શું તમારી લોન પણ વારંવાર રિજેક્ટ થાય છે? કારણ જાણી લેશો તો ફાયદામાં રહેશો

આજના જમાનામાં ઘર ખરીદવાથી માંડીને વ્યવસાય શરૂ કરવા ગાડી લેવા ઉચ્ચ અભ્યાસ માટેની જરૂરિયાતો માટે લોનની જરૂર પડે છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે બેંકો તમારી લોનની વિનંતીને નકારી કાઢે છે, અને તમારું કામ અધવચ્ચે જ અટવાઈ જાય છે. તેથી તમે જો તમારી લોન રિજેક્ટ થવાના કારણો જાણી લેશો તો તમે તમારી ભૂલને સુધારી શકશો અને તમારી લોન મંજુર કરાવી શકશો. આપણે એ કારણોને સમજીએ.
લોન રિજેક્ટ થવાના કારણોઃ-
તમારો ખરાબ ક્રેડિટ સ્કોરઃ-
કોઈપણ લોન લેવા માટે ક્રેડિટ સ્કોર (CIBIL)ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારો ક્રેડિટ સ્કોર ઘણો ઓછો હોય તો બેંક તમારી લોન નકારી કાઢે છે ખરાબ ક્રેડિટ સ્કોરનું મુખ્ય કારણ ભૂતકાળમાં તમે લોનના ઈએમઆઈ કે ક્રેડિટ કાર્ડના બિલની સમયસર ચુકવણી નહીં કરી હોય એ હોઇ શકે છે.
અપૂરતી આવકઃ-
લોન આપતા પહેલા દરેક બેંકો તપાસ કરે છે કે તમારી માસિક આવક તમારી લોનના હપ્તાની ચૂકવણી કરવા માટે પૂરતી છે. જો તમારી આવક બેંક દ્વારા નિર્ધારિત ધોરણ પૂર્ણ કરતી નથી તો તમારી લોનની અરજી નકારી શકાય છે.
કાયમી નોકરી કે વ્યવસાયનો અભાવઃ-
બેંકો એવા લોકોને લોન આપવાનું ટાળે છે જેમની સ્થાયી નોકરી કે વ્યવસાય હોતો નથી. જો તમે વારંવાર નોકરી બદલતા હો છો અથવા તો તમારી આવક સ્થિર નથી, તો બેંક તમને ઉધાર આપવાનું જોખમ ઉઠાવતી નથી અને તમારી લોનને રીજેક્ટ કરી દે છે.
આ પણ વાંચો : ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવ ટનલ સહિતના ઈન્ફ્રા પ્રોજેક્ટસ માટે એમએમઆરડીએ 7,326 કરોડ રૂપિયાની લોન લીધી
વધુ પડતી લોનઃ-
જો તમે પહેલાથી જ ઘણી લોન લીધી હોય એને તમારા માથા પર ઇએમઆઈનો બોજ વધારે હોય તો તેવા સંજોગોમાં પણ બેંક તમારી નવી લોનની અરજી નકારી શકે છે. બેંક એ જુએ છે કે તમારી આવકનો કેટલો ભાગ હાલની લોનની ચુકવણીમાં જાય છે.
અધુરી અથવા ખોટી માહિતીઃ-
લોન લેવા માટે તમારે બેંકમાં અરજીનું ફોર્મ ભરવું પડે છે. જો તમે તેમાં કોઈ ખોટી માહિતી આપી હોય અથવા તો જરૂરી દસ્તાવેજો અપલોડ ના કર્યા હોય કે જરૂરી દસ્તાવેજોમાં કોઈક સમસ્યા હોય તો પણ બેંક તમારી લોનની અરજીને નકારી શકે છે.
આ ઉપરાંત લોન લેવા માટે વ્યક્તિની ઉંમર 21થી 60 વર્ષની વચ્ચે હોવી જોઇએ. દરેક બેંકો અને NBFCs વયના માપદંડનો ઉલ્લેખ કરતી જ હોય છે.
તો હવે તમને તમારી લોન રિજેક્ટ થવાના કારણો વિશે જાણકારી મળી ગઇ છે. તમે એની તકેદારી લેશો તો ક્યારેય તમારી લોન રિજેક્ટ નહીં થાય.