ભગવાન વિષ્ણુએ તુલસી સાથે શા માટે લગ્ન કર્યા હતા? રાક્ષસ કુળમાં જન્મેલી વૃંદા બની તુલસી

કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને તુલસીના લગ્ન થાય છે. આ દિવસથી તમામ શુભ કાર્યો ફરી શરૂ થાય છે. ચાલો જાણીએ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે શા માટે લગ્ન કર્યા?
સનાતન ધર્મમાં તુલસીના છોડનું ઘણું મહત્વ છે. આ છોડ સાથે એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, ભગવાન વિષ્ણુ તુલસી વિના ભોગ સ્વીકારતા નથી. તેથી ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાનનો સમાવેશ કરવામાં આવે છે. એટલું જ નહીં ભગવાન વિષ્ણુના તુલસી સાથે વિવાહ પણ કરાવવામાં આવે છે. કારતક મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા સાથે તુલસીની પૂજા કરવામાં આવે તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. આ દિવસે લોકો પોતાના ઘર અને મંદિરોમાં ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ સાથે તુલસીના વિવાહ કરાવે છે.
Also read: કાર્તક પૂર્ણિમાના દિવસે શું કરવું જોઇએ – શું નહીં?
તુલસી તેના પૂર્વ જન્મમાં એક છોકરી હતી, જેનું નામ વૃંદા હતું. તેનો જન્મ રાક્ષસ કુળમાં થયો હતો. રાક્ષસ કુળમાં જન્મેલી વૃંદા બાળપણથી જ ભગવાન વિષ્ણુની ભક્ત હતી. જ્યારે તે મોટી થઈ ત્યારે રાક્ષસ કુળના રાક્ષસ રાજા જલંધર સાથે તેના લગ્ન થયા હતા. વૃંદા ખૂબ જ પતિવ્રતા સ્ત્રી હતી. તેની ભક્તિથી તેના પતિ પતિ જલંધર પણ એટલો શક્તિશાળી બન્યો હતો કે યુદ્ધમાં દેવતાઓ પણ તેને હરાવી શકતા નહોતા. જ્યારે પણ જલંધર યુદ્ધમાં જતો ત્યારે વૃંદા ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું શરૂ કરી દેતી. જેના કારણે ભગવાન વિષ્ણુ તેમની દરેક મનોકામના પૂર્ણ કરતા અને આમ જલંધર ત્યારેય નહોતો હારતો.
જલંધરના આતંકથી દેવતાઓ પણ પરેશાન થઇ ગયા હતા. તેનાથી રાહત મેળવવા માટે દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે જઈને વિનંતી કરી. દેવતાઓની વાત સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો. ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ ધારણ કરી વૃંદાના મહેલમાં પહોંચી ગયા. વંદાએ પતિને જોઇને તેમના ચરણ સ્પર્શ કર્યા, જેને કારણે વૃંદાનો પતિવ્રતા ધર્મ નાશ પામ્યો અને જલંધરની શક્તિ નબળી પડી. પછી યુદ્ધમાં મહાદેવે જલંધરનું મસ્તક તેના શરીરથી અલગ કરી નાખ્યું. જલંધરનું કપાયેલું માથું જ્યારે રાજમહેલમાં પડ્યું ત્યારે વૃંદાએ આશ્ચર્યથી ભગવાન સામે જોયું કે જલંધરનું રૂપ કોણે લીધું હતું. આના પર ભગવાન વિષ્ણુ પોતાના રૂપમાં આવ્યા, પરંતુ કંઈ બોલી શક્યા નહીં. વૃંદાને ગુસ્સો આવ્યો અને તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે તેઓ પથ્થર બની જાય. આ કારણે ભગવાન તરત જ પથ્થર બની ગયા. જો કે, દેવતાઓની પ્રાર્થના પર, વૃંદાએ તેનો શ્રાપ પાછો લીધો.

ત્યાર બાદ વૃંદા પતિના માથા સાથે સતિ થઇ ગઇ. તેની રાખમાંથી એક છોડ નીકળ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ તે છોડનું નામ તુલસી રાખ્યું અને કહ્યું કે હું પણ આ પથ્થર સ્વરૂપમાં રહીશ, જેની પૂજા તુલસીજીની સાથે શાલિગ્રામના નામથી કરવામાં આવશે. હું તુલસીજીના ઉપભોગ વિના કોઈપણ શુભ કાર્યમાં કંઈપણ સ્વીકારીશ નહીં. ત્યારથી તુલસીજીની પૂજા થવા લાગી.
Also read: શિયાળાની ઋતુ તમારી ત્વચારી રંગત ઊડાડી દે તે પહેલા આ ટીપ્સ અજમાવો
ભગવાન વિષ્ણુના આ વરદાનને કારણે દર વર્ષે દેવ ઉઠી અગિયારસ પર ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ અને તુલસીના વિવાહનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે, જે આજે પણ ખૂબ જ ધામધૂમથી અનુસરવામાં આવે છે. આજે કારતક મહિનાની દેવ ઉઠી અગિયારસની તુલસી વિવાહની તિથિ છે. આજે પરંપરાગત રીતે તુલસી વિવાહ કરજો તો તમારી મનની દરેક ઇચ્છા પૂરી થશે.