મતદાન કરવા કંપનીએ રજા નથી આપી? કંપની સામે ફરિયાદ કરી શકાય? શું કહે છે કાયદો…

મુંબઈઃ દેશભરમાં અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દેશ સહિત રાજ્યમાં ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. કુલ સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવવાની હોઈ પહેલાં અને બીજા તબક્કાનું મતદાન થઈ ગયું છે અને મુંબઈમાં 20મી મેના મતદાન થવાનું છે. પણ શું તમને ખબર છે કે મતદાન કરવા માટે જો તમારી કંપની તમને રજા ન આપે તો તમે શું કરી શકો છો? તમે આ માટે ફરિયાદ પણ કરી શકો છો, આવો જોઈએ શું કહે છે કાયદો…
ભારતમાં 18 વર્ષથી ઉપરની દરેક વ્યક્તિને મતદાન આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. દરેક વાર-તહેવારની જેમ જ મતદાન કરવા માટે પણ રજા આપવામાં આવી છે. કર્મચારી સરકારી હોય કે પ્રાઈવેટ દરેકને મતદાન કરવા માટે રજા આપવામાં આવે છે. પણ શું આ રજા આપવાનું કંપની માટે ફરજિયાત છે? મતદાનની રજા બાબતે શું જોગવાઈ કરવામાં આવી છે અને એનું ઉલ્લંઘન કરવામાં આવે તો શું કાર્યવાહી કરવામાં આવી શકે છે એ વિશે માહિતી જાણી લઈએ…
નિયમ અનુસાર કોઈ પણ નાગરિકને મતદાનનો અધિકાર બજાવતા રોકી શકાય નહીં અને લોકપ્રતિનિધિ કાયદા 1951 (RP) અનુસાર મતદાન થઈ રહ્યું એ રાજ્ય કે શહેરમાં આવેલી તમામ કંપનીએ મતદાનના દિવસે રજા જાહેર કરવી આવશ્યક હોય છે.
આ કાયદા અનુસાર મતદાનના દિવસે બધા કર્મચારીઓને ભરપગારે રજા આપવી પડે છે.
ઘણા મતદારની બાબતમાં એવું બને છે કે મતદાન કરવા તેમણે પોતાના ગામ જવું પડે છે અને ત્યાર બાદ મતદાન કરીને ફરી તેઓ પોતાની નોકરી પર હાજર થાય છે આવા કેસમાં એક કરતાં વધુ રજાની જરૂર પડે છે એટલે જ કંપનીએ મતદાનના દિવસે રજા જાહેર કરવી પડે છે. જો કોઈ કંપની આવું નથી કરતી તો તેના પર કાયદેસર કાર્યવાહી થઈ શકે છે.
મતદાનના દિવસે જો કંપની દ્વારા ભરપગારે રજા ના આપવામાં આવે તો કંપનીના કર્મચારીઓ Election Commission Of India (ECI)ને કે તેમણે નિયુક્ત કરેલા અધિકારીનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ મળ્યા બાદ ચૂંટણી પંચ સંબંધિત ઓફિસ પર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.