પરંતુ આ જ બાળક કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યારે એને શિક્ષણ અને જ્ઞાન આપવા યજ્ઞોપવિત વિધિ દ્વારા જનોઈના બંધનમાં બાંધવામાં આવે છે. આજકાલ જે તે શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ કે પછી કોર્પોરેટ ઓફિસમાં કામ કરતા તમામ કર્મચારીઓને ગળામાં ભરાવી રાખવા માટે આઈડેન્ટિટી કાર્ડ અપાય છે. જનોઈ પણ બાળકો હવે જ્ઞાન પ્રાપ્ત કરવા તૈયાર છે તેની ઓળખ આપતું એક આઈ કાર્ડ છે.
અંગ્રેજોની રિંગ સેરિમની હોય કે ભારતીયોની વીંટી મંગળસૂત્ર પહેરાવવાની વિધિ એ પણ લગ્નનું બંધન જ દર્શાવે છે. ત્રણ દિવસ અગાઉ વૈષ્ણવ સંપ્રદાયે પણ ગુરુજનોને – સ્નેહીજનોને પવિત્રા બાંધીને બારશ ઉજવી ..
હવે તમે એક વાત નોંધી?
આ બધા વિવિધ પ્રકારના બોન્ડિંગ કહેવાય છે બંધન , પણ કાચા સૂત્રના આ બંધન કોઈ લોખંડની બેડી કરતાંય પાકા અને છતાંય વેદના નહીં પણ મિુક્ત અપાવનારા રનેહના બંધન છે. વાત્સલ્યના બંધન છે. જ્ઞાન અને શિસ્તના બંધન છે. કર્મ અને ફરજના બંધન છે.
હિન્દી ફિલ્મ ‘દુશ્મન’ ના ગીતની એક કડી અત્રે યાદ આવે છે એ જાણવા અને માણવા જેવી છે.
‘ઝંઝીરો સે ભી પક્કે હૈ
પ્રેમ કે કચ્ચે ઘાગે,
ઈન ધાગો કે તોડ કે બંધન
કૈદી કૈસે ભાગે?’
અહીં પ્રેમની જગ્યાએ તમે જ્ઞાન, શિસ્ત, વાત્સલ્ય, કર્મ કે ફરજ જેવા શબ્દો પણ મૂકી શકો. આ બધા જ જીવનના એવાં બંધનો છે જે લોખંડ કરતા વધુ મજબૂત હોવા છતાં ઇજા ન પહોંચાડે તેવા કાચા સૂતર જેવા કોમળ છે. આ બંધન ગુલામી નહીં પણ મુક્તિ અપાવનારા બંધન છે.
આ જ રીતે સૃષ્ટિને બાંધનારા અને મુક્તિ આપનારા પૃથ્વીના દરેક જીવને બંધન અને મુક્તિનો અનુભવ કરાવતા મહાદેવને આપણે નિત્ય યાદ રાખવા જોઈએ.
મહા મૃત્યુંજય મંત્રના જાપ કરીને તમે પણ જીવન મૃત્યુના આ માયાવી બંધનને કલ્યાણકારી બનાવી શકો છો. આ મંત્ર છે.
ઓમ ત્ર્યબંકમ યજામહે
સુગંધિમ પુષ્ટિવર્ધનમૂ
ઉર્વારુકમિવ બંધનાન
મૃત્યોર્મોક્ષિય મામૃતાત !
હવે આ મંત્રનો અર્થ અને ફિલોસોફી સમજીએ
(ક્રમશ:)