પ્રિન્ટ-સોશિયલ મીડિયામાં લોનમાફીની ફરી રહી છે જાહેરાતો, RBIએ લોકોને કર્યા એલર્ટ
શું તમે બેંકમાંથી લોન લીધી છે? શું તમને અખબારો અથવા સોશિયલ મીડિયા દ્વારા લોનમાફ કરવાની ઓફરો મળી રહી છે? તો એવી જાહેરાતોથી ભરમાવું નહિ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અખબારોમાં છપાતી જાહેરખબરોને લઇને બેન્કિંગ સેક્ટરના રેગ્યુલેટર્સ દ્વારા લોકોને ચેતવવામાં આવી રહ્યા છે.
આરબીઆઇએ પણ પ્રેસ રિલીઝ જાહેર કરીને સામાન્ય નાગરિકોને આ પ્રકારની જાહેરાતોથી દૂર રહેવાની અને ચેતતા રહેવાની સલાહ આપી છે. તેમણે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે ગેરકાયદે ચાલી રહેલી આવી જાહેરાતોની જાળમાં લોકો ફસાય તો તેમને ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે. ભારતીય રિઝર્વ બેન્કે આવા અભિયાનો ચલાવનાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનું પણ કહ્યું હતું.
ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર અનેક ગેરમાર્ગે દોરતી જાહેરાતો ફરી રહી છે જેમાં લોન લેનારાઓની લોન માફ કરવામાં આવી રહી છે. આવા એકમો પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝુંબેશ ચલાવી રહ્યા છે. એવા અહેવાલો છે કે આ એકમો કોઈપણ સત્તા વિના લોન માફી પ્રમાણપત્રો આપવા બદલ સેવા અથવા કાનૂની ફી પણ લોકો પાસેથી વસૂલી રહ્યા છે. RBIએ કહ્યું હતું કે અમારા ધ્યાનમાં એ પણ આવ્યું છે કે કેટલીક જગ્યાએ અમુક લોકો દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે બેંકોના અધિકારોને પડકારી રહ્યા છે.
આરબીઆઈએ કહ્યું કે આ લોકો નાગરિકોને કહી રહ્યા છે કે તેમણે બેંકો અને નાણાકીય સંસ્થાઓને લોન પરત કરવાની કોઈ જરૂર નથી. જો લોકો આવી ભ્રમણાઓમાં ફસાય તો નાણાકીય સંસ્થાઓ અસ્થિર થઇ જાય અને લોન લેનાર ગ્રાહકોને પણ આર્થિક ફટકો પહોંચી શકે છે. આથી લોકોને અપીલ કરવામાં આવે છે કે આવી ખોટી અને ભ્રામક જાહેરાતોનો શિકાર ન થવું અને સતર્ક રહેવું.